વિશ્વનાથન્, ટી.
February, 2005
વિશ્વનાથન્, ટી. (જ. 1940, ગુડિયાટ્ટમ, તામિલનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી 1963માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછી તેઓ સમગ્ર ભારતમાં સમૂહ-પ્રદર્શનોમાં સતત ભાગ લેતા રહ્યા છે. એ જ રીતે દેશમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો પણ સતત કરતા રહ્યા છે.
વનોપવનોમાં વિહાર કરતી નવયૌવનાઓ વિશ્વનાથનનાં ચિત્રોનો મુખ્ય વિષય છે. તેમાં પ્રકૃતિ અને માનવઆકૃતિઓ વચ્ચે તેમણે સુંદર સંતુલનો સિદ્ધ કર્યાં છે. વિશ્વનાથનની નવયૌવનાઓના કાળા કેશની જાડી ઘટા બહુધા પગની પાની સુધી પહોંચતી જોવા મળે છે. તેમનાં સ્તનો વિશાળ કદમાં ગોળાકારમાં ઊપસેલાં જોવા મળે છે.
વિશ્વનાથનને હૈદરાબાદ આર્ટ સોસાયટી, વિજયવાડા આર્ટ સોસાયટી, તામિલનાડુ સ્ટેટ લલિતકલા અકાદમી, મૈસૂર સ્ટેટ લલિતકલા અકાદમી, ચિત્રકલા પરિષદ બૅંગાલુરુ અને લંડનની કૉમનવેલ્થ આર્ટ એક્ઝિબિશનના ખિતાબો મળેલા છે. હાલમાં તેઓ ચેન્નાઈમાં રહીને કલાસર્જન કરે છે.
અમિતાભ મડિયા