વિષ્ણુમૂર્તિ, પોનુગુમટ્લા

February, 2005

વિષ્ણુમૂર્તિ, પોનુગુમટ્લા (. 6 સપ્ટેમ્બર 1945, યાનમ, પુદુચેરી) : તેલુગુ લેખક અને પત્રકાર. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેમણે ‘જનમિત્ર’ નામના અઠવાડિક અને દૈનિકનું સંપાદન કર્યું. તેલુગુ દૈનિક ‘એઇનાડુ’; ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, માસિક ‘પોન કા મા યા’ અંગે કામગીરી કરી. તેઓ સ્મૉલ ન્યૂઝપેપર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ; રિજિયોનલ પ્લાનિંગ કમિટીના નૉમિનેટેડ સભ્ય રહી ચૂક્યા છે.

તેમણે તેલુગુમાં 3 ગ્રંથો આપ્યા છે. ‘ક્રિસવુલુ’; ‘દલિત વિમોચન’ (1990) અને ‘ભવદલ કલામનાતી ભારતીય વિશિષ્ટતા’ (1994). તે માનવવિદ્યાને લગતા ઉલ્લેખનીય ગ્રંથો છે.

તેઓ રેડિયો-વાર્તાલાપ માટેની પટકથાનું સર્જન કરે છે. વળી તેલુગુ અને અંગ્રેજી દૈનિકો માટે લેખો તૈયાર કરે છે. તેઓ ઘણી સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે ‘સક્રિય રીતે સંકળાયેલા છે.

સાહિત્યને લગતા તેમજ વર્તમાનપત્રોમાં કરેલા પ્રદાન બદલ તેમને 1994માં ઉત્તમ વર્તમાનપત્ર માટે નાન્દી ઍવૉર્ડ અને 1995માં ડૉ. આંબેડકર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા