વીન, વિલ્હેલ્મ (જ. 13 જાન્યુઆરી 1864, ગ્રાફકેન, પૂર્વ પ્રશિયા [અત્યારે પોલૅન્ડમાં]; અ. 30 ઑગસ્ટ 1928, મ્યૂનિક) : ઉષ્માના વિકિરણના સિદ્ધાંતોના નિયંત્રણ નિયમોની શોધ બદલ 1911નો નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન વિજ્ઞાની.
તેમણે ગોટિન્ગને (Goettingen) અને બર્લિન યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્ર અને પ્રાકૃતિક વિજ્ઞાનોનો અભ્યાસ કર્યો. તે વૉન હેલ્મોલ્ટ્ઝના વિદ્યાર્થી હતા. પોતાના પિતાની જમીનનો પ્રબંધ કરવા માટે તેમને થોડાક સમય માટે અભ્યાસમાં ખલેલ પડી. તેઓ ત્યારબાદ 1899થી 1920 સુધી યુનિવર્સિટી ઑવ્ ગિસેન(Giessen)માં પ્રાધ્યાપક તરીકે રહ્યા. તે પછી તેમણે યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિકમાં જીવનપર્યંત કાર્ય કર્યું.
વર્ણપટમાં વિકિરણ-ઊર્જાના વિતરણ અંગે તેમણે કરેલું કાર્ય મુખ્ય રહ્યું. આવા વિતરણ ઉપર તાપમાનના ફેરફારની અસરોનો વિગતવાર અભ્યાસ કર્યો. 1893માં તેમણે તેમનો સ્થાનાંતરણ(displacement)ને લગતો પ્રથમ નિયમ જાહેર કર્યો. આ નિયમ λT = 2.9 K સૂત્રથી આપવામાં આવ્યો, જ્યાં λ વિકિરણની તરંગલંબાઈ છે; T એ જ્યારે મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન થાય ત્યારનું નિરપેક્ષ તાપમાન છે અને k અચળાંક છે. આ નિયમ દર્શાવે છે કે જ્યારે વિકિરણની તીવ્રતા મહત્તમ હોય ત્યારે તરંગલંબાઈ, ઉદ્ગમનું તાપમાન વધતાં, ટૂંકી તરંગલંબાઈ ભણી વિસ્થાપિત (shift) થાય છે. તેમણે કાળા પદાર્થના વિકિરણમાં તરંગલંબાઈઓ વચ્ચે ઊર્જાના વિતરણને લગતી સમસ્યાનો ઉકેલ શોધ્યો. વિકિરણના ઉત્સર્જનમાં અણુઓ શું ભાગ ભજવે છે તેને લગતી યાદૃચ્છિક (arbitrary) પૂર્વ ધારણાઓનો ઉપયોગ કરીને તેમણે ઊર્જા માટે સૂત્ર તૈયાર કર્યું, જે વિકિરણની તીવ્રતાની આગાહી કરે છે.
તેમના સૂત્રને આધારે મૅક્સપ્લાન્ક વિકિરણના ક્વૉન્ટમ સિદ્ધાંતને વધુ સારી રીતે સૂત્રબદ્ધ કરવામાં આગળ વધ્યા.
પ્રહલાદ છ. પટેલ