વિસર્જન (ભાગીદારી પેઢીનું) : ભાગીદારી પેઢી તરીકે ચાલતો ધંધો બંધ થવાની પ્રક્રિયા. ભારતીય અધિનિયમ 1932, અનુચ્છેદ 4 અનુસાર વ્યક્તિઓ અથવા તેઓની વતી એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયેલા સમૂહના અન્યોન્યના સંબંધને ભાગીદારી અને તે સમૂહને એકત્રિત રીતે પેઢી કહેવાય છે. ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારોના હાલના સંબંધોમાં થતો ફેરફાર. આ ફેરફાર થવા છતાં ભાગીદારી પેઢી પોતાનો ધંધો ચાલુ રાખી શકે છે. સામાન્યત: આવો ફેરફાર નવા ભાગીદારના સમાવેશથી, વર્તમાન ભાગીદારના ભાગીદારી છોડવાથી અથવા મૃત્યુ કે નાદારીથી થાય છે.
તેથી ઊલટું પેઢીનું વિસર્જન ત્યારે થયું ગણાય કે જ્યારે ભાગીદારીનું વિસર્જન થવા ઉપરાંત તેની સાથોસાથ પેઢી પણ પોતાની ધંધાકીય પ્રવૃત્તિ બંધ કરે. આવા વિસર્જન માટે ઘણાં કારણો હોઈ શકે છે, જેવાં કે બધા ભાગીદારો સહમત થઈને ભાગીદારી અધિનિયમના અનુચ્છેદ 40 હેઠળ પેઢીને વિસર્જિત કરે છે. આ ઉપરાંત જ્યારે પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બીજા બધા ભાગીદારો જો નાદાર જાહેર થાય તો અનુચ્છેદ 41 હેઠળ ભાગીદારી પેઢીનું ફરજિયાત વિસર્જન કરવું પડે. ઘણી વખત જ્યારે કાયદાકીય રીતે કોઈ ભાગીદારી પેઢીનો ધંધો પ્રતિબંધિત જાહેર થાય ત્યારે પણ પેઢીનું ફરજિયાત વિસર્જન થાય છે. ઘણી વાર જ્યારે ભાગીદારી કોઈ નિયત મુદત માટે કરવામાં આવી હોય ત્યારે મુદત પૂરી થયે પેઢીનું વિસર્જન આપોઆપ થયેલ ગણાય છે. ધંધાના વિવિધ સ્વરૂપ માટે જેમ કે સંયુક્ત સાહસ માટે ભાગીદારી અસ્તિત્વમાં આવી હોય તો એવું સાહસ પૂર્ણ થયે ભાગીદારી પેઢીનું વિસર્જન આપોઆપ થાય છે. ભાગીદારી અધિનિયમના અનુચ્છેદ 43 હેઠળ જ્યારે ઇચ્છાનુસાર વિસર્જન કરી શકાય તેવી પેઢી (partnership at will) હોય, ત્યારે કોઈ પણ એક ભાગીદાર બીજા ભાગીદારોને લેખિતમાં નોટિસ આપીને પેઢીનું વિસર્જન કરી શકે છે.
આ ઉપરાંત ભાગીદારી અધિનિયમના અનુચ્છેદ 44 હેઠળ અમુક ખાસ સંજોગો હેઠળ અદાલતને સત્તા છે કે તે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકે છે. આવા સંજોગોમાં ખાસ કરીને ભાગીદાર જ્યારે અસ્થિર મગજનો જાહેર થાય (insanity of partner), ભાગીદારની ગેરવર્તણૂક (misconduct by partner) તથા ભાગીદારની કાયમી અશક્તિ પેદા થાય (incapacity of partner), ત્યારે પેઢીનું વિસર્જન અદાલત દ્વારા કરવામાં આવે છે. ઉપરના સંજોગો સિવાય જ્યારે અદાલત માને કે ધંધો નુકસાન સિવાય ચલાવવો અસંભવ છે અથવા અન્ય કોઈ પણ કારણે અદાલતને લાગે કે ભાગીદારી પેઢીનું વિસર્જન ન્યાયી અને જરૂરી છે, ત્યારે પણ તેના દ્વારા પેઢીનું વિસર્જન કરવામાં આવે છે.
પેઢીનું વિસર્જન થાય ત્યારે હિસાબોની પતાવટ ભાગીદારી અધિનિયમના અનુચ્છેદ 48 પ્રમાણે નીચેના નિયમો અનુસાર કરવામાં આવે છે : (i) ચાલુ વર્ષનું નુકસાન (જો થયું હોય તો) અને પેઢીની મિલકતના વિક્રયમાંથી પડેલી ઘટની અગાઉનાં વર્ષોના એકત્રિત નફા સામે માંડવાળ કરવામાં આવે છે. (ii) બાકી રહેલાં નુકસાન અને ઘટ ભાગીદારોનાં મૂડીખાતાઓ સામે નફાના ભાગ(profit-sharing)ના પ્રમાણમાં માંડી વાળવામાં આવે છે અને (iii) છતાં નુકસાન અને ઘટની બાકી રહેલી રકમ ભાગીદારોએ તેમની અંગત મિલકતમાંથી નફાના ભાગના પ્રમાણમાં ભરપાઈ કરવી પડે છે.
પેઢીનું વિસર્જન થાય ત્યારે તેની મિલકતનો આ પ્રમાણે વિનિયોગ કરવામાં આવે છે : (i) પેઢીના દેવાની સૌથી પહેલાં ચુકવણી કરવામાં આવે છે. (ii) કોઈ ભાગીદારે પોતાના મૂડીફાળા ઉપરાંત વધારાનું ધિરાણ (advances) કર્યું હોય તેની ચુકવણી કરવામાં આવે છે. (iii) બાકી વધેલી રકમ પૂરતી હોય તો ભાગીદારોની મૂડી પરત કરવામાં આવે છે. (iv) આમ છતાં પણ જો રકમ બચે તો ભાગીદારોને તેમના નફાના ભાગના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે.
જો પેઢીનો કોઈ ભાગીદાર નાદાર હોય અને પેઢીનાં નુકસાન અને ઘટ તેની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવા માટે અશક્ય હોય તો બાકીના સધ્ધર ભાગીદારોને આ નુકસાન ભોગવવાનો વખત આવે છે. યુ.કે.ના ન્યાયતંત્રે ગાર્નર વિ. મરેના કેસમાં ઠરાવ્યું છે કે નાદાર ભાગીદારનું મૂડી નુકસાન સધ્ધર ભાગીદારોએ તેમના નફા ભાગના પ્રમાણમાં નહિ, પરંતુ તેમની મૂડીના પ્રમાણમાં ભોગવવું; ઉદાહરણ તરીકે, ક, ખ, અને ગ ભાગીદારોનો પેઢીના નફામાં સરખો ભાગ છે અને પેઢીના વિસર્જન સમયે તેમની મૂડી અનુક્રમે રૂ. 30,000; રૂ.10,000 અને રૂ. (–) 6,000 છે. જો ગ નાદાર હોય તો તેના મૂડી ખાતાનું નુકસાન ક અને ખએ સરખા નફાભાગના પ્રમાણમાં રૂ. 3,000 અને રૂ. 3,000 મુજબ ભોગવવાના બદલે તેમની મૂડીના પ્રમાણમાં રૂ. 4,500 અને રૂ. 1,500 મુજબ ભોગવવું પડે છે. ભારતીય અધિનિયમ 1932માં નાદાર ભાગીદારનું મૂડી નુકસાન સધ્ધર ભાગીદારોએ કયા પ્રમાણમાં ભોગવવું તે અંગે કોઈ જોગવાઈ નથી. તેથી ભારતમાં ગાર્નર વિ. મરેના ચુકાદાની ફક્ત અભિપ્રેરણ (persuasive) કિંમત છે. તેથી આ પ્રકારનો વિવાદ ટાળવા માટે ભાગીદારી દસ્તાવેજમાં જરૂરી શરત ઉમેરવી હિતાવહ છે.
પાવક મ. વ્યાસ