વીરમગામ : અમદાવાદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 07´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.ની આજુબાજુનો 1,714 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે અને પૂર્વે મહેસાણા જિલ્લાની સીમા, અગ્નિકોણ તરફ સાણંદ તાલુકો, દક્ષિણે ધોળકા તાલુકો, પશ્ચિમે સુરેન્દ્રનગર જિલ્લાની સીમા આવેલાં છે. તાલુકામથક વીરમગામ તાલુકાની મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-આબોહવા : વીરમગામ તાલુકાનું ભૂપૃષ્ઠ આછા ઢોળાવવાળા સમતળ પ્રદેશથી બનેલું છે. અહીં મધ્યમ કાળી, ગોરાડુ અને ક્યારીની જમીનો જોવા મળે છે. ચોમાસાની ઋતુ સિવાય અહીંની આબોહવા એકંદરે વિષમ રહે છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 40° સે. અને 8°થી 10° સે. જેટલાં રહે છે, જ્યારે મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 46° સે. અને 4.5° સે. સુધી પહોંચી જાય છે. સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 500 મિમી. જેટલો પડે છે. તાલુકામાં કોઈ મહત્વની નદી પસાર થતી નથી. મુનસર અને ગંગાસર તળાવો તથા તાલુકાની દક્ષિણ સરહદ પર નળ સરોવર આવેલાં છે.
અર્થતંત્ર : આ તાલુકામાં કપાસ, જુવાર, બાજરી, ઘઉં, ડાંગર અને શાકભાજીના પાક લેવાય છે. તાલુકામથક વીરમગામ વેપાર-વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર છે. તેની આજુબાજુ કપાસ થતો હોવાથી ત્યાં કાપડની મિલ, મચ્છરદાની બનાવવાના એકમો, જિનિંગ-પ્રેસિંગનાં કારખાનાં, ડાંગર છડવાની મિલ તેમજ તેલમિલ જેવા મધ્યમ કક્ષાના ઉદ્યોગો ચાલે છે. આ ઉપરાંત અહીં ટાઇલ્સ, સિમેન્ટની પાઇપ, સાબુ, ડિટરજન્ટ પાઉડર, બરફ, તેજાબ-સ્લરી, દવાઓ, ખેતીનાં ઓજારો વગેરે બનાવવાના એકમો પણ આવેલા છે. વેપાર-વાણિજ્ય માટે રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅંકોની સુવિધા છે.
તાલુકામાં પ્રાથમિક શાળાથી માંડીને કૉલેજશિક્ષણની સગવડો છે. અહીં જાહેર અને મ્યુનિસિપલ દવાખાનાં, પ્રસૂતિગૃહો તથા પશુચિકિત્સાલયો આવેલાં છે. તાલુકામથક વીરમગામ ખાતે તાલુકાની વહીવટી કચેરીઓ આવેલી છે. વારિગૃહો, વીજળી, સંદેશાવ્યવહાર-તારટપાલ-કચેરીઓ, મનોરંજન-સ્થળોની સુવિધા પણ ઉપલબ્ધ છે.
પરિવહન : આ તાલુકામાંથી વીરમગામ-મુંબઈ, વીરમગામ-ખારાઘોડા અને વીરમગામ-ઓખાના બ્રૉડગેજ રેલમાર્ગો તેમજ વીરમગામ-મહેસાણા મીટરગેજ રેલમાર્ગો પસાર થાય છે. વીરમગામ આ રેલમાર્ગનું મુખ્ય જંક્શન છે. રાજ્ય ધોરી માર્ગ પણ અહીંથી પસાર થાય છે. આ તાલુકો રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસસેવા દ્વારા ગુજરાતનાં મહત્વનાં નગરો સાથે સંકળાયેલો છે. આ રીતે તે એક તરફ ગુજરાતની તળભૂમિ અને બીજી તરફ સૌરાષ્ટ્રને સાંકળે છે.
જોવાલાયક સ્થળો : વીરમગામને ફરતો ઊંચી દીવાલવાળો જૂનો કોટ છે, કોટને પાંચ દરવાજા છે. વીરમગામ ખાતે આવેલું મુનસર તળાવ ગુજરાતભરમાં જાણીતું છે. મુસ્લિમ સ્થાપત્યવિદ બર્જેસની નોંધ મુજબ તળાવની ઉત્તર તરફ વૈષ્ણવ સંપ્રદાયની જ્યારે પૂર્વ, નૈર્ઋત્ય અને દક્ષિણ તરફ શૈવ સંપ્રદાયની દહેરીઓ હતી. પૂર્વ તરફની દહેરીઓ ખંડિયેર હાલતમાં છે. બધી જ દહેરીઓ પ્રારંભિક ચૌલુક્ય-કાળની છે. દરેક શિવ-દહેરીને મહાકાળ અને ભૈરવની મૂર્તિઓ ધરાવતા ત્રણ ગોખ પણ છે. તેને પાટણના સહસ્રલિંગ તળાવના સમયનું ગણવામાં આવે છે, પરંતુ તે સહસ્રલિંગ તળાવ જેવું ભવ્ય નથી. તેનો આકાર અનિયમિત છે. તેની ચારેય બાજુએ પથ્થરનાં પગથિયાંથી બનાવેલો ઘાટ છે. ઘાટ પરથી તળાવ તરફ ઊતરવાની તેમજ ચઢવાની ઘણી પગથીઓ તૈયાર કરાયેલી છે. આ તળાવ ગુજરાતના મધ્યયુગના ઇતિહાસની યાદ અપાવે છે. આ ઉપરાંત અહીં ગંગાસર તળાવ, કાશી-વિશ્વનાથ મહાદેવ, હરિહર મહાદેવ, રામજીમંદિર જેવાં ઘણાં મંદિરો પણ આવેલાં છે. તાલુકાની દક્ષિણે અમદાવાદ-સુરેન્દ્રનગર જિલ્લા સરહદ પર આશરે 127 ચોકિમી.નો વિશાળ વિસ્તાર આવરી લેતું ખારા પાણીનું ‘નળ સરોવર’ આવેલું છે. ગુજરાત સરકારે તેને પક્ષી-અભયારણ્ય તરીકે જાહેર કરેલું છે. વીરમગામની અગ્નિદિશાએ બે મોટાં જોડિયાં મંદિરો પણ છે. તાલુકાનાં જુદાં જુદાં સ્થળોએ વારતહેવારે મેળા પણ ભરાય છે.
વસ્તી : 2001 મુજબ આ તાલુકાની વસ્તી 1,72,386 જેટલી છે, જ્યારે તાલુકામથક વીરમગામની વસ્તી 53,095 છે. વીરમગામની બાજુમાં જ શિયા દાઉદી વહોરાના વસવાટવાળો અલીગઢ નામનો કસબો આવેલો છે. આ વહોરા લોકો અહીંના ધંધાર્થીઓ અથવા મોટા જમીનદારો છે. આ કસબાની પાસે વિશ્રામગૃહ અને વીજમથક આવેલાં છે. વળી અહીં મુસ્લિમ સંત ગેબનશાહ પીરની દરગાહ પણ છે. ત્યાં દર વર્ષે મોટો મેળો ભરાય છે.
ઇતિહાસ : હાલ વીરમગામ છે ત્યાં ઘૂસડી નામે ગામ હતું. રાજા ભીમદેવ બીજાના દાનશાસનમાં ઈ.સ. 1238માં ઘૂસડી ગામનો ઉલ્લેખ થયો છે. લવણપ્રસાદ વાઘેલાના પુત્ર વીરમદેવે ત્યાં વીરમેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. સમય જતાં ઘૂસડી ગામ વીરમગામ તરીકે જાણીતું થયું. ગામની આસપાસ આવેલ કોટમાં પાંચ દરવાજા છે. સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ ત્યાં મુનસર તળાવ બંધાવ્યું હતું. તે કદમાં નાનું પરંતુ સહસ્રલિંગની પ્રતિકૃતિ સમાન છે. મુનસર તળાવનો ઘાટ શંખાકૃતિ છે. તેના કાંઠે 520 દેરીઓ (નાનાં મંદિર) આવેલી હતી, તેમાંથી 357 જેટલી હાલ જળવાઈ રહી છે. ઈ. સ. 1530 સુધી વીરમગામ અમદાવાદના શાસકોની સત્તા હેઠળ આવ્યું ન હતું. સૌરાષ્ટ્રનું તે પ્રવેશદ્વાર હોવાથી મુઘલ સૂબાઓએ તેને ઝાલાવાડ જિલ્લાના મુખ્યમથક તરીકે પસંદ કર્યું હતું. 1724માં અમદાવાદ કબજે કર્યા બાદ મરાઠા સરદાર કંથાજીએ વીરમગામ પંથકમાંથી ચોથ ઉઘરાવી હતી. તે પછી ગાયકવાડ અને પેશવા વચ્ચે થયેલી સમજૂતી અનુસાર ભરૂચથી વીરમગામ સુધીના પ્રદેશો પર ચોથ ઉઘરાવવાનો પેશવાનો હક માન્ય રાખવામાં આવ્યો. ઈ. સ. 1817ની પુણેની સંધિ દ્વારા પેશવાએ અમદાવાદ શહેર, દસક્રોઈનો પેટાવિભાગ, વીરમગામ સહિત બીજા ઉત્તર ગુજરાતના પ્રદેશો બ્રિટિશરોને સોંપી દીધા. 1906માં કોલકાતાના મહાસભા(કૉંગ્રેસ)ના અધિવેશન પછી સ્વદેશીની ચળવળે ઉગ્ર સ્વરૂપ પકડ્યું. તે અગાઉ ગુજરાતમાં 1876થી આ ચળવળ શરૂ થઈ હતી. તે વખતે વીરમગામ તાલુકાના દેકાવાડા તથા માંડલ ગામમાં સ્વદેશી ખાંડ વાપરવાનો નિર્ણય લેવાયો હતો. ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. તે પછી રાજકોટ અને પોરબંદર જવા રેલવે માર્ગે નીકળ્યા. માર્ગમાં લોકસેવક મોતીલાલ દરજીએ તેમને વીરમગામની લાઇનદોરી (જકાતબારી) તથા તેને કારણે લોકોને પડતી વિટંબણાઓની વાત કરી. અન્ય સ્થળોએ પણ ગાંધીજીએ વીરમગામની જકાત અંગે વેઠવી પડતી હાડમારીઓની લોકોની ફરિયાદો સાંભળી. તેથી ગાંધીજીએ સરકાર સાથે પત્રવ્યવહાર કરી વાઇસરૉય લૉર્ડ ચેમ્સફર્ડને રૂબરૂ વાત કરી અને વીરમગામની જકાત રદ કરાવી. ઈ. સ. 1919માં રૉલેટ બિલ સામે ગાંધીજીએ લડત ચલાવી અને પંજાબ જતાં સરકારે ગાંધીજીની ધરપકડ કરી. તે સમાચાર જાણી વીરમગામમાં તોફાન થયું હતું અને સરકારે વીરમગામના લોકો પર દંડાત્મક વેરો નાખ્યો હતો. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન વીરમગામ સત્યાગ્રહ 1930ના એપ્રિલથી 1931ના જાન્યુઆરી સુધી દસ મહિના ચાલ્યો હતો, અને ફરી 1932માં બીજા તબક્કામાં ચાલ્યો હતો. એ દરમિયાન પોલીસે અત્યાચારો કર્યા હતા, જેના પ્રત્યે ગાંધીજીએ વાઇસરૉયનું ધ્યાન ખેંચ્યું હતું.
જયકુમાર ર. શુક્લ
નીતિન કોઠારી