વિશ્વામિત્રીમાહાત્મ્ય (આશરે સત્તરમી સદી)
February, 2005
વિશ્વામિત્રીમાહાત્મ્ય (આશરે સત્તરમી સદી) : સંસ્કૃતમાં રચાયેલ એક મહત્વચપૂર્ણ માહાત્મ્ય ગ્રંથ. વડોદરાના મ. સ. વિશ્વવિદ્યાલયના પ્રાચ્યવિદ્યામંદિરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રંથમાલા(ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સીરીઝ)ના 176મા ગ્રંથ તરીકે આ ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ (critical edition) 1997માં પ્રકાશિત કરી છે, જેમાં સમીક્ષાપૂર્વકનો સર્વતોમુખી અભ્યાસ પણ આપેલો છે. આ સઘળું સંશોધન સંસ્થાના નિવૃત્ત નિયામક પ્રો. જયન્ત પ્રે. ઠાકરે કરેલું છે. ઉપલબ્ધ ચાર હસ્તપ્રતોમાંની બેમાં લેખનસંવત આપેલી છે.
વિશ્વામિત્રી નદીનો મહાભારતમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે. આ નદી મધ્ય ગુજરાતમાં આવેલા પાવાગઢ પર્વતમાંથી નીકળીને વડોદરા શહેર તથા જિલ્લામાંથી પસાર થઈ પિંગલવાડા પાસે ઢાઢર નદીને મળે છે, જે ખંભાતના અખાતમાં ઠલવાય છે. આ નદીના તટ પરનાં તીર્થસ્થળોની ઉત્પત્તિ તથા માહાત્મ્ય દર્શાવતી પ્રાચીન રોચક આખ્યાયિકાઓ આમાં આપેલી છે. પાવાગઢનાં પ્રાચીન નામો ‘પંચવક્ત્ર’ તેમજ ‘પાવકાચલ’ને સમજાવતી આખ્યાયિકાઓ પણ આપેલી છે. સંપાદકે તીર્થધામોનાં 72 નામોની વિગતો નોંધી છે, જે શિવાલયોથી શોભી રહ્યાં છે. કેટલાંક મા ભગવતીનાં તીર્થો છે. આ રીતે આ ગ્રંથ જાણે સ-રસ આખ્યાયિકાઓનો સંગ્રહ બની ગયો છે.
મુખ્ય કથા અયોધ્યાના પ્રખ્યાત રાજા ત્રિશંકુની છે. આ મહાન રાજાને સદેહે સ્વર્ગમાં જવાની ધૂન વળગી. ગુરુ વસિષ્ઠ અને તેમના પુત્રોએ તે માટેનો યજ્ઞ કરાવવાની ના પાડતાં અને વસિષ્ઠપુત્રોએ શાપ આપતાં રક્તપિત્તનો રોગી બનીને રાજા પાવાગઢમાં જેમનો આશ્રમ હતો તે મહર્ષિ વિશ્વામિત્રને શરણે ગયો. વિશ્વામિત્રે આહ્વાન ઉપાડી લીધું, વિશ્વામિત્રીનાં આ તીર્થધામોની યાત્રા કરાવીને પવિત્ર કરી શ્રીયાગેશ્વર તીર્થ(વડોદરા-કલાલી માર્ગ પર આવેલા જાગનાથ મંદિર)માં યજ્ઞ કરાવી સદેહે સ્વર્ગારોહણ કરાવ્યું. દેવોએ અધવચ્ચે અટકાવી દીધો એટલે વિશ્વામિત્રે નવી સૃદૃષ્ટિ રચવાનો પ્રારંભ કર્યો, એમ કહીને કે આ મારી સૃદૃષ્ટિના સ્વર્ગમાં તેને સ્થાપીશ. બ્રહ્માએ આવીને સમજાવીને માંડ આ સર્જન અટકાવ્યું અને પોતે ત્રિશંકુને સ્વર્ગમાં સદેહે લઈ ગયા એ ખૂબ જ રોચક કથા આમાં સમાવિષ્ટ છે.
અન્ય માહાત્મ્યગ્રંથોની જેમ આ ગ્રંથ પણ પ્રવાહી અનુષ્ટુપ છંદમાં રચાયો છે અને ક્વચિત્ બીજા લાંબા છંદોનો પ્રયોગ પણ કરેલો છે. સર્વત્ર સંવાદ રૂપે જ નિરૂપણ, બેવડી સંધિ, સંધિનો અભાવ વગેરે સામાન્ય લક્ષણો ઉપરાંત આ ગ્રંથ પોતાની ભાષા આદિની આગવી વિશિષ્ટતા પણ પ્રકટ કરે છે. આમાં આપેલ અધ્યયન દર્શાવે છે કે આ ગ્રંથ ઐતિહાસિક, સાંસ્કૃતિક, ભાષાકીય ઇત્યાદિ દૃદૃષ્ટિએ આગવું મહત્વ ધરાવે છે.
‘વિશ્વામિત્રી માહાત્મ્ય’ના કુલ અધ્યાય 26 છે, પણ બીજો 13 અધ્યાય(અધ્યાય 29થી 41)નો વિભાગ જે એક જ હસ્તપ્રતમાં મળે છે તેને પરિશિષ્ટ તરીકે આમાં સાચવી લીધો છે. આ વધારાના વિભાગનું સંક્ષિપ્ત અંગ્રેજી રૂપાન્તર, છંદોનું અધ્યયન, સ્તુતિસ્તોત્રાદિનાં સંપૂર્ણ ઉદ્ધરણો, નામોની સૂચિ અને (લાંબી) પાદસૂચિ તથા શુદ્ધિપત્ર પણ આ ગ્રંથની ઉપયોગિતા વધારી દે છે.
આશરે સત્તરમી સદીમાં અજ્ઞાત પણ વિદ્વાન છતાં કોઈક અલગારી ગુજરાતી કવિએ આ ગ્રંથની રચના કરી છે. તે સંભવત: વડોદરાવાસી જ હશે.
આનાં વિશિષ્ટ તીર્થધામોમાં વડોદરા મ. સ. વિશ્વવિદ્યાલય અંતર્ગત ફૅકલ્ટી ઑવ્ આર્ટ્સના આંગણામાં આવેલ વિમલેશ્વર (જેની પાસે વડોદરા વસ્યું), કાયાવરોહણ (જ્યાં નકુલેશ શિવકૃપાથી નહિ પણ વિષ્ણુકૃપાથી અવતરેલા), હરિણીના હનુમાન (જે મૂર્તિ સ્વયં હનુમાને જ રચેલી) જેવાં તીર્થોનો સમાવેશ થાય છે.
વિશ્વામિત્રીનાં તીર્થધામોના સ્કેલ અનુસારના, બે નકશા (1) પર્વત ઉપરનાં અને (2) ઊતર્યા પછીનાં તીર્થોના પ્રકાશિત ગ્રંથનું મહત્વ વધારી દે એ સ્વાભાવિક છે. સંપાદકે મોટાભાગનાં તીર્થોની રૂબરૂ મુલાકાત લઈને નોંધ કરી છે અને કેટલાંકની માહિતી સરકારી દફતરખાનામાંથી પણ ઉતારીને રજૂ કરેલી છે.
આમ, પ્રકાશિત સર્વ માહાત્મ્યગ્રંથોમાં આ ગ્રંથ આગવી ભાત પાડે છે.
જયન્ત પ્રે. ઠાકર