વિશ્વેદેવા
February, 2005
વિશ્વેદેવા : પ્રાચીન ભારતીય વૈદિક યજ્ઞમાં આવતો દેવસમૂહ. આ સમૂહની વિશ્વેદેવા રૂપે પૂજા થાય છે. ભાષાશાસ્ત્રની દૃદૃષ્ટિએ ‘વિશ્વેદેવા’ શબ્દ સામાસિક નથી, પરંતુ विश्वे + देवा એ બંને શબ્દો મળીને એ બન્યો છે અને એ રીતે સંયુક્ત શબ્દ છે. આથી એને ‘સર્વદેવ’ એમ પણ નામભેદે કહેવાય છે. ઋગ્વેદમાં એના 40થી પણ વધારે સૂક્તો છે. ‘વિશ્વેદેવા’નો શબ્દશ: અર્થ અનેક દેવતા છે, જેનું મુખ્ય કાર્ય બધા દેવતાઓનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે; કારણ કે યજ્ઞમાં કરેલી સ્તુતિ બધા જ દેવતાઓની હોવી ઘટે, કોઈ રહી ન જવા જોઈએ. વેદમંત્રોમાં અનેક દેવતાઓનો સંબંધ જ્યાં આવે છે, ત્યાં કોઈ એક દેવતાનો, ચોક્કસપણે ઉલ્લેખ થતો નથી; પરંતુ ‘विश्वेदेवा:’ એવો સામૂહિક પ્રયોગ કરવામાં આવે છે.
ઋગ્વેદમાં વિશ્વેદેવોને અનુલક્ષીને જે સૂક્તો છે, તેમાં શ્રેષ્ઠ અને કનિષ્ઠ દેવતાઓની ક્રમ પ્રમાણે સ્તુતિ કરવામાં આવી હોય છે. યજ્ઞ કરાવનાર પુરોહિતને જ્યારે સઘળા દેવોનું આવાહન કરવાનું થાય છે ત્યારે તે ‘વિશ્વેદેવો’ને ઉદ્દેશીને જ કરે છે.
કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે ઋગ્વેદનું આપ્રીસૂક્ત વિશ્વેદેવોને ઉદ્દેશીને રચવામાં આવ્યું છે; જેમાં સુસમિદ્ધ, તનુનપાત્, નરાશંસ, ઇલા, બર્હિ, દ્વાર, ઉષસ્ તથા રાત્રિ, હોતૃ નામના બે અગ્નિ, સરસ્વતી, ઇલા તથા ભારતી (મહી) વગેરે દેવીઓ; ત્વષ્ટા, વનસ્પતિ અને સ્વાહા – આ બાર દેવતાઓ અગ્નિનાં જ વિભિન્ન રૂપ છે. ઋગ્વેદમાં પ્રાપ્ત બીજાં કેટલાંક સૂક્તોમાં વિશ્વેદેવોમાં ત્વષ્ટા, ઋભુ, અગ્નિ, પર્જન્ય, પૂષન તથા વાયુ અને બૃહદ્યવા વગેરે દેવીઓ અને અહિર્બુધ્ન્ય વગેરે સર્પોનો સમાવેશ થાય છે.
મરુદ્ગણ, ઋભુગણ જેવા દેવગણો જેવો વિશ્વેદેવોનો દેવગણ જોવામાં આવતો નથી; આમ છતાં, આ દેવતાઓને એક સંકીર્ણ સમૂહ પણ માનવામાં આવ્યા છે; કારણ કે, વસુ અને આદિત્યો જેવા દેવગણોની સાથે તેનું પણ આવાહન કરવામાં આવ્યું છે.
‘ઐતરેય બ્રાહ્મણ’માં વિશ્વેદેવોનો એક આખો દેવતાસમૂહ તરીકે નિર્દેશ મળે છે (મરુત વગેરે), જેઓને આવિક્ષિત કામપ્રિ રાજાના યજ્ઞમાં યજ્ઞીય સભાસદના રૂપમાં કાર્ય કરતા દર્શાવવામાં આવ્યા છે.
પુરાણોમાં વિશ્વેદેવોનું રૂપ ઉત્ક્રાન્ત થયેલું ભાસે છે. વાયુપુરાણમાં તેમને દક્ષકન્યા વિશ્વા તથા ધર્મઋષિના પુત્રો કહ્યા છે. તેમની સંખ્યા દસ બતાવી છે. રાજ્યપ્રાપ્તિ માટે એની ઉપાસના કરવાનું વિધાન છે.
પુરાણોમાં આવતી વિશ્વેદેવોની નામાવલિ આ મુજબ છે : (1) ક્રતુ (2) દક્ષ (3) શ્રવ (4) સત્ય (5) કાલ (6) કામ (7) મુનિ (8) પુરુરવસ્ (9) આર્દ્રવાસ (10) રોચમાન.
વસુ, કુરજ, મનુજ, બીજ, ધુરિ, લોચન વગેરે નામાન્તરો પણ પુરાણોમાં પ્રાપ્ત થાય છે.
મહાભારતમાં પણ તેની વિસ્તૃત નામાવલિ આપી છે અને તેનું નિવાસસ્થાન ભુવર્લોક કહ્યું છે.
વિશ્વેદેવો સ્વયં સંતતિહીન છે. વળી ઇન્દ્રની ઉપાસના કરતા તેઓ ઇન્દ્રસભામાં ઉપસ્થિત હતા. દેવાસુરસંગ્રામમાં તેઓ દેવતાને પક્ષે હતા અને પૌલોમો સાથે પણ તેમણે યુદ્ધ કરેલું. સોમે કરેલા રાજસૂય યજ્ઞમાં તેમણે ચમસાધ્વર્યું રૂપે કામ કર્યું હતું. ‘મરુત’ના યજ્ઞમાં પણ તેઓ સભાસદ હતા. જયામઘને વિશ્વેદેવોની કૃપાથી પુત્રપ્રાપ્તિ થઈ હતી.
આ દેવતાઓએ હિમાલય પર્વત પર જઈને બ્રહ્માજી તથા પિતરોની ઉપાસના કરી હતી. પ્રસન્ન થઈને બ્રહ્માજી તથા પિતરોએ તેમને મનુષ્ય દ્વારા કરવામાં આવતી શ્રાદ્ધવિધિમાં પહેલું ‘માન’ મળશે એવા આશીર્વાદ આપ્યા. વળી ‘દેવોથી પણ પહેલાં પૂજાશો અને તમારી પૂજાથી શ્રાદ્ધનું રક્ષણ થશે તથા પિતૃઓ ખૂબ જ સંતૃપ્તિ અનુભવશે’ એમ પણ જણાવ્યું.
પાર્વણ શ્રાદ્ધમાં પુરુરવ અને આર્દ્રવ; મહાલય શ્રાદ્ધમાં ધૂરિ અને લોચન તથા નાન્દીશ્રાદ્ધમાં સત્ય, વસુ; જિવત્પિતૃક શ્રાદ્ધમાં ક્રતુ અને દક્ષ – આ વિશ્વેદેવોનું પૂજન કરવામાં આવે છે.
ભાગવતમાં એમને વર્તમાનકાલિક વૈવસ્વતમન્વંતરના દેવતા કહ્યા છે. વિશ્વામિત્રના શાપને લીધે તેમણે દ્રૌપદીના પાંચ પુત્રો રૂપે જન્મ ધારણ કર્યો હતો અને તેમનું મૃત્યુ અશ્વત્થામા દ્વારા થયું.
વિશ્વેદેવોનાં સૂક્તોમાં લઘુદેવતાઓની પણ પ્રશસ્તિ કરવામાં આવી છે. ઉપરાંત વાયુ, અહિર્બુધ્ન્ય, પર્જન્ય, ઇલા, મહી, ઋભુ ઇત્યાદિનાં વ્યક્તિગત સૂક્તો પણ મળે છે. આમ સર્વેદેવા અથવા વિશ્વેદેવાનું કાલ્પનિક યજ્ઞસમૂહરૂપમાં મહત્વનું સ્થાન છે.
પારુલ માંકડ