વીથ પરિવાર (વીથ નિકોલસ – જ. 1886 ?, અ. 1945; વીથ એન. – જ. 1916; વીથ ઍન્ડ્ર્યૂ – જ. 1918; વીથ કૅરોલિના – જ. 1910; વીથ હેન્રિયેત – જ. 1908; વીથ જેઝી – જ. 1946) : વિખ્યાત અમેરિકન ચિત્રકાર કુટુંબ. આ કુટુંબમાં પિતા નિકોલસે ચિત્રકલા વ્યવસાયનો પ્રારંભ કર્યો. અમેરિકન સાહિત્યનાં 112 પુસ્તકોમાં અસંખ્ય પ્રસંગચિત્રો ચીતરવા સિવાય મોટા કદનાં કૅન્વાસ પર તૈલચિત્રો પણ ચીતર્યાં. ‘ટ્રેઝર આઇલૅન્ડ’ના પાત્ર જીમ હૉકિન્સ અને ‘કિડ્નૅપ્ડ’ના પાત્ર ડેવિડ બેલ્ફૂટને વાચકના મનમાં તાદૃશ કરવામાં લેખક જેટલો જ ફાળો નિકોલસનો છે. ‘ડ્રેક્યુલા’ અને ‘ગ્રીમ્સ ફેરી ટેલ્સ’ અને ‘ધ બ્લૅક ઍરો’ માટેનાં પ્રસંગચિત્રો પણ તેટલાં જ સફળ ગણાય છે.
નિકોલસનો માતૃપક્ષ સ્વિટ્ઝર્લૅન્ડનિવાસી જર્મન અને પિતૃપક્ષ સ્વિટ્ઝર્લૅન્ડનિવાસી ફ્રેન્ચ હતો. સ્વિટ્ઝર્લૅન્ડમાં ફ્રેન્ચ દાદા બાગબાન હતા અને 1855માં અમેરિકા આવીને એમણે હાર્વર્ડ બૉટનિક ગાર્ડનમાં કામ કરેલું. નિકોલસના પિતા બૉસ્ટનમાં ખેડૂત અને કરિયાણાની એક દુકાનના માલિક હતા. એ પિતા પુત્ર નિકોલસની ચિત્રકલાપ્રવૃત્તિની તિરસ્કારપૂર્ણ રીતે ટીકા કરી કહેતા : ‘પાગલ અને નબળાં મગજ ધરાવતા લોકોનું આ કામ છે !’ નિકોલસની માતાએ પિતાનો સામનો કરી વીસ વરસની ઉંમરના નિકોલસને બૉસ્ટનની કળાશાળામાં દાખલ કર્યો. પછીથી પરિવારે બૉસ્ટન છોડીને ડેલાવરેના વિલ્મિન્ગ્ટન ખાતે નિવાસ કરવો શરૂ કર્યો, તેથી નિકોલસ વિલ્મિન્ગ્ટનની બૉસ્ટનની કળાશાળામાં દાખલ થયો. અમેરિકન પ્રસંગચિત્રકલાના પિતામહ ગણાતા પ્રો. હોવાર્ડ પાઇલ અહીં તેના કલાશિક્ષક હતા. ટેક્નિકલ તાલીમ આપવા ઉપરાંત પાઇલે નિકોલસના મનમાં પ્રસંગચિત્રકાર થવાની તમન્ના જગાડી અને ખાસ કરીને વીર રસ, રૌદ્ર રસ અને ભયાનક રસની અભિવ્યક્તિ કરવા પ્રેરે તેવાં રોમૅન્ટિક સ્પંદન જગાડ્યાં; નિકોલસે થૉરો, ગટે, એમર્સન, તૉલ્સ્તૉય, હોમર, કીટ્સ, એમિલી ડિકિન્સન અને રૉબર્ટ ફ્રૉસ્ટને વાંચ્યા. બાળકોના જન્મ પછી રોજ રાતે તે તેમની સમક્ષ આ લેખકોનું પઠન કરતો તથા બાખ, બીથોવન અને ઝ્યાં સિબેલિયસના સંગીતની રેકર્ડો વગાડી સંભળાવતો અને તેમનાં સંગીત વિશે લંબાણપૂર્વક સમજૂતી આપતો. ચિત્રકલામાં માઇકલૅન્જેલો, બ્રુગેલ અને રેમ્બ્રાં તેના આરાધ્ય દેવો હતા. 1.83 મીટર (છ ફૂટ) ઊંચાઈ ધરાવતા અને કસાયેલા મજબૂત બાંધાનો નિકોલસ વાંકડિયાં સોનેરી જુલ્ફાં ધરાવતો અને પરાક્રમોનો શોખીન હતો. જંગલો, રણો, ખાસ કરીને અમેરિકાના મૂળ નિવાસી ઇન્ડિયનો, કાઉબૉય, ચાંચિયા અને લૂંટારુઓને ચીતરવામાં તેની કલા ખીલી ઊઠતી હતી. એ પોતે પણ મોટી હૅટ પહેરી ઘોડા પર કાઉબૉયની માફક સવાર થતાં રખડવા નીકળી પડતો. 1906માં તેણે કૅરોલિન બોકિયસ સાથે લગ્ન કર્યું. બરફમાં સ્લેજ-રાઇડ કરતી વેળા ડેલાવરેના વિલ્મિન્ગ્ટનમાં તેનો કૅરોલિન જોડે ભેટો થઈ ગયેલો. 1911માં નિકોલસે ચેડ્સ ફૉર્ડ ખાતે 18 એકર જમીન લઈ જાગીર ઊભી કરી અને બે માળનું મકાન બાંધ્યું, જેમાં રહેઠાણ અને સ્ટુડિયો બંને ગોઠવ્યાં.
પત્ની કૅરોલિન ઘરની રસોઈ અને સફાઈ કરતી, પતિ અને બાળકોનું ધ્યાન રાખતી. નિકોલસ મળસકે ઊઠી બે કલાક ચિત્ર ચીતરતો. એ પછી તે પિયાનો પર મોટા અવાજે લયબદ્ધ સૂરાવલિઓ વગાડતો અને પછી પૂરા કુટુંબ માટે બ્રેક્ફાસ્ટ એ જાતે જ રાંધતો, કૉફી પણ જાતે જ દળી તૈયાર કરી પાતો. બાળકો માટે તે કાળજી લેનાર માયાળુ પિતા પુરવાર થયેલો.
નિકોલસની ચિત્રશૈલી રંગદર્શી ગણી શકાય. તેમાં હૂબહૂ પદ્ધતિએ પ્રકાશ-છાયા વડે આલેખેલાં પાત્રો વાચકોને વાચનમાં વધુ ઉત્કંઠા પ્રેરવા માટે સક્ષમ છે. આવાં પ્રસંગચિત્રોમાં બે તૈલચિત્રો તેનાં માસ્ટરપીસ ગણાય છે : (1) રૉબર્ટ લુઈ સ્ટીવન્સનના ‘ટ્રેઝર આઇલૅન્ડ’ માટે તૈયાર કરેલું ચાંચિયા પ્યૂને આલેખતું તૈલચિત્ર ‘ઑલ્ડ પ્યૂ’ (1911) અને (2) રૉબર્ટ લુઈ સ્ટીવન્સનના ‘ટ્રેઝર આઇલૅન્ડ’ માટે ચીતરેલા ચાંચિયાઓનું સમૂહચિત્ર-તૈલચિત્ર ‘પાઇરેટ્સ’ (1911).
પુત્ર ઍન્ડ્ર્યૂને નિકોલસે બાળપણથી જાતે જ ચિત્રકલાની તાલીમ આપી. આધુનિક અમેરિકન કલાજગતમાં ઍન્ડ્ર્યૂએ ખાસ્સી પ્રતિષ્ઠા મેળવી છે. વધુમાં અમેરિકન પ્રજામાં બહોળી ચાહના પણ સંપાદિત કરી છે. વાસ્તવવાદ અને રંગદર્શિતાથી સંયોજિત કલા અમેરિકન ઘરોમાં જાણીતી થઈ છે. ન્યૂયૉર્ક નગરના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ, વૉશિન્ગ્ટનની નૅશનલ ગૅલરી ઑવ્ આર્ટ અને લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં તેની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં છે તથા અમેરિકન પાર્લમેન્ટે 1990માં કૉન્ગ્રેશ્નલ ગોલ્ડ મેડલથી તેને નવાજ્યો છે. વીસ વરસની ઉંમરથી જ તેનાં ચિત્રો ઊંચા દામે અમેરિકન ધનાઢ્ય નાગરિકોએ ખરીદવા માંડેલાં. ઍન્ડ્ર્યૂના પ્રખ્યાત ચિત્રો છે : (1) ‘ટ્રોડન વીડ’ (1951), (2) ‘‘મેગા’ઝ ડૉટર’’ (1966), (3) ‘‘ક્રિસ્ટિના’ઝ વર્લ્ડ’’ (1948), (4) ‘સ્નો હિલ’ (1989), (5) ‘નાઇટ શેડો’ (1979).
પુત્રી હેન્રિયેતને પણ નિકોલસે બાળપણથી જ ચિત્રકલાની તાલીમ આપેલી. હેન્રિયેતની કલા ઋજુ અને સ્ત્રીસહજ મનોભાવોની અભિવ્યક્તિ કરે છે. એનો જમણો હાથ બાળપણમાં પોલિયોનો શિકાર બન્યો તે પછી સાત વરસની ઉંમરથી ડાબે હાથે ચિત્રકલાની સાધના કરી. અગિયારમે વર્ષે નિકોલસે તેને સઘન તાલીમ આપી; બૅલે અને સિમ્ફનીના જલસાઓમાં મોકલી. તે પંદર વર્ષની થઈ ત્યારે નિકોલસે તેને ફિલાડેલ્ફિયા ખાતેની પેન્સિલવેનિયા એકૅડેમી ઑવ્ આર્ટમાં ચિત્રકલાના ઉચ્ચ અભ્યાસ માટે મોકલી. અહીં તે પ્રભાવવાદી અને ઉત્તરપ્રભાવવાદી ચિત્રકલા શીખી. તેણે ઘરે પાછાં આવી ઉત્તર-પ્રભાવવાદી ચિત્રકલાની ઘનવાદી શાખાના પ્રણેતા ચિત્રકાર પૉલ સેઝાંની શૈલીમાં પિતા નિકોલસનું વ્યક્તિચિત્ર ચીતર્યું. આધુનિક કલાને ધિક્કારતા નિકોલસે તે વ્યક્તિચિત્રને ‘આધુનિકતાનો રોગ, પાખંડ’ કહી ધુત્કારી નાખતાં ગુસ્સો વ્યક્ત કર્યો. છોભીલી પડી ગયેલી સર્જક હેન્રિયેતે પાપનું પ્રાયશ્ચિત્ત કરવા તુરત જ સામેના ફાયરપ્લેસમાં સળગી રહેલા અગ્નિમાં તે ચિત્ર હોમી દીધું. પછી હેન્રિયેતે જાહેર કર્યું, ‘નિકોલસનાં (પછીનાં) ચિત્રો બુદ્ધિગમ્ય છે, તેના હૃદયમાંથી સ્ફુરી આવેલાં નથી.’
1940માં હેન્રિયેત અમેરિકન ચિત્રકાર અને પિતા નિકોલસના શિષ્ય પીટર હર્ડને પરણીને તેની સાથે ન્યૂ મેક્સિકોમાં આવેલી એક ઢોરવાડા(રૅન્ચ)માં રહેવા ચાલી ગઈ. આજે છન્નું વરસની ઉંમરે પણ તે ત્યાં જ રહે છે, પરંતુ તેની સર્જનાત્મકતા ઘણા દસકાઓથી મંદ છે. તેણે કહેલું : ‘‘સ્ત્રીઓ કરતાં પુરુષો અનંત ગણા વધુ શક્તિશાળી અને સારા ચિત્રકાર હોય છે. સ્ત્રીઓએ તેમનું પીઠબળ બની રહેવું જોઈએ.’’
નિકોલસની બીજી એક પુત્રી એને સંગીતમાં કારકિર્દી ઘડી. ફિલાડેલ્ફિયા વાદ્યવૃંદ સાથે જલસા માટેના પિયાનિસ્ટ તરીકેનું કામ કરતા સ્વરનિયોજક હાર્લ મેક્ડૉનાલ્ડ પાસે તેણે સત્તર વરસની ઉંમરે સંગીતનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ પૂર્ણ કરીને તે સ્વરનિયોજક બની. પિતા નિકોલસના શિષ્ય ચિત્રકાર જૉન મેક્કોય સાથે તે 1935માં પરણી.
પુત્રી કૅરોલિનાને પણ નિકોલસે ચિત્રકાર તરીકેની તાલીમ આપી. પણ કૅરોલિનાની પ્રતિભા જ્યારે પાકી, પ્રૌઢ થઈ, ત્યારે કલા અંગેની ફિલસૂફી વિશે નિકોલસ અને કૅરોલિના વચ્ચે મોટા મતભેદ ઊભા થયા. કૅરોલિનાએ આત્માના અવાજને અનુસરીને કલાસર્જન કરવું મુનાસિબ માન્યું. તેની કલાનો મુખ્ય વિષય નિસર્ગ છે. તેની કલાનો પ્રાકૃતિક અને આરણ્યક પરિવેશ નિકોલસની કલાથી સમૂળગો અલગ પડી જાય છે. 1940માં કૅરોલિના દેખાવડા ચિત્રકાર ફ્રાન્ચેસ્કો દેલ્લે દોન્નેને પરણી ગઈ.
ઍન્ડ્ર્યૂનો પુત્ર જેમી પણ વિખ્યાત અમેરિકન ચિત્રકાર છે. દાદા નિકોલસની રંગદર્શી પરંપરાને એણે પોતાનાં ચિત્રો દ્વારા આગળ ધપાવી છે. તેની બે શ્રેષ્ઠ ચિત્રકૃતિઓ છે : (1) ‘પૉર્ટ્રેટ ઑવ્ જૉન ઑવ્ કૅનેડી’ (1967); (2) ‘આઇલૅન્ડ્ઝ’ (1990).
અમિતાભ મડિયા