વિષુવવૃત્ત (equator) : પૃથ્વીના ગોળા પર 0° અક્ષાંશ દર્શાવતું વૃત્ત. પૃથ્વીના ગોળાને ઉ. ધ્રુવ અને દ. ધ્રુવની બરાબર વચ્ચેથી દુભાગતી કાલ્પનિક રેખા. ઉ. ગોળાર્ધ અને દ. ગોળાર્ધને અલગ પાડતું વર્તુળ. બંને ગોળાર્ધ વાસ્તવિકપણે જોતાં એકસરખા નથી, ઉ. ગોળાર્ધ નાનો છે અને દ. ગોળાર્ધ મોટો છે, આ સંદર્ભમાં જોતાં પૃથ્વી જમરૂખ આકારની અથવા ત્રિઅક્ષી ઉપવલયજ (ellipsoidal) સ્વરૂપની છે.
આ વિષુવવૃત્તીય રેખાથી ઉ. અને દ. તરફ જતાં અક્ષાંશની ગણતરી મુકાય છે. પૃથ્વીના કેન્દ્રબિંદુથી ક્ષૈતિજ તલસ્વરૂપે તે સપાટી પર બહાર પડતું હોવાથી તેને 0° અક્ષાંશ કહે છે. આ રેખાને કાટખૂણે જ્યારે તેના એકસરખા 360 ભાગ પાડવામાં આવે છે ત્યારે પ્રત્યેક ભાગ રેખાંશ તરીકે ઓળખાય છે. જ્યાંથી 0° રેખાંશ શરૂ થાય છે તેની પૂર્વમાં પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમમાં પશ્ચિમ ગોળાર્ધ ગણાય છે. વિષુવવૃત્તનો પરિઘ 40,076 કિમી.નો છે, વ્યાસ 12756.16 કિમી. છે. વિષુવવૃત્ત રેખા પર પ્રત્યેક રેખાંશનું અંતર 111.32 કિમી.નું થાય છે. બધા જ અક્ષાંશોમાં વિષુવવૃત્તનો પરિઘ વધુ હોવાનું કારણ પૃથ્વીના અક્ષભ્રમણ(rotation)થી ઉદ્ભવતું કેન્દ્રત્યાગી બળ છે અને આ જ કારણે પૃથ્વી વિષુવવૃત્ત પર ઉપસેલી અને ધ્રુવો પર ચપટી બનેલી છે.
પૃથ્વીની ધરી વિષુવવૃત્તની તલસપાટીથી 90°ને ખૂણે ઊર્ધ્વસ્થિતિમાં રહેલી છે. તે પૃથ્વીની કક્ષાની સપાટીથી 66½°ને ખૂણે નમેલી છે અને વિષુવવૃત્તની તલસપાટી કક્ષાની તલસપાટીથી 23½°ને ખૂણે નમેલી છે.
ક્ષિતિજ પરથી ઉત્તર ધ્રુવ કેટલી ઊંચાઈ પર દેખાય છે તેનું નિરીક્ષણ કરીને વિષુવવૃત્તના સ્થાનનો નિર્ણય લઈ શકાય છે. એ જ રીતે, કોઈ પણ સ્થળેથી દેખાતા ઉત્તર ધ્રુવની ઊંચાઈનો કોણ મેળવીને તે સ્થળના અક્ષાંશ પણ જાણી શકાય છે. આ સંદર્ભમાં વિચારતાં, વિષુવવૃત્ત પરથી ધ્રુવનો તારો ક્ષિતિજ પર ભાગ્યે જ જોઈ શકાય, તેથી તેની ઊંચાઈ લગભગ 0° ગણાય.
વિષુવવૃત્તીય આબોહવા : વિષુવવૃત્ત પરની આબોહવા જે તે સ્થળની ઊંચાઈ અને સમુદ્રથી તેના અંતર પર આધાર રાખે છે. વિષુવવૃત્ત પરનાં નીચાણવાળાં સ્થાનોમાં ભારે વરસાદ પડે છે તથા આખુંય વર્ષ સરેરાશ તાપમાન એકધારું રહે છે; પરંતુ આફ્રિકાને પૂર્વ કિનારે ત્યાં માત્ર હળવો વરસાદ પડે છે અને લાંબા ગાળાની શુષ્ક ઋતુ પ્રવર્તે છે. વિષુવવૃત્ત પર આવેલા ક્વિટો(ઇક્વેડોર)ની ઊંચાઈ 2,850 મીટર છે; ઊંચાઈને કારણે ક્વિટોનું તાપમાન તેનાથી નીચે આવેલા નજીકનાં સ્થળો કરતાં અંદાજે 14° સે. જેટલું નીચું રહે છે.
ખગોલીય વિષુવવૃત્ત : ખગોલીય વિષુવવૃત્ત એ પૃથ્વી પરના વિષુવવૃત્તનું બહિર્વેશન (projection) છે. ગ્રહો તેમજ તારાઓનું સ્થાન શોધવામાં આ ખગોલીય વિષુવવૃત્તનો ઉપયોગ થાય છે.
ગિરીશભાઈ પંડ્યા