વિશ્વનાથન્, વી. (. 27 ફેબ્રુઆરી 1940, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર.

ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફટ્સમાં અભ્યાસ કરીને 1962માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ અભ્યાસ માટે તેમને કેરળ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ મળેલી.

સીધી અને વક્ર રેખાઓ વડે અમૂર્ત અભિવ્યક્તિ કરતી અલ્પતમ (minimalist) કલા સર્જવાનું વિશ્વનાથનને પસંદ કર્યું છે.

વિશ્વનાથનનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનોની માહિતી :

સ્થળ સાલ
ચેન્નાઈ 1966, 1968, 1987
બૅંગાલુરુ 1967, 1986, 1999, 2000, 2001
મુંબઈ 1971, 1975, 1980, 1982, 1989
કોચી 1972, 1985
દિલ્હી 1974, 1988
પૅરિસ 1968, 1970, 1975, 1981, 1990, 1998
કોપનહેગન 1969, 1970
બોર્ગોસેસી (ઇટાલી) 1974
સ્ટ્રાસ્બર્ગ 1977, 1981

વિશ્વનાથન્ને દેશવિદેશના ઍવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેમાં ભારતની કેન્દ્રીય લલિતકલા અકાદમીનો નૅશનલ ઍવૉર્ડ (1968), ફ્રાન્સનો ‘કાન્યે સુ મે’ (1971) તથા ઇટાલીનો ‘પ્રેમિયો નૅશનાલે સિતા દિ (Premio Nazionale Citta di) બોર્ગોસેસિયા’નો સમાવેશ થાય છે.

પૅરિસના ‘સી. એન. એ. સી. મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ’ તથા દિલ્હી ખાતેની અને ચેન્નાઈ ખાતેની ‘નૅશનલ ગૅલેરી ઑવ્ મૉડર્ન આર્ટ’માં તેમનાં ચિત્રો કાયમી ધોરણે સંઘરાયા છે તથા પ્રદર્શિત છે.

તામિલનાડુમાં સ્થપાયેલા કલાકાર જૂથ ‘ચોલમન્ડલમ્ આર્ટિસ્ટ વિલેજ’ના તે સભ્ય હતા. હાલમાં તે પૅરિસમાં રહી કલાસર્જન કરે છે.

અમિતાભ મડિયા