વિશ્વનાથન્, સીની
February, 2005
વિશ્વનાથન્, સીની (જ. 22 નવેમ્બર 1934, વેલુર, જિ. સાલેમ, તામિલનાડુ) : તમિળ વિવેચક. તાંજાવુર તમિળ યુનિવર્સિટીમાં ‘ભારતીઝ પોએટિક વકર્સ’ના મુખ્ય સંપાદક રહેલા.
તેમણે અત્યાર સુધીમાં 40 ગ્રંથો આપ્યા છે. ‘ચક્રવર્ધિની’ (1979); ‘ભારતીચીન ‘ઇન્ડિયા’ કટ્ટુરાઇકલ’ (1985); ‘અરવિંદોઝ માકિમાઇ’ (1990) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘મહાકવિ ભારતી : નૂલ પિયર કોવઇ’ (1981) ગ્રંથસૂચિ; ‘મહાકવિ ભારતી : સિલા પથિયા ઉન્માઇકલ’ (1984); ‘ભારતી આઇવુકલ : સિલા સિક્કલકલ’ (1985); ‘મહાકવિ ભારતી વરાલરુ’ (1996) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે.
ભારતી અને સંગીત અંગે સંશોધન માટે તેમને ભારત સરકાર તરફથી 1993-95ના વર્ષ માટે સિનિયર ફેલોશિપ આપવામાં આવી હતી. તાંજાવુર ભારતી તમિળ સંગમ તરફથી તેમને ‘ભારતી પુગળ પર્વમ પુન્નિયાર’; ચેન્નાઈ સેન્ટર ઑવ્ ભાષા સંગમ, અલ્લાહાબાદ તરફથી ‘રત્નદીપમ્’; ભારતી કલાઈ કઝગમ, ચેન્નાઈ તરફથી ‘ભારતી ઇલક્કિય સેલ્વર’ના ખિતાબ તેમને આપવામાં આવ્યા હતા.
બળદેવભાઈ કનીજિયા