વિહારપરંપરા : બૌદ્ધ સાધના અને શિક્ષણ માટેની સ્થાયી વ્યવસ્થા. બુદ્ધનિર્વાણ પછીના ‘ધર્મકાલ’માં બૌદ્ધ સંઘોરૂપી પ્રાચીન શિક્ષણકેન્દ્રોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો થયા. બુદ્ધના ઉપદેશથી ઘણા લોકો ભિક્ષુવ્રત ગ્રહણ કરીને બૌદ્ધ સંઘમાં જોડાયા. કેટલાક કિશોરો પણ ભિક્ષુ બની વિહારોમાં રહેવા લાગ્યા. શ્રીમંતો અને રાજાઓ તરફથી મળતાં ઉદાર દાનોથી દેશમાં ઘણાં નગરોમાં વિહારો સ્થપાયા. આવા સેંકડો વિહારોમાં હજારો સંખ્યામાં ભિક્ષુઓ રહેતા.
પ્રાચીન કાળના બૌદ્ધ સંઘોનું સ્વરૂપ નિર્વાણ માટેનાં સાધનાકેન્દ્રો જેવું હતું. પણ ‘ધર્મકાલ’ના વિહારો અગત્યનાં શિક્ષણકેન્દ્રો બન્યાં હતાં. ત્યાં આચાર્યો અને ઉપાધ્યાયો અધ્યાપનનું કાર્ય કરતા, પરંતુ એ વિહારોમાં ભિક્ષુઓ કે વિદ્યાર્થીઓ સેંકડોની સંખ્યામાં હોવાથી મૂળ ધ્યેય અને સ્વરૂપ ટકી રહે એ સંભવિત નહોતું. વળી આ બૌદ્ધ વિહારો, ઘણું કરીને, અત્યંત સમૃદ્ધ અને ધનધાન્યથી પરિપૂર્ણ હોવાથી ભિક્ષુઓ માટે ભોજન વગેરે બાબતમાં ભૈક્ષચર્યાની આવશ્યકતા પણ રહી નહોતી. અનાથપિંડક જેવા શ્રીમંત ઉપાસકો અને અશોક જેવા રાજવીઓએ જે અપાર ધનસંપત્તિ આપી હતી એનાથી તેમજ વિહારોએ સંપાદન કરેલ ભૂમિને લઈને ખેતી અને પશુપાલનમાંથી પણ વિહારોને ખાસું ઉપાર્જન થતું હતું.
વિદ્યાર્થીઓ આવા વિહારોમાં સામુદાયિક જીવન વિતાવતા, સમુદાયમાં રહીને વિદ્યા પ્રાપ્ત કરતા. આ વિહારોમાં વિનયપિટકના નિયમોનું પાલન કરાવાતું, બૌદ્ધદર્શન ઉપરાંત વ્યાકરણ અને ચિકિત્સાનો ખાસ અભ્યાસ કરાવાતો.
પ્રવીણચંદ્ર પરીખ