વીર નર્મદ : ઈ. સ. 1933માં રચાયેલું નર્મદવિષયક જીવનચરિત્ર. એના લેખક છે વિશ્વનાથ મ. ભટ્ટ. નર્મદ જે જાતનું જીવન જીવી ગયા અને એમણે ગુજરાતની જે અનન્યભાવે સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક સેવા કરી એનું ટૂંકમાં પણ યથાર્થ દર્શન કરાવવાના હેતુથી ગુજરાત સાહિત્ય સભાએ નર્મદની પ્રથમ જન્મ શતાબ્દી પ્રસંગે વિશ્વનાથ મ. ભટ્ટ પાસે આ કૃતિની રચના કરાવેલી.

આ કૃતિમાં વિશ્વનાથ મ. ભટ્ટે પ્રેમ અને શૌર્યથી ઊછળતા નર્મદજીવનનો ટૂંકો પણ માર્મિક પરિચય ‘જૂનો ને નવો જમાનો’, ‘જીવનરેખા : થોડાંક દૃશ્યો’, ‘યૌવનમૂર્તિ’, ‘જીવનભરનો જોદ્ધો’, ‘કવિતા’ અને ‘યુગપુરુષ’ – એવાં છ પ્રકરણમાં કરાવ્યો છે.

ચરિત્રકારે કરેલી છ પ્રકરણની આ યોજના કૃતિને સઘન રૂપ બક્ષે છે. આરંભમાં નર્મદના જીવન અને કાર્યને અસરકારક રીતે સમજી શકાય એ હેતુથી ચરિત્રકારે એના સમયની પરિસ્થિતિનું આછું પણ યથાર્થ ચિત્ર ઉપસાવ્યું છે. એ માટે એમણે કેટલાક બનાવોને પ્રસંગચિત્રો રૂપે રજૂ કર્યા છે. કૃતિના બીજા પ્રકરણમાં વિશ્વનાથ ભટ્ટે નર્મદજીવનના બારેક જેટલા પ્રસંગોને શબ્દરૂપ આપ્યું છે. આ પ્રકરણમાં નર્મદ ક્યાંક ઈશ્વરશ્રદ્ધાળુ કિશોર રૂપે તો ક્યાંક મહત્વાકાંક્ષી યુવાન રૂપે ઊપસ્યા છે. ધીરાનાં પદો વાંચી એના હૃદયમાં જન્મતી કવિતાસર્જનની ઝંખના, સરસ્વતીને ચરણે જીવન સમર્પિત કરવાની એમણે કરેલી પ્રતિજ્ઞા અને સમય-સંજોગોએ એ પ્રતિજ્ઞા ભંગ થાય એવી ઊભી કરેલી પરિસ્થિતિને પણ ચરિત્રકારે વર્ણવી છે. ત્રીજા પ્રકરણમાં યૌવનમૂર્તિ નર્મદની છબી ઉપસાવી છે. ચોથું પ્રકરણ જીવનભર ભવરણમાં ઝૂઝનાર યૌદ્ધારૂપ નર્મદ-વ્યક્તિત્વને ઉપસાવે છે. જન્મે ને કર્મે નર્મદ બ્રાહ્મણ, પણ સ્વભાવે એ ક્ષત્રિય હતા. પોતાને એ ભવરણના સિપાઈ તરીકે ઓળખાવતા હતા. જીવનચરિત્રનું પાંચમું પ્રકરણ કવિ નર્મદની સમતોલ સમીક્ષા કરે છે. આ પ્રકરણમાં નર્મદને નવીન કાવ્યભાવના તરફ ગુજરાતનું સૌપહેલું લક્ષ્ય દોરનાર તરીકે ઉપસાવાયા છે. ભલે નર્મદની કવિતા, કવિતાનાં સર્વોચ્ચ ધોરણોએ ઊંચા સ્થાનની અધિકારી નહિ હોય, છતાં અર્વાચીન ગુજરાતી કવિતાને એક નવી જ દિશા ચીંધનાર તરીકે એનું મૂલ્ય ઘણું ઊંચું છે. કવિ નર્મદનું સ્થાન ઐતિહાસિક દૃદૃષ્ટિએ કેવું મહત્વનું છે એ ચરિત્રકારે આ પ્રકરણમાં દર્શાવ્યું છે. ‘વીર નર્મદ’ના અંતિમ પ્રકરણમાં શ્રી વિશ્વનાથ ભટ્ટ નર્મદની સુધારા સંગ્રામના સૈનિક અને સેનાની તરીકેની તેમજ સાહિત્યવીર તરીકેની કીર્તિશાળી કારકિર્દી વર્ણવી એમના ખંડનાત્મક અને મંડનાત્મક કાર્યની સમાલોચના કરી, એમને નવયુગના જ્વલંત પણ અપૂર્ણ અરુણ રૂપે ઓળખાવી ભાવભીની અંજલિ સમર્પી છે.

‘વીર નર્મદ’ આમ સળંગસૂત્ર નર્મદચરિત્ર નથી. શ્રી વિશ્વનાથ ભટ્ટે આ કૃતિમાં નર્મદનાં સમય, સ્વભાવ અને તેમણે કરેલી સામાજિક-સાહિત્યિક સેવાપ્રવૃત્તિનાં છૂટાંછવાયાં લાક્ષણિક પ્રસંગોનાં શબ્દચિત્રો જ ઉપસાવ્યાં છે. આમ છતાં, ગુજરાતી ચરિત્રસાહિત્યમાં આ કૃતિનું એક આગવું મૂલ્ય છે. નર્મદને વિષય બનાવી નવલરામે, વિશ્વનાથે અને ક. મા. મુનશીએ જે જીવનચરિત્રો આપ્યાં છે તેમાં ‘વીર નર્મદ’ ઉલ્લેખનીય કૃતિ બને છે. અલબત્ત, આ કૃતિમાં વિશ્વનાથે નર્મદના સાહિત્યની જેવી કડક સમીક્ષા કરી છે તેવી નર્મદના જીવન અને વ્યક્તિત્વની નથી કરી. કેટલેક અંશે આ સંદર્ભમાં એ વીરપૂજક બની ગયા છે એ કૃતિપક્ષે ચરિત્રકારની મર્યાદા હોવા છતાં વિશ્વનાથ ભટ્ટની ચિત્રાત્મક નિરૂપણશૈલી અને કથાત્મક રજૂઆતને કારણે આ ચરિત્ર પ્રભાવક બની શક્યું છે.

પ્રતિભા શાહ