વીરધવલ (જ. ?; અ. 1238) : પાટણના સોલંકીઓના સામંત અને ધોળકાના રાણા લવણપ્રસાદનો વીર પુત્ર. તે તેના પિતાની સાથે રહીને પરાક્રમો કરતો હતો. આ પિતાપુત્રની જોડી તેરમી સદીના પૂર્વાર્ધમાં એટલી પ્રબળ સત્તા ધરાવતી હતી કે લવણપ્રસાદે ધાર્યું હોત તો તે અણહિલવાડ પાટણની રાજગાદી મેળવી શક્યો હોત. લવણપ્રસાદ વયોવૃદ્ધ થયા ત્યારે તેની છત્રછાયામાં રાજ્યતંત્રની જવાબદારી તેનો શૂરવીર દીકરો વીરધવલ સંભાળતો હતો. તેમણે રાજા ભીમદેવ 2જા (1178-1242) પાસેથી પોરવાડ જ્ઞાતિના બે મહાન મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલની સેવા મેળવી લીધી હતી.
વીરધવલે લાટમંડલની સત્તા હેઠળ રહેલા સ્તંભતીર્થ(ખંભાત)નો કબજો લીધો અને ત્યાં શક્તિશાળી દંડનાયક તરીકે વસ્તુપાલને નીમ્યો. વીરધવલે તેના પિતા લવણપ્રસાદને સાથે રાખીને ઝાલોરના ચાહમાન રાજા ઉદયસિંહ, આબુના પરમાર રાજા સોમસિંહ, મેવાડના ગોહિલ રાજા જૈત્રસિંહ અને નડૂલના રાજા નાયકને વશ કરી, તેઓની સાથે સંધિ કરી. ગોધરાનો માંડલિક રાજા ધૂધુલ ગુર્જર રાજ્યની સામે થયો હતો. ગુજરાતમાં પ્રવેશતી વણજારોને તે લૂંટી લેતો હતો. તેથી વીરધવલે પોતાના મંત્રી તેજપાલને સૈન્ય સાથે તેની સામે મોકલી તેને વશ કરી, લૂંટ કરતો અટકાવ્યો.
સૌરાષ્ટ્રમાં વંથલીનો ભીમસિંહ સ્વતંત્ર થવા પ્રયાસ કરતો હોવાથી વીરધવલે લડાઈ કરીને તેની સત્તા છીનવી લીધી. વીરધવલે સૌરાષ્ટ્રમાં પોતાના સસરા તથા સાળાઓને વશ કર્યા હતા.
વીરધવલે દિલ્હીના ગુલામ વંશના સુલતાન અલ્તમશ(ઇલ્તુત્મિશ)ને આબુ પાસે હરાવ્યાની હકીકત ‘હમ્મીરમદમર્દન’ નામે નાટકમાં જયસિંહસૂરિએ લખી છે; જેને ઐતિહાસિક માનવામાં આવે છે. ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ 2જાના બીજી વારના શાસનકાલ (1225-1242) દરમિયાન લવણપ્રસાદ તથા વીરધવલે સોલંકી રાજ્યની જાહોજલાલી ટકાવી રાખવામાં મહત્વનું પ્રદાન કર્યું હતું.
જયકુમાર ર. શુક્લ