વિષમતંતુગૂંચ (Keloid) : ઈજાને સ્થાને કે ક્યારેક સ્વયંભૂ રીતે ઉદ્ભવતી લીસી વૃદ્ધિ પામેલી તંતુબીજપેશી. તેને કુક્ષતાંતપેશી પણ કહે છે. અગાઉ 1700 BCમાં ઇજિપ્તમાં તે અંગે કરાતી શસ્ત્રક્રિયા અંગે પે પાયરસમાં નોંધાયેલું છે. સન 1806માં એલિબર્ટે તેને ‘કિલોઇડ’ એવું પાશ્ર્ચાત્ય નામ આપ્યું, જે ‘ક્રેબ’ (કરચલો) પરથી બનાવાયું હતું. જોકે એક અન્ય વિચાર પ્રમાણે ‘કેલ’નો અર્થ ગાંઠ થાય છે. તેઓ અમૃદુ (firm) અને રબર જેવા લાલાશ પડતા કે કાળા ઊપસેલા દોષવિસ્તારો હોય છે. છાતી પર મધ્યરેખામાં તે સૌથી વધુ જોવા મળે છે અને સામાન્ય રીતે વિસ્તારો કે જ્યાં તે જોવા મળે છે તે છે કાનની બૂટ જ્યાં છિદ્ર પાડવામાં આવે છે અને ખભા. ક્યારેક ભારે અથવા મોટી તંતુરૂઝપેશી (ક્ષતાંતપેશી, scar) જોવા મળે તો તે અતિવૃદ્ધિ પામેલી ક્ષતાંતપેશી (hypertrophic scar) અથવા કુક્ષતાંતપેશી (keloid) હોય છે. તે બંનેને અલગ પાડવી જરૂરી છે; કેમ કે, અતિવર્ધિત ક્ષતાંતપેશી અથવા મોટી થઈ ગયેલી રૂઝપેશીની સારવારમાં ક્ષતાંતપુનર્ગઠન (scar revision) શક્ય છે; પણ કુક્ષતાંતપેશી(વિષમતંતુગૂંચ)માં તે શક્ય નથી. તેનો નિર્ણય રૂઝપેશીની તપાસ કરીને તથા સારવાર કરવાથી થાય છે. કુક્ષતાંતપેશી મૂળ ક્ષતાંતપેશીની કિનારીની બહાર પણ વિકસે છે અને ક્રમશ: મોટી થતી જાય છે. અતિવર્ધિત ક્ષતાંતપેશીમાં આવો ફેરફાર થતો નથી. કુક્ષતાંત-પેશી ગાઢા રંગની ચામડીવાળી વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. સૂક્ષ્મદર્શક વડે તપાસતાં બંને પ્રકારની પેશીમાં શ્વેતતંતુલો (collagen) અને તંતુબીજકોષી સક્રિયતા (fibroblastic activity) એકસરખી જ હોય છે.

સામાન્ય રીતે ઈજા પછી રૂઝપેશીમાં 6થી 8 અઠવાડિયે તેમાં નવસર્જન અને ક્ષતવિસર્જનની પ્રક્રિયાઓમાં એક સંતુલન આવે છે. તે સમયે રૂઝપેશીની ચામડી કરતાં 30 %થી 40 % જેટલી ઓછી તણાવક્ષમતા ધરાવે છે. સમય જતાં શ્વેતતંતુલોની ચોકડીઓ જેવી રચનાથી તણાવક્ષમતા વધે છે. તે સમયે ક્ષતાંતપેશીમાં લોહીનું પરિભ્રમણ વધુ હોય છે. તે સમયે રૂઝપેશી(ક્ષતાંતપેશી) જાડી હોય છે. થોડા મહિનાઓમાં તે ચપટી, સફેદ, પોચી અને ખેંચાયેલી હોય તેવી થાય છે. તેને પુખ્ત રૂઝપેશી કહે છે. જો શ્વેતતંતુલના નવસર્જન કરતાં તેનું વિસર્જન ઘટે તો રૂઝપેશી બધી દિશામાં વિકસે છે, તે સમયે ઊપસી ગયેલી ચામડીમાં લોહીનું પરિભ્રમણ વધુ રહે છે. આવી વધુ પડતી રૂઝપેશી કાં તો અતિવર્ધિત ક્ષતાંતપેશી અથવા તો કુક્ષતાંતપેશી બને છે. આ બંને પ્રકારના વિકારો જનીનવિદ્યાની દૃષ્ટિએ માનવ-શ્વેતકોષ પ્રતિજન (human leucocyte antigen, HLA) B14, B21, Bw16, Bw35, DR5 અને DQw3 સાથે તથા રુધિરજૂથ A સાથે સંકળાયેલા છે. તે દેહસૂત્રીય પ્રચ્છન્ન અને પ્રભાવી-એમ બંને રીતે વારસામાં ઊતરે છે. ભારતીયો અને મલેશિયનો કરતાં ચીનાઓ અને પૉલિનેશિયનોમાં તે વધુ જોવા મળે છે. કાળા હબસીઓમાં 16 %ને તે થાય છે. શ્વેતપ્રજા અને ત્વકીય અવર્ણકતા(albinism)માં તે ઓછું જોવા મળે છે. યુવાન પુરુષો કરતાં યુવાન સ્ત્રીઓમાં તે વધુ થાય છે મોટાભાગે તે 10થી 30 વર્ષની વયે શરૂ થાય છે, પરંતુ મોટી ઉંમરે હૃદયની ધમનીની શસ્ત્રક્રિયા પછી છાતીના મધ્યભાગમાં કુક્ષતાંતપેશી થવાનો દર વધુ રહે છે.

ક્યારેક સારવાર માટે દોષ-વિસ્તારમાં ઇન્જેકશન દ્વારા ટ્રાયેમ્સિનોલોન નામનું સ્ટીરૉઇડ અપાય છે. તે શ્વેતતંતુલ-વિઘટક (collagenase) નામના ઉત્સેચકની ક્રિયાશીલતા વધારે છે. તેને કારણે દોષવિસ્તારમાંના શ્વેતતંતુલો તૂટે છે અને ક્ષતચિહ્ન (scar) ઓછો જાડો અને લાલ બને છે. સ્ટીરૉઇડ તંતુઓ કે શ્વેત-તંતુલો બનાવતા કોષોની સંખ્યા કે કાર્યને ઘટાડતું નથી અને તેથી કુક્ષતાંતપેશીમાં તે બનતા રહેતા હોવાથી સ્ટીરૉઇડની ખાસ સફળતા રહેતી નથી. જો શસ્ત્રક્રિયા પછી તરત સ્ટીરૉઇડનું ઇન્જેક્શન અપાય તો રૂઝ આવવામાં તકલીફ થાય છે અથવા નબળી રૂઝપેશી બને છે. અતિવર્ધિત ક્ષતાંતપેશીમાં ક્ષતચિહ્ન-પુનર્ગઠન(scar revision)ની શસ્ત્રક્રિયા કરવાથી ફાયદો રહે છે, પરંતુ તે ફાયદો કુક્ષતાંતપેશી(keloid)માં જોવા મળતો નથી. ક્ષતચિહ્ન-પુનર્ગઠનમાં મોટી થયેલી ક્ષતાંતપેશી(રુઝપેશી)ને દૂર કરીને ફરીથી એવી રીતે ટાંકા લેવાય છે કે જેથી તેની રેખા ચામડીમાંની કુદરતી કરચલીઓ(natural creases)માં હોય. તેથી નવી બનતી રૂઝપેશી કુદરતી કરચલીઓમાં હોય. આવી રૂઝપેશી ઓછું ધ્યાન ખેંચે છે. આ પ્રકારની પ્રક્રિયાને ક્ષતાંતપુનર્રચના (Z-plasty) કહે છે. આવું શક્ય ન હોય તો રૂઝપેશીને વાંકીચૂકી કાપવામાં આવે છે. તેનાથી બનતી નવી રૂઝપેશી (ક્ષતાંતપેશી) ઓછી સ્પષ્ટ હોય છે. તેને વક્રછેદીય પુનર્રચના (W-plasty) કહે છે. ક્યારેક આસપાસની નવી પેશી લાવવામાં આવે છે. તે માટે પેશીવિપુલકો (tissue expanders) અથવા ચર્મપટ્ટિકા(skin flap)ની શસ્ત્રક્રિયાનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત લેઝર, લેઝર તથા કોર્ટિકોસ્ટીરૉઇડ, શીતશસ્ત્રક્રિયા (cryosurgery), સિલિકોન-આવરણ (silicon sheeting) તથા સંદમન (compression) વગેરે વિવિધ પદ્ધતિઓ પણ ઉપચારમાં વપરાય છે. લેઝર (કાર્બન ડાયૉક્સાઇડ લેઝર, આર્ગન લૅઝર, પલ્સ્ડ ડાયલેઝર, એનડી-યાગ લેઝર) લાલાશ ઘટાડે છે, પણ કદ ઘટાડી શકતાં નથી. શીતશસ્ત્રક્રિયામાં પ્રવાહી નાઇટ્રોજન (નત્રવાયુ) વપરાય છે. તે દોષવિસ્તારને ચપટો કરે છે, પણ તેમાં ચામડી પર ડાઘો પડે છે. રોજ રાત્રે સિલિકોનનું આવરણ લગાડવાથી કુક્ષતાંતપેશી નાની થાય છે; પણ તેનું કારણ સ્પષ્ટ નથી. આ પદ્ધતિ લાંબો સમય કરવી પડતી હોવાથી તેમાં જરૂરી નિયમિતતા ઘણી વખત જળવાતી નથી. ક્યારેક પટ્ટો બાંધીને કુક્ષતાંતપેશીને દબાવવાની ક્રિયાને સંદમન કહે છે. તે ક્યારેક સફળ થાય છે. આ ઉપરાંત ઇન્ટરફેરોન, ઇમિક્વિમોડનું ક્રીમ વગેરે પણ વપરાય છે. આ ઉપરાંત વિકિરણ-ચિકિત્સા (radiotherapy) કરવાના પ્રયોગો થયા છે. આશરે 7.2થી 10.8 Gy જેટલું વિકિરણ અપાય છે. તેમાં ઇરિડિયમ-192ને દોષવિસ્તારમાં મૂકવામાં આવે છે. ઇન્ટરફેરોન આલ્ફા, બીટા અને ગૅમા એમ ત્રણેય પ્રકારના ઇન્ટરફેરોન શ્વેતતંતુલોના વિઘટન માટેના ઉત્સેચકનું ઉત્તેજન કરે છે. હાલ ઇન્ટરફેરોનનો ઉપયોગ કુક્ષતાંતપેશીનું ઉચ્છેદન (excision) કર્યા પછી તે ફરી ન થાય તે માટે કરાય છે. ઇમિક્વિમોડનું ક્રીમ તે સ્થળ પર ઇન્ટરફેરોનનું ઉત્પાદન કરે છે. અન્ય ઔષધો, જેમનો પણ સારવારમાં પ્રયોગ થાય છે તેમાં પ્રોલિન-સીસ-હાઇડ્રૉક્સિપ્રોલિન અને એઝેટિડિનકાર્બોક્સિલ ઍસિડ, ટ્રેનિલાસ્ટ, પેન્ટોક્સિફાયલિન વગેરે વપરાય છે.

સારવારની મર્યાદાએ પૂર્વનિવારણનું મહત્વ વધાર્યું છે. તેમાં અતિશય જરૂર ન હોય ત્યાં સુધી સૌંદર્યલક્ષી શસ્ત્રક્રિયા ન કરવી એ મહત્વનો સિદ્ધાંત છે. દરેક શસ્ત્રક્રિયાના ઘાવના ટાંકા લેતી વખતે વધુ પડતો તણાવ ન રહે તે જોવાય છે. શસ્ત્રક્રિયાના છેદને સાંધાની જગ્યાને લંબ ન હોય તેવું રખાય છે. છાતીના વચલા ભાગમાં છેદ કરવાને બદલે ચામડીની કુદરતી કરચલીઓને સમાંતર છેદ કરાય છે.

શિલીન નં. શુક્લ