વુહાન (Wuhan) : ચીનના હુબઈ પ્રાંતમાં નજીક નજીકનાં હેન્કાઉ, હેનિયાંગ અને વુચાંગ શહેરોને આવરી લેતા પ્રદેશ માટે અપાયેલું સામૂહિક નામ. આ ત્રણેય શહેરો 30° 25´ ઉ. અ. અને 114° 25´ પૂ. રે. પર નજીક નજીક આવેલાં છે. તે એક રાજકીય-આર્થિક એકમ તરીકે કામ કરે છે.  આ ત્રણેય સ્થળો હેન અને ચાંગ જિયાંગ (યાંગત્સે) નદીઓના સંગમ પર છે. હેન્કાઉ અને હેનિયાંગ યાંગત્સે નદીના ઉત્તર કાંઠે તથા વુચાંગ દક્ષિણ કાંઠે વસેલાં છે. હેન નદીનો પુલ અને ફેરીસેવા શહેરો વચ્ચે અવરજવરની સુવિધા પૂરી પાડે છે. હેનિયાંગ અને વુચાંગ યાંગત્સેના પુલથી સંકળાયેલાં છે.

વુહાન ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં લોહ, પોલાદ, યાંત્રિક ઓજારો, ખાતરો અને કાપડનું ઉત્પાદન થાય છે.

વુહાન 1851-65માં અને 1911માં ચીનમાં થયેલા બળવાઓનું મુખ્ય કેન્દ્ર હતું. 1950ના ગાળામાં અહીં ઔદ્યોગિક વિકાસ થવાથી આ પ્રદેશ જાણીતો બનેલો છે. 1967માં થયેલા માઓ વિરુદ્ધ બળવાનું તેમજ સાંસ્કૃતિક ક્રાંતિનું પણ તે મુખ્ય મથક રહેલું.

1995 મુજબ આ પ્રદેશની વસ્તી 44,50,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા