વીજભાર-વાહક (lightning conductor)
February, 2005
વીજભાર–વાહક (lightning conductor) : અવકાશીય વિદ્યુત-પ્રપાત સામે ઇમારતોનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાતો વિદ્યુતવાહક.
વર્ષાવાદળો (ખાસ કરીને Cumulo-Nimbus પ્રકારનાં વાદળો) જે વિસ્તારમાં સર્જાય, તે વિસ્તારમાં પ્રવર્તતા પ્રબળ ઊર્ધ્વગામી વાયુપ્રવાહોને કારણે વાદળના સ્તરો મોટી માત્રામાં વીજભાર ધરાવતા થાય છે અને આ કારણે વાદળોના સ્તરો વચ્ચે, તેમજ વાદળના સ્તર અને જમીન વચ્ચે લાખો વૉલ્ટ જેવું પ્રચંડ વીજદબાણ ઉદ્ભવે છે. આવી પ્રચંડ માત્રાના વીજદબાણના પ્રભાવ નીચે વાતાવરણનો વિદ્યુત-અવરોધ તૂટી પડે છે અને વાદળના સ્તરો વચ્ચે, યા વાદળના સ્તર અને જમીન વચ્ચે વિદ્યુતપ્રપાત સર્જાય છે. આ પ્રપાત દરમિયાન ક્ષણાર્ધ જેવા ટૂંક સમય માટે હજારો ઍમ્પિયર જેવો પ્રબળ વિદ્યુત-પ્રવાહ વહે છે. વિદ્યુતપ્રપાત હમેશાં ટૂંકો માર્ગ લેતો હોવાથી ગગનચુંબી મકાનોની ટોચ પર આવો પ્રપાત થવાની શક્યતા ઘણી વધારે રહે છે.
જો આ પ્રપાતનો વિદ્યુતપ્રવાહ મકાનના બાંધકામમાંથી પસાર થાય તો, વિદ્યુતપ્રવાહને કારણે ઉદ્ભવતી ગરમી મકાનના બાંધકામને તોડી શકે, એની અંદર આગ સર્જે, અંદરનાં વિદ્યુત-ઉપકરણોને નુકસાન કરે તેમજ જાનહાનિ પણ કરી શકે. આની સામે સંરક્ષણનો ઉપાય, પ્રપાતના વિદ્યુતપ્રવાહને સરળ માર્ગે જમીનની અંદર ઉતારી દેવાનો છે. આ માટે ઊંચા મકાનની ટોચ પર તાંબાનો એક ધારદાર સળિયો રાખવામાં આવે છે અને આ સળિયાને તાંબાના જાડા પટ્ટા સાથે જોડીને મકાનના બહારના ભાગથી લઈને આ પટ્ટાને જમીનની અંદર થોડા ઊંડાણ સુધી દાટવામાં આવે છે. ઉપરાંત જમીન સુધી પહોંચેલ વિદ્યુતપ્રવાહ સરળતાથી જમીનના મોટા વિસ્તારમાં પ્રસરે તે માટે જે ભાગમાં પટ્ટો દટાયેલ હોય તે વિસ્તારને ક્ષારયુક્ત કરવામાં આવે છે (આને electrical grounding કહેવાય). વિદ્યુતપ્રપાતનો પ્રવાહ આમ સરળતાથી જમીનમાં ઊતરી જતાં, મકાન નુકસાનથી બચે છે. સામાન્ય ગણતરી અનુસાર જમીનથી આ સાધનની જેટલી ઊંચાઈ હોય, તેટલી ત્રિજ્યાના વિસ્તારના પ્રપાતો આ માર્ગ પકડે છે. અઢારમી સદીમાં બેન્જામિન ફ્રૅન્ક્લિન (Benjamin Franklin) નામના વૈજ્ઞાનિકે રેશમી દોરી વડે આકાશમાં પતંગ ઉડાડીને વાતાવરણની વિદ્યુત ઘટનાનો અભ્યાસ કર્યો હતો, જે આધારે આ પ્રકારના સાધનની રચનાનો ખ્યાલ ઉદ્ભવ્યો.
વિદ્યુત-ઉત્પાદન તથા પ્રસરણ કરતા તંત્ર(power-generating stations, transformers અને transmission-lines)ને આ પ્રકારનું સંરક્ષણ આપવું ખાસ આવદૃશ્યક છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ