વીરન અળગુમુથુ (થેની) : તામિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 9° 48´ ઉ. અ. અને 77° 20´ પૂ. રે. આજુબાજુનો 2,889 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મન્નાર થિરુમલાઈ (હવે ડિંડિગુલ), પૂર્વમાં મદુરાઈ, દક્ષિણે તથા પશ્ચિમમાં અનુક્રમે કામરાજર (હવે વિરુદુનગર) અને ઇદુક્કી (કેરળ) જિલ્લા આવેલા છે. અલ્લીનગરમ્ તેનું જિલ્લામથક છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : સહ્યાદ્રિના તળેટી પ્રદેશમાં આવેલા આ જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી વિભાગ, જંગલવિસ્તાર તથા ખીણ-વિભાગમાં વહેંચાયેલું છે. સહ્યાદ્રિને સમાંતર ગોઠવાયેલી ટેકરીઓ દ્વારા આ જિલ્લો કેરળના ભૂપૃષ્ઠથી અલગ પડી જાય છે.
વૈગાઈ અને સુરુલિયાર નદીઓ અલ્લીનગરમ્ નજીક સંગમ પામે છે. વરાહ અને માંજલર નદીઓ વૈગાઈને મળે છે. વરસાદ ઓછો પડતો હોવાથી નદીઓમાં વર્ષભર પાણી રહેતું નથી, તેથી પેરિયાર જળાશયનાં પાણીને બોગદા મારફતે લઈ જઈ નદીઓના જળપ્રવાહ ચાલુ રખાય છે.
ખેતી-પશુપાલન : ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે. ખાતરોની મદદથી મગફળી, કપાસ, મરચાં અને રાગી જેવા અન્ય પાકો પણ ઉગાડાય છે. પહાડી ઢોળાવો પર ચા, કૉફી, એલચી, નારંગી, લીંબુ, કેરી, દ્રાક્ષ, શાકભાજી અને પુષ્પોનું ઉત્પાદન પણ લેવાય છે. ફળો, શાકભાજી અને પુષ્પોની અન્ય જિલ્લાઓમાં નિકાસ થાય છે.
ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં, ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે. સહકારી મંડળીઓ દ્વારા ડુક્કર, વાછરડાં તેમજ મરઘાં-બતકાં ઉછેરવામાં આવે છે. પશુઓ માટે પશુદવાખાનાં-ચિકિત્સાલયોની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ઉદ્યોગ-વેપાર : જિલ્લાના ઉદ્યોગો ખેતી પછીના ક્રમે અને તેના પછી ગૃહ/કુટિર-ઉદ્યોગોનું સ્થાન આવે છે. હાથવણાટ, રમકડાં (ઢીંગલીઓ), ખાદ્યપ્રક્રમણ, દીવાસળી અને કામળાનું ઉત્પાદન લેવાય છે. સિમેન્ટ અને રંગો બનાવવાના, મીણ-મુદ્રણના તથા યાંત્રિક મુદ્રણના એકમો પણ કાર્યરત છે. ઉત્પન્ન થતી પેદાશોનું બજાર જિલ્લા અને રાજ્યમાં મળે છે. ચા, કૉફી, એલચી, કપાસ, મરચાં અને મગફળીની નિકાસ તથા ચોખા, મકાઈ, કઠોળ, આમલી, જંતુઘ્ન દવાઓ અને ખાતરોની આયાત થાય છે.
પરિવહન-પ્રવાસન : જિલ્લામાં સડકમાર્ગો અને રેલમાર્ગોની સગવડ છે. શહેરો-નગરો-ગામો રેલ કે સડકમાર્ગોથી સંકળાયેલા છે. ચેન્નઈ અને બૅંગાલુરુ માટે નજીકના મદુરાઈ હવાઈ મથકનો ઉપયોગ થાય છે. જિલ્લામાં થિરુમલાઈનાયક મહેલ, અને ગાંધી સંગ્રહાલય જોવાલાયક છે. વાર-તહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે. પોંગલ, દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી થાય છે.
વસ્તી : 2001 મુજબ વસ્તી : 10,94,724. ગ્રામીણ-શહેરી વસ્તીનું પ્રમાણ 70 % અને 30 % છે. મુખ્ય વસ્તી હિન્દુ-મુસ્લિમોની છે. સાક્ષરતાનું પ્રમાણ મધ્યમ છે. મુખ્ય ભાષા તમિળ છે, પણ લોકો હિન્દી-અંગ્રેજી પણ બોલે છે. જિલ્લામાં 8થી 10 નગરો પૂરતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સગવડ ઉપલબ્ધ છે. 14 જેટલાં પુસ્તકાલયો અને 9 જેટલાં વાચનાલયો છે. આ ઉપરાંત મુખ્ય નગરોમાં હૉસ્પિટલો, ચિકિત્સાલયો અને સ્વાસ્થ્યકેન્દ્રોની સુવિધા છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 તાલુકા અને 8 સમાજવિકાસ-ઘટકોમાં વિભાજિત કરેલો છે. આ જિલ્લાની રચના મૂળ મદુરાઈ જિલ્લાના ત્રણ તાલુકા અલગ પાડીને કરવામાં આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા