વીરજી (ઈ. સ. 1664માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉપર્યુક્ત કવિ વીરજી ઉપરાંત એક વીરજી (મુનિ) નામના કવિ મળે છે, જે સત્તરમી સદીમાં થઈ ગયેલ પાર્શ્ર્વચંદ્રગચ્છના જૈન સાધુ છે. બીજા એક કવિ સંભવત: લૉંકાગચ્છીય જૈન કવિ છે. ઉપર્યુક્ત કવિ પ્રેમાનંદના સમકાલીન આખ્યાનકવિ હતા. તેઓ મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ જ્ઞાતિના અને પોતાની એક કૃતિ ‘સુરેખાહરણ’ને અંતે દર્શાવે છે તેમ, ‘બરાણ પહોર મધે ભટ વીરજી નામ’ – એ રીતે વડોદરા અને બુરહાનપુરના નિવાસી હતા.
તેમના નામે જે કેટલીક વાતો પ્રચલિત છે, તેમને હકીકતોનો ટેકો નથી. આથી વાતોમાંની એક જે ખૂબ પ્રચલિત છે તે વીરજી પ્રેમાનંદના પ્રીતિપાત્ર શિષ્ય હતા. એમનો કંઠ ખૂબ જ સુરીલો હતો એટલે પ્રેમાનંદ એમની પાસે પોતે રચેલાં આખ્યાન ગવડાવતા. પ્રેમાનંદે ગુજરાતી ભાષાને અન્ય ભારતીય ભાષાની સમકક્ષની બનાવવા જે સો શિષ્યોનું મંડળ રચેલું એમાં વીરજી પાસે ઉર્દૂ-ફારસીની સારી રચનાઓની સમકક્ષની કવિતા રચવાનું કામ સોંપેલું. એ રીતે ઉર્દૂ-ફારસી ભાષાની એમની જાણકારી સારી હશે એવું મનાતું.
ઉપર્યુક્ત વાતને કોઈ હકીકતનું સમર્થન મળતું નથી; પ્રેમાનંદનો મહિમા બતાવવાના એક ભાગ તરીકે એ ઉપજાવી કાઢેલી વાત છે.
પ્રેમાનંદના ઉત્તરસમકાલીન મનાતા અને ગુજરાતી આખ્યાન-સાહિત્યપ્રવાહને પોતાનાં આખ્યાનો દ્વારા પુષ્ટ કરનાર વીરજી પાસેથી 25 કડવાંનું ‘સુરેખાહરણ’ (ર. ઈ. 1664), 22 કડવાંની ‘કામાવતીની કથા’, 18 કડવાંનું ‘બલિરાજાનું આખ્યાન’ તથા ‘દશાવતારની કથા’, ‘કાકરાજની કથા’ ને ‘વ્યાસકથા’ વગેરે આખ્યાનકૃતિઓ મળે છે.
વીરજીની હોવાની મનાતી ઉપર્યુક્ત કૃતિઓમાંથી માત્ર ‘સુરેખાહરણ’ની એક કરતાં વધારે હસ્તપ્રતો મળે છે એ સિવાય ‘કામાવતીની કથા’, ‘બલિરાજાનું આખ્યાન’ અને ‘દશાવતારની કથા’ની હસ્તપ્રતો મળતી નથી. વળી એ કૃતિઓના આંતરિક પ્રમાણોને લક્ષ્યમાં લઈએ તોપણ આ કૃતિઓ વીરજીની હોવાની સંભાવના લાગતી નથી. એ સિવાય ‘કાકરાજની કથા’ ને ‘વ્યાસકથા’ની પણ હસ્તપ્રતો ઉપલબ્ધ નથી.
‘સુરેખાહરણ’માં અભિમન્યુએ બલરામની પુત્રી સુરેખાનું હરણ કર્યું એ પ્રસંગને 25 કડવાંમાં કવિએ આલેખ્યો છે. આ કાવ્યની એક કરતાં વધારે હસ્તપ્રતો મળે છે એના ઉપરથી એમ કહી શકાય કે એ કવિની લોકપ્રિય કૃતિ હશે. અલબત્ત, એમાં કવિત્વ સામાન્ય કોટિનું છે. વીરજીની અગાઉ થયેલા ખંભાતના કુંવર નામના કવિએ પણ ઈ. સ. 1655માં ‘સુરેખાહરણ’ રચ્યું છે. આમ મધ્યકાળમાં આ વિષય ઉપર રચાયેલાં આ બે જ આખ્યાન મળે છે.
વીરજીએ લખેલાં આખ્યાનો, પ્રેમાનંદોત્તરકાલીન આખ્યાન-સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરો કરે છે. એ રીતે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનસાહિત્યમાં તેનું મહત્વ છે.
પ્રતિભા શાહ