વીનર, નોર્બર્ટ (જ. 26 નવેમ્બર 1894, કોલંબિયા, યુ.એસ.; અ. 18 માર્ચ 1964, સ્ટૉકહોમ) : સાઇબરનેટિક્સનું વિજ્ઞાન સ્થાપિત કરનાર યુ. એસ. ગણિતશાસ્ત્રી. સ્વસંચાલન પ્રક્રિયાઓ વિકસાવવાના હેતુ માટે અંકુશનતંત્રના અભ્યાસને પ્રારંભમાં સાઇબરનેટિક્સ ગણવામાં આવતું હતું. 1948માં તેમણે સાઇબરનેટિક્સ ઉપર પુસ્તક ‘Cybernatics’ લખીને આ ક્ષેત્રને પ્રચલિત કર્યું. આ પુસ્તક મારફતે તેમણે સાઇબરનેટિક્સની વ્યાખ્યા કરી. તે આ પ્રમાણે છે : પ્રાણીઓ અને યંત્રોમાં નિયંત્રણ (control) અને સંચાર(સંદેશાવ્યવહાર) (communication)નું વિજ્ઞાન. તત્પશ્ચાત્ આધુનિક જીવનની વ્યવસ્થાના વિજ્ઞાન તરીકે તેનું વિસ્તરણ થવા લાગ્યું. આ વિજ્ઞાનમાં કૃત્રિમ બુદ્ધિ (artificial intelligence) તથા પ્રતિકૃતિના અંગીકારના સ્વીકારનો સમાવેશ થાય છે. પ્રબંધન-સાઇબરનેટિક્સ તથા ન્યૂરો-સાઇબરનેટિક્સ જેવા વિશિષ્ટ ક્ષેત્રમાં તેને સ્થાન મળ્યું. માહિતી- ટેક્નૉલોજી(IT)ના ત્વરિત વિકાસ સાથે આ શબ્દ પ્રકાશમાં આવ્યો છે. હાલ તે ખાસ કરીને સાઇબર-સ્પેસના સંદર્ભમાં વપરાય છે. સાઇબર-સ્પેસ કાલ્પનિક અવકાશ છે, જેના દ્વારા કમ્પ્યૂટરના નેટવર્ક વડે એકબીજા સાથે માહિતીની આપ-લે થાય છે. તેને માહિતીનો ધોરી માર્ગ પણ કહે છે.
તેઓ પિતા લિયો અને માતા બર્થાનું સંતાન હતા. માત્ર ત્રણ વર્ષની વયે તો લખતાં-વાંચતાં આવડી ગયું હતું. તેમના પિતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્લાવૉનિક ભાષાઓના પ્રાધ્યાપક હતા. વીનર અસાધારણ બુદ્ધિ અને ક્ષમતા ધરાવતા હતા. વીનરને તેમના પિતાએ જ ઘરઆંગણે શિક્ષણ આપ્યું હતું તથા તેમનું માનવતાસભર જીવનઘડતર કર્યું હતું. તેમના પિતા મૅસેચૂસેટ્સ ગયા ત્યારે વીનર બાળક હતા. આથી તેમને ગ્રામીણ વિસ્તાર ખૂબ જ પસંદ પડી ગયો.
1909માં વીનર ટફ્ટ્સ (tufts) કૉલેજમાંથી સ્નાતક થયા. જીવ-વિજ્ઞાનમાં તેમને ભારે રસ પડતો હતો. આથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાણીશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જોડાયા. પ્રયોગશાળા પ્રત્યે અરુચિ હોવાને કારણે તેમણે આ વિષય છોડી દીધો. પિતાની સૂચનાને આધારે 1913માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં રહીને ફિલૉસૉફી સાથે પીએચ.ડી. કર્યું. આ માટે માત્ર 18 વર્ષની વયે ગાણિતિક તર્ક ઉપર મહાનિબંધ તૈયાર કરેલો.
હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી આર્થિક સહાય મળતાં તેમણે ઇંગ્લૅન્ડમાં તત્ત્વચિંતક અને ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલ તથા ગણિતીય સિદ્ધાંતવિદ જી. એચ. હાર્ડી અને જર્મનીમાં મહાન ગણિતજ્ઞ ડેવિડ હિલ્બર્ટની રાહબરી નીચે અભ્યાસ કર્યો. 1913માં પ્રથમ સંશોધનલેખ પ્રસિદ્ધ કર્યો.
નબળી આંખોને કારણે ઘણી સારી જગ્યાએથી પાછા પડવું પડેલું. કેટલાક વ્યવસાય બદલ્યા પણ જરૂરી ફાવટ રહી નહિ. એનસાઇક્લોપીડિયાના લેખક તરીકે પણ કામ કર્યું. ઇજનેર અને પત્રકાર તરીકે પોતાની જાતને 1919માં અજમાવી, પણ ઠીક ન રહ્યું. છેવટે તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી(MIT)માં ગણિતશાસ્ત્રના વિભાગમાં શિક્ષક તરીકે જોડાયા. તે સમયે MITની શરૂઆત હતી. નિવૃત્તિ સુધી તેઓ MITમાં જ રહ્યા. આખરી સમયમાં તો તેઓ આ સંસ્થા માટે અનિવાર્ય બની ગયા હતા.
MITમાં જોડાયા પછી તરત જ તેમણે માર્ગારેટ ઇન્ગેમાન સાથે લગ્ન કર્યું. તેઓ સમગ્ર યુરોપમાં શિક્ષણાર્થે ફર્યા. 1935માં ચીન ગયા.
સાઇબરનેટિક્સના વિજ્ઞાનની સ્થાપનાનો યશ તેમને ફાળે જાય છે. ગણિતશાસ્ત્રમાં તેમણે પ્રસંભાવ્ય (stochastic) પ્રક્રિયાના અભ્યાસનો પાયો નાખ્યો. જે પ્રક્રિયાઓ અસ્તવ્યસ્ત (random) ઘટનાઓ ઉપર આધાર રાખે છે તેને પ્રસંભાવ્ય (stochastic) કહે છે. ઉદાહરણ તરીકે, બ્રાઉનિયન ગતિ. વાયુ કે પ્રવાહી જેવા તરલ માધ્યમમાં કણોની સતત અનિયમિત ગતિને બ્રાઉનિયન ગતિ કહે છે. માધ્યમના કણોની અંદર અંદરની અથડામણોને કારણે આ ગતિ ચાલુ રહે છે. આ ઘટનાની સમજૂતી આલ્બર્ટ આઇન્સ્ટાઇને 1905માં આપી. હકીકતમાં આવી ઘટનાત્મક ગતિનું અવલોકન સૌપ્રથમ વાર સ્કૉટિશ વનસ્પતિશાસ્ત્રી રૉબર્ટ બ્રાઉને 1827માં કર્યું હતું.
તેમણે કેટલાક સંશોધનલેખો તૈયાર કર્યા. તેમાં ‘Differential Space’ (1923), ‘Generalised Harmonic Analysis’ (1932) અને ‘Tauberian Theorems’ (1932) વિશેષ યોગ્યતા ધરાવતા લેખો હતા. 1933માં વીનર નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝમાં ચૂંટાયા હતા. તે જ વર્ષે અમેરિકન મૅથમૅટિકલ સોસાયટી તરફથી દર પાંચ વર્ષે અપાતું બોચર (Bocher) પારિતોષિક તેમને મળ્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ગતિ કરતા લક્ષને તાકવાની સમસ્યા ઉપર કાર્ય કર્યું. તેમાંથી ઉદ્ભવતા ખ્યાલો બહિર્વેશન (extrapolation), અંતર્વેશન (interpolation) અને સમતલકારી સ્થિર સમય-શ્રેણી (Smoothing of Stationary Times Series) ભણી દોરી જાય છે. ત્યારથી નિયંત્રણ અને સંચાર-ઇજનેરીમાં કેટલીક આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ દાખલ થઈ. આમાંથી જ સાઇબરનેટિક્સનો ખ્યાલ ઉદ્ભવ્યો. સાઇબરનેટિક્સ આંતરજ્ઞાન શાખીય અભિગમ અને પ્રકૃતિ ધરાવે છે. તે માણસ અને યંત્ર વચ્ચેના સામાન્ય સંબંધ ઉપર આધારિત છે. અત્યારે અંકુશન-સિદ્ધાંત, સ્વસંચાલન-સિદ્ધાંત અને કમ્પ્યૂટર-પ્રોગ્રામિંગમાં તેનો ઉપયોગ થાય છે.
ફુલબ્રાઇટ વ્યાખ્યાતા તરીકે 1955-56માં કોલકાતા અને 1962માં તેઓ નેપલ્સ ગયા.
અવસાન-પૂર્વે થોડાક સમય પહેલાં પ્રે. જૉન્સનના હસ્તે નૅશનલ મેડલ ઑવ્ સાયન્સ એનાયત થયો. વીનર ઘણી ભાષાઓ બોલી શકતા હતા. તેમની વિશિષ્ટતા એ હતી કે તેઓ સામાન્ય માણસમાં પણ રસ ધરાવતા હતા. તેમનામાં આડંબરી અને અડપલાવૃત્તિ એકસાથે જોવા મળતાં. તેઓ શાકાહારી અને પ્યૂરિટન હતા. તેઓ ઘણા ભુલકણા પ્રાધ્યાપક હતા. પોતાના કાર્ય કે સંશોધનની ગુણવત્તા પ્રત્યે તેઓ સતત ચિંતિત રહેતા. આ બધાં લક્ષણો સાથે તેઓ ઉદાર વ્યક્તિ હતા. સામાજિક અને નૈતિક ઉત્તરદાયિત્વ પ્રત્યે તેઓ અત્યંત સંવેદનશીલ હતા.
પ્રહલાદ છ. પટેલ