વિશ્વનાથ પ્રતાપસિંગ
February, 2005
વિશ્વનાથ પ્રતાપસિંગ (જ. 25 જૂન 1931, અલ્લાહાબાદ) : અગ્રણી રાજકારણી અને ભારતના છઠ્ઠા વડાપ્રધાન. તેમનો જન્મ દહિયા કુટુંબમાં થયો હતો. માંડાના રાજા રામગોપાલ સિંગ કુટુંબીના નાતે તેમના કાકા થતા હતા. તેમણે પાંચ વર્ષની ઉંમરે વિશ્વનાથને દત્તક લીધા. માધ્યમિક શાળાનો અભ્યાસ તેમણે અલ્લાહાબાદ અને દહેરાદૂનમાં કર્યો; પરંતુ તેમની કિશોરાવસ્થા દત્તક લેવાયા અંગેના પ્રશ્નો, કાનૂની ઘર્ષણ, વાલીપણાના અધિકારો તથા કાવાદાવાથી ચહેરાયેલી રહી હતી. વિદ્યાર્થી તરીકે તેઓ અભ્યાસમાં તેજસ્વી હતા અને ઉદય પ્રતાપ કૉલેજ, વારાણસીમાંથી વિનયનના સ્નાતક બન્યા. પછી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક બન્યા અને સીતાદેવી સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1961માં પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી વિજ્ઞાનના સ્નાતક થયા બાદ તેઓ અલ્લાહાબાદ આવી અનુસ્નાતક અભ્યાસક્રમમાં જોડાયા, પરંતુ અધવચ્ચે અભ્યાસ છોડી રાજકારણમાં પ્રવેશ્યા.
આ સમયે તેઓ ગાંધીવિચારોથી અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. વળી માંડાના ભાવિ રાજા તરીકે જાણીતા હતા. તેઓ કૉંગ્રેસની વિચારધારાથી પરિચિત હોવાથી રેંટિયો ચલાવવો અને ખાદી પહેરવા જેવા આચાર-વિચારમાં ચુસ્ત હતા. 1957માં વિનોબા ભાવે સાથેની મુલાકાતના પ્રભાવ હેઠળ તેમણે ભૂદાન-આંદોલનમાં જમીન દાનમાં આપી હતી.
લાલબહાદુર શાસ્ત્રી સાથેનો પરિચય તેમને રાજકારણમાં લઈ આવ્યો. 1969માં કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર તેઓ વિજયી બની ઉત્તર પ્રદેશની વિધાનસભામાં પ્રવેશ્યા, 1971માં લોકસભાના સભ્ય બન્યા તેમજ કૉંગ્રેસની સામાન્ય સમિતિ તથા સંસદીય સમિતિના સભ્ય બન્યા. વધુમાં 1977થી 1980 સુધી ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી તરીકે કાર્ય કર્યું. 1974 અને 1976માં કેન્દ્ર સરકારમાં નાયબ વાણિજ્યમંત્રી બન્યા અને 1980માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તરીકે રાજ્યમાંના ડાકુઓની પ્રવૃત્તિનો અંત લાવવાનું આહ્વાન તેમણે સ્વીકાર્યું, પણ ડાકુ-પ્રવૃત્તિ પર કોઈ અસરકારક અંકુશ તેમની સરકાર લાદી શકી નહિ. આ જ ગાળામાં ડાકુઓએ તેમના ભાઈની હત્યા કરી. તેમની સરકારની આ નિષ્ફળતા બદલ તેમણે રાજીનામું આપ્યું ત્યારે પ્રામાણિક રાજકારણી તરીકેની તેમની છાપ ઘણી ઊંચાઈએ પહોંચી.
ઇંદિરા ગાંધીની નજરમાં તેઓ ઘણા વિશ્વાસપાત્ર હોવાથી 1983માં તેઓ વાણિજ્ય-મંત્રી બન્યા. રાજીવ ગાંધીની સરકારમાં તેમણે નાણામંત્રાલયનો હવાલો સંભાળ્યો. સારા અને પ્રામાણિક વહીવટદાર, નવા પરિવર્તનના ચાહક તેમજ સમસ્યાઓ અંગે મુક્ત ચર્ચાના હિમાયતી તરીકે તેઓ રાજકીય જીવનનું આદરપાત્ર નામ બન્યા. 1987માં નાણામંત્રી તરીકે મોટા ઔદ્યોગિક ગૃહો પર છાપા (raid) પાડવાના તેમના નિર્ણયને કારણે તેમની લોકપ્રિયતાનો આંક ઝાંખો પડ્યો અને તેઓ સંરક્ષણમંત્રી બન્યા. બોફૉર્સ તોપના મુદ્દે સંરક્ષણ-કરારમાં કૌભાંડ થયું હોવાની માહિતી બહાર આવતાં તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર દોષ ઢોળતાં તેઓ વિવાદાસ્પદ બન્યા અને સરકારમાંથી રાજીનામું આપ્યું. આ જ વર્ષે કૉંગ્રેસ પક્ષમાંથી તેમની હકાલપટ્ટી થતાં તેમણે જનમોરચો રચ્યો. 1988માં લોકસભામાં તેઓ ચૂંટાયા અને રાષ્ટ્રીય મોરચાના સંચાલક (convener) બન્યા. ત્યારબાદ તેમણે જનતાદળની રચના કરી. 1989માં ફતેહપુર મતવિસ્તારમાંથી તેઓ લોકસભામાં ચૂંટાયા. ચૂંટણીમાં રાષ્ટ્રીય મોરચાએ 197 બેઠકો મેળવી, જેથી બહુમતી ઊભી કરવા તેમણે ભાજપનો બહારથી ટેકો મેળવી સરકાર રચી; ડિસેમ્બર 1989થી નવેમ્બર 1990 સુધી તેઓ ભારતના છઠ્ઠા વડાપ્રધાન તરીકે હોદ્દા પર રહ્યા. ટૂંકા ગાળાના આ વડાપ્રધાનપદ દરમિયાન તેઓ ભારે વિવાદાસ્પદ રહ્યા, કારણ કે 1980માં મંડલ પંચે ‘પછાત જાતિઓ’ અંગે એક અહેવાલ સુપરત કર્યો હતો, તે તેમણે 7 ઑગસ્ટ 1990ના રોજ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપરાંત અન્ય ‘પછાત જાતિઓ’ને કેન્દ્રમાં અને રાજ્યમાં સરકારી નોકરીઓ અને અન્યત્ર અનામત બેઠકો ફાળવવામાં આવશે તેમ નક્કી થયું હતું. આથી દિલ્હીમાં અને દેશના અન્ય ભાગોમાં ભારે હિંસા ફેલાઈ. અનેક યુવાનોએ આ અન્યાયી નિર્ણય સામે ખુલ્લેઆમ આત્મવિલોપન કર્યું. આથી ભાજપે તેમની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો, નાયબ વડાપ્રધાન દેવીલાલ સાથે ભારે મતભેદો સર્જાયા. સરકાર બહુમતી ધરાવતી નહોતી તે સ્પષ્ટ થતાં લોકસભામાં વિશ્વાસનો મત લેવાનો નિર્ણય લેવાયો. લોકસભામાં 10 નવેમ્બર 1990ના રોજ સરકાર વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ જતાં તેમને હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પડી. આમ વિવાદાસ્પદ રાજકારણી તરીકે તેમના હોદ્દાનો અંત આવ્યો.
છબીકલા અને ચિત્રકલાના શોખીન આ નેતા કવિતા પણ રચે છે. હાલનાં જીવનનાં પાછળનાં વર્ષોમાં તેઓ લોહીના કૅન્સરનો રોગ પણ ધરાવે છે. વળી તેમને વારંવાર ડાયાલિસિસની સારવાર લેવી પડે છે. અભ્યાસીઓના મતે દૂરદર્શિતાનો અભાવ, વિદેશનીતિ માટે અસમર્થ અને કૉંગ્રેસના પતન માટે જવાબદાર આ રાજકારણી ઊંચી પ્રતિભા દર્શાવવા સમર્થ હતા, પણ એમ કરી શક્યા નહોતા. તે પછી તેઓ રાજકારણમાં ઓછેવત્તે અંશે સક્રિય હોવા છતાં કોઈ પ્રભાવક અસર નિભાવી શક્યા નથી.
રક્ષા મ. વ્યાસ