વિશ્વનાથન્ કે. કે.
February, 2005
વિશ્વનાથન્, કે. કે. (જ. 4 નવેમ્બર 1914, મોતનચેરી, કોચી/કોચીન; અ. 17 સપ્ટેમ્બર 1992, કોચી) : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને કેરળ કૉંગ્રેસના સંનિષ્ઠ, સક્રિય અને અગ્રણી નેતા. ત્રિચુર, અર્નાકુલમ અને ત્રિવેન્દ્રમ એમ વિવિધ સ્થળોએ તેમણે શિક્ષણ મેળવ્યું. 1938માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેઓ કાયદાના સ્નાતક થયા અને તે જ વર્ષથી કોચીનમાંથી કાનૂની ક્ષેત્રના વ્યવસાયની શરૂઆત કરી. આ પ્રારંભિક વર્ષોમાં વ્યવસાય સાથે તેમણે સ્થાનિક શાળાની શિક્ષણવ્યવસ્થામાં જોડાવા ઉપરાંત ટ્રેડ યુનિયન પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લીધો. કોચીનમાંના ગોદી-કામદારોનું સંગઠન રચ્યું.
આ પ્રવૃત્તિઓ સાથે તેમણે કોચીન પ્રજામંડળનું સભ્યપદ સ્વીકાર્યું. આ સંગઠન ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સીધી રીતે સંકળાયેલું હતું. આ સંગઠનની ટિકિટ પર 1948માં તેઓ કોચીન લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય ચૂંટાયા ત્યારથી તેમની રાજકીય કારકિર્દીનો આરંભ થયો. 1949માં ત્રાવણકોર અને કોચીનનું જોડાણ થતાં તેઓ આપોઆપ બંને રાજ્યોની સંયુક્ત પ્રતિનિધિસભાના સભ્ય બન્યા. આ અરસામાં પુખ્તવયમતાધિકારના ફેલાવા અંગે તેમણે નોંધપાત્ર કામગીરી કેરળમાં કરી. 1950માં કૉંગ્રેસ પ્રજામંડળના એલાનને કારણે તેમણે આ પ્રતિનિધિસભામાંથી રાજીનામું આપ્યું.
આ પછી તેમણે જનસમાજની કલ્યાણપ્રવૃત્તિઓમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ગંભીરતાપૂર્વક આ વિસ્તારમાંની કલ્યાણપ્રવૃત્તિઓની કામગીરી બજાવી, અગ્રણી સામાજિક કાર્યકર તરીકે સ્થાન મેળવ્યું. તે સાથે કૉંગ્રેસ-પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. આઝાદી બાદ નવેમ્બર 1956માં કેરળ રાજ્યની રચના થઈ ત્યારે તેઓ કેરળ કૉંગ્રેસ વિધાનસભા પક્ષના મહામંત્રી ચૂંટાયા. તેમણે ઊંચા કાર્યોત્સાહ સાથે નબળા વર્ગો માટેની કામગીરી ચાલુ રાખી તેથી કેરળનાં અગ્રગણ્ય રાજકીય વર્તુળોમાં તેમની વિશેષ નામના ઊભી થઈ. વિરોધપક્ષોએ પણ એક નિષ્ઠાવાન અને સમર્પિત કાર્યકર તરીકે તેમને માન્ય રાખ્યા. જમીનસુધારા અંગેના નિષ્ણાત તરીકે તેમના અભિપ્રાયો નોંધપાત્ર ગણાતા. આ તબક્કે કાયદાના ક્ષેત્રમાંની ધીકતી કમાણી છોડી તેમણે પૂરા સમયના કાર્યકર તરીકે પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો. 1957થી 1960 કેરળ પ્રદેશ કૉંગ્રેસ વિધાનસભા પક્ષના અને પછી 1960થી 1964 તેમજ 1966થી 1969 કેરળ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના તેઓ મહામંત્રી રહ્યા હતા.
1959માં મોટી બહુમતીથી તેઓ કેરળ વિધાનસભાના સભ્ય ચૂંટાયા. એ સમયે રચાયેલી સંયુક્ત સરકારને અને પછીથી રચાયેલી કૉંગ્રેસ પક્ષની સરકારને તેમણે રાજ્યમાં જમીનસુધારા અંગે પગલાં ભરવામાં ભારે સહાય કરી.
વધુમાં તેઓ ‘ધ રિપબ્લિક’ નામના મલયાળમ્ સાપ્તાહિકનું સંપાદનકાર્ય સંભાળતા. તેમાં તેમણે પ્રજાહિતના પ્રશ્નોને વાચા આપી. 1966માં કેરળના અર્નાકુલમ ખાતે પ્રથમ વાર અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની બેઠક યોજાયેલી જેની સંપૂર્ણ વ્યવસ્થા તેમણે સંભાળી હતી. 1969માં કૉંગ્રેસનું રાષ્ટ્રીય કક્ષાએ વિભાજન થયું ત્યારે તેઓ કેરળ પ્રદેશ કૉંગ્રેસના કામચલાઉ વડા હતા. આ સમયે પ્રદેશ કૉંગ્રેસને તેમણે મજબૂતીથી ટકાવી રાખી, તેની પુનર્રચના કરી. 1970માં અને 1972માં તેઓ કેરળ પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતા. આ ઉપરાંત અનેક સંગઠનીય અને સરકારી સંસ્થાઓમાં તેમણે કામ કર્યું. પ્રથમ અને બીજી પંચવર્ષીય યોજના દરમિયાન અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટે રાજ્યકક્ષાની સમિતિના તેઓ અધ્યક્ષ હતા. વધુમાં રાજ્યની ખાદ્યાન્ન સલાહકાર સમિતિ, જાહેર તંદુરસ્તી સલાહકાર સમિતિ, જમીનસુધારા સમિતિ, રાજ્ય-આયોજન સલાહકાર સમિતિ જેવી ઘણી સમિતિઓના વિવિધ હોદ્દાઓ પર રહી તેમણે કેરળમાં દીર્ઘ અને સક્રિય જાહેર જીવન પ્રત્યે ભારે નિસબત દાખવી. આ સાથે નારાયણ ગુરુ જન્મ શતાબ્દીની ઉજવણી કરી, વિવિધ ટ્રેડ યુનિયનોનું પ્રમુખપદ શોભાવ્યું અને સતત બે દાયકા સુધી મજૂરકલ્યાણ કાર્યક્રમોમાં કામગીરી બજાવી. હરિજન-પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા. રાજ્યમાં હોટેલ અને અન્ય જાહેર સ્થાનોમાં હરિજનોને મુક્ત પ્રવેશ અપાય તે માટે તેઓ સક્રિય રહ્યા. કૉંગ્રેસ સેવાદળના 25,000 સ્વયંસેવકોને તાલીમ આપવામાં અને સંગઠનને વિકસાવવામાં તેમની ભૂમિકા પ્રશંસનીય હતી. જાહેરજીવનની સુદીર્ઘ અને સક્રિય કારકિર્દીને કારણે તેઓ રાજ્યના યુવાવર્ગના મિત્ર અને રાહબર હતા. હૃદયરોગને કારણેે કોચી ખાતે તેમનું અવસાન થયું હતું.
4 એપ્રિલ 1973થી 13 ઑગસ્ટ 1978 સુધી તેમણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી હતી. આ કાર્યકાળ દરમિયાન સક્રિય રાજકીય પ્રવૃત્તિથી દૂર રહી તેમણે રાજ્યપાલના પદને શોભાવ્યું હતું.
રક્ષા મ. વ્યાસ