વુલ્ફ, વર્જિનિયા (જ. 25 જાન્યુઆરી 1882, લંડન; અ. 28 માર્ચ 1941, રૉડમેલ, સસેક્સ) : અંગ્રેજ મહિલા નવલકથાકાર અને વિવેચક. આધુનિક નવલકથાનાં પુરસ્કર્તા. મૂળ નામ ઍડિલીન વર્જિનિયા સ્ટીફન. સર લેસલી સ્ટીફનનાં પુત્રી. ઘરમાં જ પિતાએ શિક્ષણ આપ્યું. બાવીસ વર્ષની ઉંમરે તેમણે પિતા ખોયા. બહેન વેનેસ્સા અને ભાઈઓ ઍડ્રિયન અને થૉબી સાથે લંડનના પશ્ચિમ ભાગમાં બ્લૂમ્સબૅરીમાં રહેવા ગયાં. 1912માં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રના વિદ્વાન લિયૉનાર્ડ વુલ્ફ સાથે લગ્ન કર્યાં અને ત્યારથી ‘વર્જિનિયા વુલ્ફ’ કહેવાયાં. ‘બ્લૂમ્સબરી ગ્રૂપ’માં વર્જિનિયા ઉપરાંત નવલકથાકાર ઈ. એમ. ફૉર્સ્ટર, જીવન-ચરિત્રકાર અને નિબંધકાર લિટન સ્ટ્રેચી, ચિત્રકાર ડંકન ગ્રાન્ટ અને કલાવિવેચકો રૉજર ફ્રાય અને ક્લાઇવ બેલ (વેનેસ્સાના પતિ), અર્થશાસ્ત્રી જૉન મૅનાર્ડ કીન્સ અને સંપાદક ડેસમન્ડ મેકાર્થી હતાં. ત્રણ ત્રણ દસકા સુધી આ બૌદ્ધિકોની મૈત્રી અતૂટ રહેલી.
વર્જિનિયાની પ્રથમ નવલકથા ‘ધ વૉયેજ આઉટ’ (1915) પ્રસિદ્ધ થઈ. 1917માં પતિ-પત્નીએ હોગાર્થ પ્રેસની સ્થાપના કરી. ફૉર્સ્ટર, કૅથરિન મૅન્સફિલ્ડ અને ટી. એસ. એલિયટનાં પુસ્તકો તેમણે પ્રગટ કર્યાં. વર્જિનિયાનાં તમામ પુસ્તકો આ છાપખાનામાં છપાયાં. ‘નાઇટ ઍન્ડ ડે’ (1919), ‘જૅકબ્સ રૂમ’ (1922), ‘મિસિસ ડૅલૉવે’ (1925), ‘ટુ ધ લાઇટ હાઉસ’ (1927), ‘ઑર્લેન્ડો’ (1928), ‘ધ વેવ્ઝ’ (1931), ‘ધ યર્સ’ (1937) અને ‘બિટવીન ધી ઍક્ટ્સ’ (1941) નોંધપાત્ર નવલકથાઓ છે. ‘ફ્લશ’ (1933) ઇલિઝાબેથ બેરેટના કૂતરાની કાલ્પનિક જીવનકથા છે. ‘રૉજર ફ્રાય’ (1940) જીવનચરિત્ર છે. ‘મન્ડે ઍન્ડ ટ્યૂઝડે’ (1921) અને ‘અ હૉન્ટેડ હાઉસ’ (1943) ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. ‘થ્રી ગિનિઝ’ (1928) અને ‘અ રૂમ ઑવ્ વન્સ ઓન’ (1929) નિબંધસંગ્રહો છે. ‘ધ કૉમન રીડર’ (1925; 1932), ‘ધ ડેથ ઑવ્ ધ મોથ’ (1942), ‘ધ મોમેન્ટ’ (1947), ‘ધ કૅપ્ટન્સ ડેથબેડ’ (1950) અને ‘ગ્રૅનાઇટ ઍન્ડ રેઇનબો’ (1958) વિવેચન-સંગ્રહો અને ચિંતનાત્મક લખાણો છે. તેમની દૈનંદિનીના શબ્દોની સંખ્યા આશરે 5 લાખ જેટલી છે; આમાંની કેટલીકનું સંપાદન ‘અ રાઇટર્સ ડાયરી’(1958)ને નામે એમના અવસાન બાદ થયું છે.
અત્યંત સંવેદનશીલ અને અતિ ભાવનાશીલ વર્જિનિયા પર બે વાર માનસિક અસ્થિરતાના હુમલા થયેલા. પોતાની માતાના અવસાન સમયે તેર વર્ષની ઉંમરે તેમના પર માનસિક તાણનો હુમલો થયેલો. ત્યારપછી બે વર્ષ બાદ બીજા હુમલા વખતે તો તેમણે આપઘાત કરવાનો પ્રયત્ન કરેલો. બીજા વિશ્વયુદ્ધ વખતે તેમની છેલ્લી નવલકથા ‘બીટવિન ધી ઍક્ટ્સ’ સસેક્સમાં લખેલી. જર્મન લશ્કરે કરેલા બૉમ્બમારામાં તેમનું ઘર નષ્ટ થઈ જવાથી આ દંપતી લંડન છોડી સસેક્સ રહેવા ગયેલાં. વિશ્વયુદ્ધ અને નવલકથાના સર્જનના ભારે તણાવમાં તેમણે આઉસ (ouse) નદીમાં પોતાના વસ્ત્રના ખીસામાં પથ્થરો ભરી, પડતું મૂકી, ડૂબી જઈને આપઘાત કરેલો. જીવનનાં હકારાત્મક મૂલ્યોનું જતન કરતાં વિચારોની અભિવ્યક્તિ કરતાં આ મહાન લેખિકાની અંતરવ્યથા વિશે તેમના પતિ પણ અજાણ હતા. જોકે તેમની છેલ્લી ચિઠ્ઠીમાં પોતે પાગલ થઈ જશે અને તેમાંથી ક્યારેય પાછાં સાજા નહિ થાય એવી દહેશતને કારણે આપઘાત કરવા પ્રેરાયાં છે તેમ પતિને ઉદ્દેશીને લખ્યું છે.
આંતરચેતનાપ્રવાહ(stream of consciousness)ની તરાહવાળી નવલકથામાં વર્જિનિયાએ બાહ્ય જગતની ઘટનાઓને વેગળી મૂકી, લૉરેન્સ સ્ટર્ન, માઇકલ દ મૉન્તેન અને તેમના પોતાના સમકાલીન નવલકથાકારો માર્સેલ પ્રાઉસ્ટ અને જેમ્સ જૉઇસની જેમ પાત્રોના આંતરજગતને વ્યક્ત કરતું આધુનિક નવલકથાનું નવું સ્વરૂપ આપ્યું. માનવમન પર વિચારોના અણુઓ જેમ જેમ પડે છે તેમ તેમ પ્રત્યેક ઘટના અસંબદ્ધ ભાત પાડતી જાય છે તેનું બયાન કરવાનો પ્રયત્ન લેખિકા કરે છે. એક જ ઘટના માટે જુદાં જુદાં પાત્રો મનમાં સ્વગતોક્તિઓ દ્વારા જુદા જુદા પ્રતિભાવો વ્યક્ત કરે છે. વર્જિનિયા સમયના પરિમાણ વિશે સતત સભાન રહે છે. એમાં ક્ષણેક્ષણ અને વર્ષો અને સદીઓના પૃથક્કરણ સાથે બાહ્ય અને આંતર સમયના ભેદ છતા થાય છે. આ સાથે વર્જિનિયા સ્ત્રીમનનું અદ્ભુત પૃથક્કરણ કરે છે. પાત્રોના સામાજિક સંબંધો ઉપરાંત તેમના એકાંતમાંથી પ્રગટતી વિચારસૃદૃષ્ટિની અભિવ્યક્તિ તેઓ માનસશાસ્ત્રીય દૃષ્ટિકોણથી કરે છે. જોકે પ્રકૃતિના ખડકો, વનસ્પતિ વગેરેનાં પ્રસ્તુત અને સવિસ્તર વર્ણનો તેમણે કરેલાં છે.
‘મિસિસ ડોલોવે’માં અસ્થિર મગજના પતિ સેપ્ટિમસ અને તેની ડાહી, કોઠાસૂઝવાળી પત્ની ક્લેરિસાની વાત છે. ક્લેરિસાએ આપેલી એક મિજબાનીમાં, સેપ્ટિમસે આપઘાત કર્યાના સમાચાર તેને મળે છે. જેને પોતે કદાપિ નહોતી જાણી શકી તેવા પતિને ક્લેરિસા હવે જાણે છે. કેટલાક વિવેચકોના મતે ક્લેરિસા અને સેપ્ટિમસ એક જ વ્યક્તિત્વનાં બે વિરોધી પાસાં છે. ‘ધ લાઇટહાઉસ’માં દરિયાકિનારે વીતેલા શ્રીમતી વુલ્ફના જીવનની આપવીતી છે. આ નવલકથાના ‘ધ વિન્ડો’, ‘ટાઇમ પાસિઝ’ અને ‘ધ લાઇટહાઉસ’ – એમ ત્રણ ભાગ છે. ‘ઑર્લેન્ડો’ નવલકથાને વર્જિનિયાએ પોતાનું જીવનચરિત્ર કહ્યું છે. ‘ધ વેવ્ઝ’ છ પાત્રોની સૃદૃષ્ટિમાં રાચતી વર્જિનિયાની સૌથી વધુ પ્રયોગાત્મક નવલકથા છે. હૉર્વેના રિચ્ટરે ‘વર્જિનિયા વુલ્ફ : ધી ઇનવર્ડ વૉયેજ’ (1970) અને ક્વેન્ટિન બેલે ‘વર્જિનિયા વુલ્ફ : અ બાયૉગ્રાફી’ (1972) લખ્યાં છે.
વિ. પ્ર. ત્રિવેદી