વિશ્વામિત્ર : પ્રાચીન ભારતના વેદપ્રસિદ્ધ ઋષિ. વાલ્મીકિ રામાયણ અનુસાર વિશ્વામિત્રનો વંશક્રમ છે પ્રજાપતિ-કુશ-કુશનામ-ગાથિન-વિશ્વામિત્ર. આરણ્યક ગ્રંથોમાં ‘વિશ્વનો મિત્ર તે વિશ્વામિત્ર’ એવી વ્યુત્પત્તિ આપવામાં આવી છે. કાન્યકુબ્જ દેશના કુશિક નામના પ્રખ્યાત કુળમાં એમનો જન્મ થયો હતો. રાજવંશી હોવા છતાં તેમણે ‘બ્રાહ્મણત્વ’ પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો હતો. આથી જ્ઞાનોપાસના, તપશ્ચર્યા ઇત્યાદિ દ્વારા અંતે તેઓ ‘રાજર્ષિ’માંથી ‘બ્રહ્મર્ષિ’ બન્યા હતા; એટલું જ નહિ પણ વૈદિક સૂક્તના દ્રષ્ટા (= મંત્રદ્રષ્ટા) ઋષિ તરીકે પણ પ્રખ્યાતિ પામ્યા હતા. એમનું મૂળ નામ વિશ્વરથ હતું, પરંતુ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યા પછી તેમને ‘વિશ્વામિત્ર’ નામ મળ્યું. ‘વેદાર્થદીપિકા’ના નિર્દેશ અનુસાર એક પરંપરા પ્રમાણે કુશિક રાજાએ તપસ્યા કરી અને ઇન્દ્ર જેવા તેજસ્વી પુત્રની ઇચ્છા કરી ત્યારે સ્વયં ઇન્દ્રે ગાથિન નામ ધારણ કરી કુશિકના પુત્ર રૂપે જન્મ લીધો અને એ ઇન્દ્રથી વિશ્વામિત્રનો જન્મ થયો.

વિશ્વામિત્ર  એક પરંપરાગત તસવીર

એમના તપસ્વી જીવનમાં એમણે સરસ્વતી નદીને કિનારે રુષંગુ-તીર્થ પર તપસ્યા કરી હતી. વળી સાગરાનુષ અર્થાત્ રેતાળ પ્રદેશો(આધુનિક રાજસ્થાન)માં પણ એમણે તપસ્યા કરી હતી.

વસિષ્ઠ ઋષિનો તેમણે વિરોધ કર્યો હતો. વસિષ્ઠ પરમજ્ઞાની બ્રહ્મર્ષિ હતા. તેમનાં તેજ અને તપોબળ અદ્વિતીય હતાં. તેમની પાસે ‘નંદિની’ નામની કામધેનુ હતી, જેની વિશ્વામેત્રે માગણી કરી; પરંતુ વસિષ્ઠે રાજ્યના બદલામાં પણ તેને આપવાની ના પાડી. વિશ્વામિત્રે નંદિનીનું અપહરણ કરવા વિચાર્યું, પરંતુ નંદિનીના કાનમાંથી અનેક શસ્ત્રાસ્ત્રોથી સજ્જ સેના નીકળી અને તેણે વિશ્વામિત્રની સેનાને હરાવી. વિશ્વામિત્રે વસિષ્ઠનો પરાજય કરવા ઘોર તપશ્ચર્યા કરી; પરંતુ વસિષ્ઠ અજેય રહ્યા ત્યારે તેમની આંખ ઊઘડી ને ખાતરી થઈ કે ‘બ્રાહ્મતેજ’ ક્ષાત્રતેજ કરતાં ચઢિયાતું છે. એ પછી વસિષ્ઠ સમાન બ્રહ્મબલ પ્રાપ્ત કરવા તેમણે પુન: ઘોર તપશ્ચર્યા કરી. એ સમય દરમિયાન તેમને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું. ક્રોધ અને કામ બંનેને ઘણા પ્રયત્ન પછી તેઓ જીતી શક્યા હતા. આ સંદર્ભમાં રંભા નામની અપ્સરાને પથ્થર બનવાની તેમણે આપેલ શાપની અને મેનકા નામની અપ્સરાના મોહપાશમાં તેમનું પતન થયાની કથાઓ પ્રસિદ્ધ છે.

વિશ્વામિત્ર જ્યારે તપશ્ચર્યા કરવા ગયા હતા ત્યારે તેમના રાજ્યમાં દુકાળ પડ્યો અને તે સમયે તેની પત્નીએ પુત્રને ગળે દોરી બાંધી બજારમાં વેચવા મૂક્યો હતો; તેથી વિશ્વામિત્રના પુત્રનું નામ ‘ગાલવ’ પડ્યું. આ સમયે કોસલ દેશના રાજાના પુત્ર ત્રિશંકુએ વિશ્વામિત્રની પત્ની તથા પુત્રને સહાયતા કરી હતી. તપશ્ચરણ કરીને પાછા ફરતાં વિશ્વામિત્રે ત્રિશંકુનું ઋણ ચૂકવવા તેને સદેહે સ્વર્ગારોહણ કરાવવાનું વચન આપ્યું અને દેવરાજ ઇન્દ્રનો વિરોધ વહોરી લીધો. અંતે તેમાં સફળતા પણ મેળવી.

હરિશ્ચન્દ્ર રાજા સાથે પણ વિશ્વામિત્રનો સંબંધ રહ્યો હોવાનો માર્કણ્ડેય પુરાણમાં ઉલ્લેખ છે. સત્યવાદી હરિશ્ચન્દ્રના ‘સત’ અને ‘તપ’ની વિશ્વામિત્રે કપરી પરીક્ષા કરી હતી.

ઐતરેય બ્રાહ્મણ અનુસાર વિશ્વામિત્રે હરિશ્ચન્દ્રના પુત્ર રોહિત અને તેમના ભત્રીજા શુન:શેપની રક્ષા કરી હતી.

ઇક્ષ્વાકુ વંશ સાથે વિશ્વામિત્રનો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. રામાયણ કાળમાં તાડકાના વધ માટે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર પોતાની સાથે લઈ ગયેલા.

વિશ્વામિત્રનો આશ્રમ કુરુક્ષેત્રમાં સરસ્વતી નદીના પશ્ચિમ તટ પર સ્થાણુતીર્થની નજીક હતો, જ્યાં તપ કરીને તેમણે ‘બ્રાહ્મણત્વ’ પ્રાપ્ત કર્યું હતું. બીજો એક આશ્રમ હાલના બકસારમાં તાડકા-વન નજીક હતો. મહાભારત અનુસાર તેમનો આશ્રમ કૈશિકી નદી(અત્યારના બિહારની કોશી નદી)ના કિનારે હતો.

વળી વિશ્વામિત્ર નામની ઘણી વ્યક્તિઓ થયાનું જણાય છે; સુદાસકાલીન, હરિશ્ચન્દ્રકાલીન, રામાયણકાલીન વગેરે. વસિષ્ઠ અને ઇન્દ્ર સાથેની તેમની શત્રુતાની કથાઓ કલ્પનાના રંગે રંગવામાં આવી છે.

વિશ્વામિત્રને 100 પુત્રો હોવાનું કહેવાય છે. મધુછંદસ જે મંત્રદ્રષ્ટા હતો તે વિશ્વામિત્રના પુત્ર તરીકે ખૂબ જાણીતો છે.

વૈદિક સૂક્તોમાં વિશ્વામિત્ર ‘નદીસૂક્ત’ના રચયિતા છે, જેમાં વિપાશા અને શુતુદ્રી નદીના સંગમ પર માર્ગ આપવાની પ્રાર્થના કરવામાં આવી છે. એ સિવાય સંપાત ઋચાઓ, રોહિત કૂલીય સામમંત્ર વગેરે રચનાઓ વિશ્વામિત્રે કરી છે. વેદકાલીન રાજા સુદાસના પુરોહિત વિશ્વામિત્ર હતા. તે પછી સુદાસે વસિષ્ઠને પુરોહિત બનાવ્યા; તેથી બંને વચ્ચે તુમુલ વિરોધ થયો હતો.

વિશ્વામિત્રના સમકાલીનોમાં જમદગ્નિ અને જામદગ્ન્ય પરશુરામ હતા. વળી તેઓ વિશ્વામિત્રના નજીકના સગા હતા, કારણ કે વિશ્વામિત્રના પિતામહ કુશિકની પત્ની પૌરુકુત્સીની બહેન સત્યવતી હતી. સત્યવતી અને ભાર્ગવઋષિના પુત્ર તે જમદગ્નિ. આમ વિશ્વામિત્રના પિતાના તે મસિયાઈ ભાઈ થાય.

વિશ્વામિત્રને રેણુ, શાલાવતી, સાંકૃતિ અને માધવી તથા દૃષદ્વતી – પાંચ પત્નીઓ હતી.

આમ, વિશ્વામિત્ર ખૂબ પ્રસિદ્ધ ઋષિવર છે અને એમના સંબંધી અનેકાનેક પુરાણકથાઓ પ્રસિદ્ધ છે.

પારુલ માંકડ