વુમન ઑવ્ ધ ડ્યૂન્સ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. શ્વેત અને શ્યામ. ભાષા : જાપાની. નિર્માતા : કીચી ઇચિકાવા, તાડાશી ઓહાના. દિગ્દર્શક : હિરોશી તેશીગાહારા. કથા : કોબો એબીની નવલકથા પર આધારિત. છબીકલા : હિરોશી સેગાવા. સંગીત : ટોરુ ટાકેમિશુ. મુખ્ય કલાકારો : એઇજી ઓકાડા, ક્યોકો કિશિડા, કોજી મિત્સુઇ, હિરોકો, ઇટો, સેન યાનો.
ખ્યાતનામ જાપાની લેખક કોબો એબીની આ જ નામની નવલકથા પર આધારિત આ ચિત્ર અંગ્રેજીમાં ‘વુમન ઇન ધ ડ્યૂન્સ’ નામે પણ પ્રદર્શિત થયું હતું. અંતર્મુખી કીટવિજ્ઞાની નિકી જુમ્પેઇ સંશોધન માટે નીકળ્યો છે. ખરેખર તો તેને જીવનના અને પ્રેમના સાચા અર્થની તલાશ છે. દરિયાકિનારાના એક ગામડામાં તે જઈ પહોંચ્યો છે. શહેરમાં જવાની બસ તે ચૂકી જાય છે એટલે રાતવાસો તેણે એ ગામમાં જ કરવો પડે તેમ છે. સ્ત્રીનો સંગ મળી રહે એવી એક જગ્યાની તેને તલાશ છે. એક માણસ આવી એક જગ્યાએ તેને લઈ જાય છે. રેતીના એક ઊંડા ખાડામાં નિસરણી મૂકેલી છે. તે નીચે જાય છે. ખાડામાં એક સ્ત્રીનું રહેઠાણ છે. સવારે ઊઠીને તે જુએ છે ત્યારે ખબર પડે છે કે તેને ફસાવાયો છે. નિસરણી લઈ લેવામાં આવી છે અને એ ઊંડા ખાડામાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. પહેલાં તો તે એ સ્ત્રી પર પોતાનો રોષ ઠાલવે છે પણ તેને સમજાય છે કે એ પણ આ ખાડામાં એક કેદી જેવું જ જીવન વિતાવી રહી છે. સ્ત્રી તગારામાં રેતી ભરીભરીને ઉપર મોકલતી રહે છે. બદલામાં તેને ખાવાનું મળે છે. જો રેતી ન મોકલે તો ખાવાનું પણ ન મળે. અંતે પુરુષે પણ પોતાનું જીવન ટકાવી રાખવા એ જ કામ શરૂ કરવું પડે છે. તેને કામ કરતા રહેવાનું મહત્વ પણ સમજાય છે. આ ઉપરાંત એક જ સ્થિતિમાં મુકાયેલાં અને એક જ પ્રકારનું કામ કરતાં સ્ત્રી અને પુરુષની આ કહાણી છે.
થોડા જ દિવસોમાં નિકી આ કામથી ટેવાઈ જાય છે. સ્ત્રીના સતત સહવાસને કારણે બંને વચ્ચે નિકટના સંબંધો બંધાય છે. થોડા સમય બાદ તેમને ખ્યાલ આવે છે કે સ્ત્રી સગર્ભા બની છે. દરમિયાનમાં આ દોજખમાંથી મુક્ત થવાની તેની ઇચ્છા હજી મરી પરવારી નથી. એક દિવસ લાગ મળતાં તે ભાગી છૂટે છે, પણ ગામલોકો તેને પકડી પાડે છે અને ફરી એ જ ખાડામાં એ જ સ્ત્રી સાથે તેને રહેવું પડે છે. એ પછી નિકી પોતાના એ જીવનને સ્વીકારી લે છે. ભાગી છૂટવાનો ખ્યાલ મનમાંથી કાઢી નાંખે છે.
એક દિવસ રેતી ખોદતાં ખોદતાં તેને ખાડામાં પાણી ફૂટતું દેખાય છે. વધુ ખોદાણ કરતાં તેને બહાર નીકળવાનો રસ્તો દેખાય છે. એ રસ્તે આગળ વધતાં તે છેક દરિયા સુધી પહોંચી જાય છે, પણ હવે તેને મુક્તિ નથી જોઈતી. ખાડામાં રહીને રાહ જોતી સ્ત્રી પાસે તે પાછો ફરે છે. આ ચિત્રને 1964માં શ્રેષ્ઠ વિદેશી ચિત્રનો ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો અને તે પછીના વર્ષે શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનું નામાંકન મળ્યું હતું.
હરસુખ થાનકી