વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન (Analytical psychology)

February, 2005

વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન (Analytical psychology) : મનના વિસ્તારો, વ્યક્તિત્વનું માળખું અને પ્રકારો વગેરે વિશેના મનશ્ચિકિત્સક કાર્લ યુંગના સિદ્ધાંતો, તેમજ મનોવિશ્લેષણ કરવાનો તેમનો અભિગમ અને પદ્ધતિ રજૂ કરતું મનોવિજ્ઞાન.

યુંગે મનના ત્રણ વિસ્તારો દર્શાવ્યા છે : ચેતન મન, વ્યક્તિગત અચેતન મન અને સામૂહિક અચેતન મન. ચેતન મન સૌથી બહાર, સપાટી ઉપર હોય છે. વ્યક્તિગત અચેતન વચ્ચે અને સામૂહિક અચેતન સૌથી નીચે, મનના ઊંડાણમાં હોય છે. ચેતન મન વ્યક્તિત્વનો પ્રગટ ભાગ દર્શાવે છે. આ ભાગના કેન્દ્રમાં વ્યક્તિનો અહમ્ (ego) હોય છે. તેની આસપાસ વિવિધ મહોરાં (masks) હોય છે, જે સંજોગો મુજબ બીજા લોકો પર પોતાની વિશિષ્ટ છાપ પાડવા માટે વ્યક્તિ ધારણ કરે છે. (જેવું પાત્ર ભજવવાનું હોય એવું મહોરું પહેરીને અભિનેતા મંચ ઉપર આવે છે એ જ રીતે.) વ્યક્તિત્વનો પ્રગટ ભાગ દરેક વ્યક્તિનો પોતાનો આગવો હોય છે.

વ્યક્તિગત અચેતન મન વ્યક્તિત્વ માળખાના વચલા સ્તરનો નિર્દેશ કરે છે. આ વચલા સ્તરના કેંદ્રમાં સ્વ (self) હોય છે. ‘અહમ્’ વ્યક્તિત્વનું માત્ર સંપૂર્ણ ચેતન પાસું જ સૂચવે છે; જ્યારે ‘સ્વ’ ચેતન અને અચેતનની આંતરક્રિયામાંથી વિકસે છે. સ્વની આસપાસ વિવિધ આદ્યસંસ્કારોનું જાળું રચાય છે, જેમાંથી ત્રણ વિશેષ નોંધપાત્ર છે : સ્ત્રીભાવપ્રતિમા (anima), પુરુષભાવપ્રતિમા (animus) અને તમસ્ કે છાયા (shadow).

યુંગ માનતા કે દરેક વ્યક્તિના મનના ઊંડાણમાં પોતાનાથી સામી જાતિ જેવાં લક્ષણો અને મનોવલણો આવે છે. પુરુષના અચેતન મનમાં સ્ત્રીભાવ કે સ્ત્રૈણત્વનું મનોવલણ આવે છે, જ્યારે સ્ત્રીના અચેતન મનમાં પુરુષભાવનું મનોવલણ આવે છે. આવું વલણ સામી જાતિની વ્યક્તિને સમજવામાં અને તેને યોગ્ય પ્રતિભાવ આપવામાં ઉપયોગી બને છે.

તમસ્ : વ્યક્તિત્વના વચલા સ્તરમાં તમસનો પણ સમાવેશ થાય છે. એમાં આવેશો, બેકાબૂ સહજવૃત્તિઓ, અસંસ્કારી ઇચ્છાઓ અને આવેગો હોય છે, જે વ્યક્તિગત તેમજ સામૂહિક અચેતનમાંથી આવે છે. તે મહોરાંને અને ચેતન મનને ધમકી રૂપ હોય છે. જે સમાજ વ્યક્તિઓના વર્તન ઉપર વધારે પડતાં કડક નિયંત્રણો મૂકે છે તે સમાજના સભ્યોના અચેતન મનમાં તમસનો વિસ્તાર વધારે મોટો હોય છે.

વચલા સ્તરનો મોટો વિસ્તાર ભાવગ્રંથિઓ(complexes)નો બનેલો હોય છે. વ્યક્તિને જે પદાર્થોનો કે ખ્યાલોનો વારંવાર અનુભવ થતો હોય તેની આસપાસ તેનાં જ્ઞાન, વિચારો અને ભાવોનું જાળું બને છે. નવા અનુભવો ઉમેરાતાં આ ભાવગ્રંથિઓનાં વ્યાપ અને શક્તિ વધે છે.

યુંગ મુજબ વ્યક્તિત્વનું માળખું

વ્યક્તિત્વના સૌથી નીચેના વિસ્તારમાં આદ્યસંસ્કારો archetypes પડેલા હોય છે. વિશિષ્ટ સંસ્કૃતિમાં આદિકાળથી ઉદ્ભવીને સદીઓથી પ્રચલિત રહેલા પ્રબળ સાર્વત્રિક ખ્યાલો, છાપો, મનોવલણો, પ્રતીકો અને સ્મૃતિઓ આ આદ્યસંસ્કારોમાં રેખાંકિત બનીને પડેલાં હોય છે. તે વ્યક્તિને વારસામાં મળે છે; પણ તે વ્યક્તિને તદ્દન અજ્ઞાત હોય છે. દા.ત., ‘પ્રેમાળ માતા’, ‘વિજયી નાયક’, ‘દયાળુ ઈશ્વર’. એ આદ્યસંસ્કારોના વિષયો અને પ્રસંગો સ્વપ્નોમાં અને પુરાણકથાઓમાં આવતા વિષયો અને પ્રસંગો જેવા હોય છે. મધ્યવયે કે તે પછી જ્યારે વ્યક્તિ પોતાનામાં રહેલાં ચેતન-અચેતન, પૌરુષ-સ્ત્રૈણ જેવાં પરસ્પર વિરોધી બળોનો સમન્વય સાધે ત્યારે તેના વ્યક્તિત્વમાં એકતા ઉદ્ભવે છે. તે નીચલા સ્તરના કેંદ્રમાં હોય છે.

દ્વિધ્રુવવાદ : યુંગના મતે તરુણાવસ્થાથી મધ્યવય સુધી માણસના વ્યક્તિત્વમાં વર્તનતરેહના સામસામા છેડાઓ કે પરસ્પર વિરોધી લક્ષણોનું વર્ચસ્ હોય છે. દા.ત., ચેતન-અચેતન, વ્યક્તિગત-સામૂહિક, અંતર્મુખ-બહિર્મુખ, સર્જક-વિનાશક, પુરુષત્વ-સ્ત્રૈણત્વ વગેરે. માણસ પરિપક્વ ન બને ત્યાં સુધી આવા વિરોધી ધ્રુવો વચ્ચે વારંવાર વિસંવાદ અને સંઘર્ષ થાય છે. વ્યક્તિ મધ્યવયે (આશરે 35થી 45 વર્ષ દરમિયાન) આ વિરોધી છેડાઓ વચ્ચે સમતુલા અને સમન્વય સ્થાપે છે અને સુગ્રથિત વ્યક્તિત્વની દિશામાં આગળ વધે છે.

યુંગ કહે છે કે દરેક વ્યક્તિમાં જીવન માટેની સર્વસામાન્ય ઊર્જા (energy) હોય છે. એમાં શારીરિક અને માનસિક બન્ને પ્રકારની ઊર્જાનો સમાવેશ થાય છે. માનસિક ઊર્જા માત્ર કામુકતા (ફ્રોઇડના અર્થમાં libido) પૂરતી મર્યાદિત નથી. વિવિધ પ્રસંગોમાં એ ઊર્જા વિવિધ લક્ષ્યો (સિદ્ધિ મેળવવી, પ્રભાવ વધારવો વગેરે) પાછળ સક્રિય બને છે. શરૂઆતમાં વ્યક્તિની સ્વ-જાળવણી અને વંશની જાળવણી જેવી જૈવ જરૂરિયાતો પાછળ ઊર્જા વપરાય છે. જૈવ જરૂરિયાતો તૃપ્ત થયા પછી ઊર્જા સામાજિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક જરૂરિયાતોમાં વપરાય છે.

ઊર્જાના પ્રમાણ અંગે બે નિયમો છે : (1) તુલ્યતાનો નિયમ જણાવે છે કે ઊર્જા કદી નાશ પામતી નથી. વ્યક્તિમાં તેનો જથ્થો જળવાઈ રહે છે. માત્ર ઊર્જાનું સ્થાનાંતર કે રૂપાંતર થાય છે. (2) સમતુલાનો નિયમ જણાવે છે કે જો વ્યક્તિત્વના એક ભાગમાં ઊર્જાનો મોટો જથ્થો કે બોજો હોય અને બીજા ભાગમાં નાનો જથ્થો હોય, તો ઊર્જા પહેલા ભાગથી બીજા ભાગ તરફ વહે છે. એ રીતે વ્યક્તિત્વના ભાગો વચ્ચે ઊર્જાની સમતુલા સ્થપાય છે.

વ્યક્તિત્વમાં ઊર્જાની ગતિ અંગે બીજા બે નિયમો છે : (1) પ્રગતિનો નિયમ કહે છે કે જ્યારે વ્યક્તિત્વના બે વિરોધી ધ્રુવો સમતોલ હોય, ત્યારે ઊર્જા એ માણસના અચેતન મનમાંથી ચેતન મનમાં વહે છે. તેથી એનું વ્યક્તિત્વ વધારે વિકસીને પરિપક્વ બને છે અને એ પ્રસન્નતા અનુભવે છે. (2) પરાગતિનો નિયમ કહે છે કે જો વ્યક્તિ પોતાના વ્યક્તિત્વના એક ભાગમાં ઊર્જાને રોકી રાખવાનો પ્રયત્ન કરે તો પ્રવાહ અટકવાથી વ્યક્તિત્વના વિરોધી ધ્રુવો છૂટા પડે છે. વ્યક્તિ અસુખ અને સંઘર્ષ અનુભવે છે અને એના વ્યક્તિત્વમાં પીછેહઠ થાય છે.

યુંગને મતે આજના જમાનામાં અચેતન મનની ઉપેક્ષા કરીને ચેતન મન ઉપર જ વધારે પડતો ભાર મૂકવામાં આવે છે. તેથી આજના માનવને પોતાના અચેતન મનનો આધાર લેવાનું સૂઝતું જ નથી. તેથી તે મનના ઊંડાણમાં છુપાયેલી સ્મૃતિઓ, ઉંબર નીચેના પ્રત્યક્ષ અનુભવો, સ્વપ્નો કે તરંગોનો પોતાના વ્યક્તિત્વવિકાસ માટે ઉપયોગ કરવાની તકો ગુમાવી બેસે છે.

વ્યક્તિત્વનું વિશ્લેષણ : યુંગ મનોવલણો અને કાર્યોના આધારે વ્યક્તિત્વનું વિશ્લેષણ કરે છે, વ્યક્તિની ઊર્જા બેમાંથી એક દિશામાં વહે છે : બહાર તરફ કે અંદર તરફ. તેથી મનોવલણ કે દિશા મુજબ બહિર્મુખ વ્યક્તિ અને અંતર્મુખ વ્યક્તિ એમ બે પ્રકારો પડે છે. બહિર્મુખ વ્યક્તિની ઊર્જા બહારના લોકો અને પદાર્થો તરફ વહે છે. તે વારંવાર બહાર જાય છે, બાહ્ય પ્રવૃત્તિઓમાં ભળે છે. અન્ય લોકો અને વસ્તુઓમાં ખાસ રસ લે છે અને મિલનસાર તેમજ વ્યવહારુ હોય છે. અંતર્મુખ વ્યક્તિ વિચારો અને મૂલ્યોમાં વધારે રસ લે છે. વારંવાર કલ્પનાઓ કરે છે. સિદ્ધાંતવાદી હોય છે અને એકલા રહેવાનું પસંદ કરે છે. અંતર્મુખતા કે બહિર્મુખતાની એ માણસના જીવનની તરેહ ઉપર અને અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો ઉપર મહત્વની અસર પડે છે.

મનનાં ચાર કાર્યો છે : સંવેદન, વિચાર, લાગણી અને આપસૂઝ (intuition). સંવેદન વ્યક્તિને જગત વિશે અને પોતાને વિશે નક્કર માહિતી આપે છે. આપણે પ્રત્યક્ષ વસ્તુની ઓળખ અને અર્થઘટન વિચારણા વડે કરીએ છીએ. વસ્તુ ઇષ્ટ છે કે અનિષ્ટ એનું મૂલ્યાંકન આપણે લાગણી વડે કરીએ છીએ. હાલની પરિસ્થિતિમાં છુપાયેલી વિવિધ શક્યતાઓનું સૂચન આપસૂઝથી થાય છે. આદર્શ વ્યક્તિમાં આ ચારે કાર્યોનો વિકાસ સમતોલ અને સંવાદી રીતે થાય છે. પણ મોટાભાગના માણસોમાં આમાંનું કોઈ એક કાર્ય વધારે વિકસિત અને પ્રભાવક બની જાય છે અને બાકીનાં કાર્યો ગૌણ બને છે.

માણસના વ્યક્તિત્વમાં આમાંનું જે કાર્ય વધારે વિકસિત અને મહત્વનું બને એ પ્રમાણે તેના વ્યક્તિત્વના 4 પ્રકાર પડે છે : સંવેદક વ્યક્તિત્વ, વિચારકેંદ્રી વ્યક્તિત્વ, અનુભૂતિ (લાગણી) કેન્દ્રી વ્યક્તિત્વ અને અંત:પ્રેરિત વ્યક્તિત્વ.

મનનાં કાર્યોનું સ્વરૂપ અને સંબંધો

બહિર્મુખ અને અંતર્મુખ એ બંને પ્રકારોમાં આ ચાર પેટા-પ્રકારો પડે છે. એ રીતે બહિર્મુખ સંવેદક વ્યક્તિત્વ, બહિર્મુખ વિચારલક્ષી વ્યક્તિત્વ, બહિર્મુખ લાગણીકેન્દ્રી વ્યક્તિત્વ, બહિર્મુખ અંતર્જ્ઞાની વ્યક્તિત્વ, અંતર્મુખ સંવેદક, અંતર્મુખ વિચારલક્ષી, અંતર્મુખ લાગણીકેન્દ્રી અને અંતર્મુખ અંત:પ્રેરિત વ્યક્તિત્વ એમ પ્રકારો પડે છે.

વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનમાં વ્યક્તિવિકાસના ત્રણ તબક્કા દર્શાવ્યા છે : પહેલો તબક્કો જન્મથી પાંચ વર્ષની વય સુધીનો છે. એમાં બાળક પોતાની ઊર્જાનો ઉપયોગ ચાલવું, બોલવું અને અન્ય કૌશલ્યોને વિકસાવવામાં કરે છે. આ કૌશલ્યો તેને જીવન ટકાવવા માટે જરૂરી હોય છે.

બીજો તબક્કો છ વર્ષથી મધ્ય વય (આશરે 37 વર્ષની વય) સુધીનો હોય છે. આ તબક્કામાં વ્યક્તિ પોતાની ઊર્જાનો ઉપયોગ જાતીય લક્ષ્યો મેળવવા માટે કરે છે. તરુણાવસ્થામાં આ તરેહ તેની ટોચ પર હોય છે. પછી તે સ્થિર બને છે. વ્યક્તિ પરણે છે અને વૈવાહિક પૈતૃક તેમજ વ્યાવસાયિક જવાબદારીઓ નિભાવે છે. આ તબક્કામાં વ્યક્તિ શક્તિમાન, બહિર્ગામી, ઉત્કટ અનુરાગી અને કૈંક આવેશમય હોય છે.

ત્રીજો તબક્કો આશરે 38 વર્ષની વય પછી આવે છે. યુવાવસ્થાનાં પાછલાં વર્ષોમાં અને ત્યારપછી વ્યક્તિની ઊર્જાની દિશા બદલાય છે. તેના સ્વભાવમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે. તે વધારે અંતર્મુખ બનીને તાત્ત્વિક અને આધ્યાત્મિક લક્ષ્યો તરફ ધ્યાન આપે છે.

શરૂઆતનાં વર્ષોમાં ચેતન મનનું જ વર્ચસ્ હોવાથી ચેતન મનનું કેંદ્ર ‘અહમ્’ તેના વ્યક્તિત્વમાં વધારે મહત્વનું હોય છે; તેથી તેના વ્યક્તિત્વનાં બીજાં ઘટકો ઉપેક્ષિત રહે છે અને વ્યક્તિત્વનાં વિવિધ તંત્રો વચ્ચે ઘણી અસમાનતા અને વિસંવાદ રહે છે. જ્યારે વ્યક્તિ પોતાની સ્ત્રીભાવ કે પુરુષભાવ પ્રતિમાને અચેતનમાંથી ચેતન મનમાં લાવવાનું શરૂ કરે ત્યારે તેના વ્યક્તિત્વની એકતા માટેની મથામણ સફળ થવા માંડે છે. આખરે તે ચેતન અને અચેતનની અધવચ્ચે ‘સ્વ’ના વિકાસની સ્થિતિએ પહોંચે છે. અત્યાર સુધી તેના ચેતન અને અચેતન મનનાં તત્ત્વો ઝઘડતાં હતાં, હવે એ તત્ત્વો એના ‘સ્વ’માં સમાઈને સુસંવાદી બને છે. તેનામાં ‘સ્વ’નો વિકાસ થવાથી તેના વ્યક્તિત્વને વધારે સંગીન આધાર મળે છે. જો આ પ્રક્રિયા સતત લાંબો સમય ચાલુ રહે તો વ્યક્તિ ‘સ્વસાક્ષાત્કાર’(self-actualisation)ની સ્થિતિએ પહોંચી જાય છે.

આમ ‘સ્વ’ (self) આપમેળે વિકસતું નથી; ભારે પ્રયત્નપૂર્વક તેને સાધ્ય કરવું પડે છે. વિકસિત સ્વ એ જીવનનું અંતિમ લક્ષ્ય છે, જેને ઘણા ઇચ્છે છે, પણ બહુ ઓછા મેળવે છે. અચેતન મનની રચનાત્મક શક્તિનો ઉપયોગ કરીને ‘સ્વ’ને મેળવવું સરળ નથી. સ્વ પ્રગટે તે પહેલાં વ્યક્તિત્વનાં વિવિધ ઘટકો તેનાં વિવિધ સ્વરૂપોમાં પૂર્ણપણે પ્રગટવાં જોઈએ. એ માટે વ્યક્તિએ પોતાના અચેતન મનનો અંદરનો અવાજ સાંભળવો જોઈએ. અચેતનનાં સર્જક પાસાંનો ઉપયોગ કરી તેનાં કાળાં (વિનાશક) પાસાંનો મુકાબલો કરી પહોંચી વળવું જોઈએ. પરંપરાઓથી જુદા પડીને એકલા જવાની તૈયારી સાથે આપબળે વ્યક્તિત્વ વિકસાવવું પડે છે, આ એક મહત્વની સિદ્ધિ છે. જે લોકો પરંપરાની સલામત મર્યાદામાં જ જીવન વીતાવે છે, તેઓ આવો વિકાસ કરી શકતા નથી.

સ્વ વ્યક્તિત્વને સ્થિરતા, એકતા અને સમતુલા આપે છે. તેમાં વ્યક્તિત્વનાં બધાં પાસાંનું સુસંવાદી સંયોજન થાય છે.

વ્યક્તિત્વનો વિકાસ કરતાં પહેલાં કે મનશ્ચિકિત્સા કરતાં પહેલાં અચેતન મનમાં રહેલી વિવિધ ભાવગ્રંથિઓને ઓળખવી જરૂરી છે. એ માટે યુંગે મુક્ત સાહચર્ય કે સ્વપ્નવિશ્લેષણ જેવી અનુભવ આધારિત પદ્ધતિઓ અને વિવિધ સંસ્કૃતિઓની પુરાણકથાઓના તુલનાત્મક વિશ્લેષણની પદ્ધતિઓનો ઉપયોગ સૂચવ્યો છે.

યુંગની મુક્ત સાહચર્ય પદ્ધતિનો ઉપયોગ ચિકિત્સકના ખંડમાં આરામની અવસ્થામાં નહિ પણ પ્રયોગ રૂપે થાય છે. તેમણે ભાષામાં પ્રચલિત 100 શબ્દો(નામો, વિશેષણો, ક્રિયાપદો)ની યાદી બનાવી. અસીલે એ શબ્દ સાંભળતાં જ એના મનમાં જે પહેલો વિચાર આવે તે બોલવાનો હતો. દા.ત., જાડો ડ્ડ પાતળો, ગાડી ડ્ડ વાહન, વાંચવું ડ્ડ લખવું, વગેરે. એણે આપેલા પ્રતિક્રિયા શબ્દો (ઉત્તરો), એની ઉચ્ચારવાની રીત, એ વખતના એના મુખભાવો, એની પ્રતિક્રિયાનો સમય, આપેલી પ્રતિક્રિયાનો ઉદ્દીપક શબ્દ સાથેનો સંબંધ, વગેરે નોંધવામાં આવે છે. એના વિશ્લેષણ ઉપરથી એ વ્યક્તિની ભાવગ્રંથિઓ શોધાય છે. પછી એ મુજબ મનશ્ચિકિત્સા કરવામાં આવે છે.

યુંગ વ્યક્તિના છૂટક છૂટક સ્વપ્નના અલગ અલગ વિશ્લેષણને યોગ્ય ગણતા નથી. અચેતન મનનાં પાસાંને ઊંડાણથી સમજવા માટે એ વ્યક્તિએ સળંગ ઘણા દિવસો સુધી જોયેલાં સ્વપ્નાંની હારમાળાનું વિશ્લેષણ કરવામાં આવે છે. જે પ્રસંગોનું એમાં પુનરાવર્તન થયું હોય એને જુદા તારવીને એનું અર્થઘટન કરવામાં આવે છે.

વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનના કેટલાક ખ્યાલોની ચકાસણી આનુભવિક રીતે થઈ છે. દા.ત., વ્યક્તિત્વનાં વર્ગીકરણો અંગે થયેલાં સંખ્યાબંધ સંશોધનોનો નિષ્કર્ષ આઇઝૅકે કાઢ્યો છે. તેઓ જણાવે છે કે જેને સૌથી વધારે સંશોધનોનું સમર્થન મળ્યું છે એવાં ત્રણ વર્ગીકરણોમાં યુંગના બહિર્મુખ-અંતર્મુખ પ્રકારોનો સમાવેશ થાય છે.

યુંગે મનોવિજ્ઞાનને આપેલા પ્રદાનમાં નીચેનાનો સમાવેશ થાય છે : (1) સામૂહિક અચેતન અને આદ્યસંસ્કારોના ખ્યાલો વર્તનનાં કેટલાંક પાસાંનું સંતોષકારક સ્પષ્ટીકરણ આપે છે. (2) વ્યક્તિત્વમાં રહેલાં પરસ્પરવિરોધી ધ્રુવોનો ખ્યાલ આગવો અને મહત્વનો બની રહ્યો છે. (3) ‘સ્વ’ના વિકાસનું તેમણે આપેલું વિશ્લેષણ પ્રતીતિકર છે. (4) મુક્ત સાહચર્યનું તેમણે કરેલું પ્રાયોગિક વિશ્લેષણ ઉપયોગી અને લગભગ સર્વસ્વીકૃત બન્યું છે. (5) સાંસ્કૃતિક પરિબળો તેમજ આધ્યાત્મિક મૂલ્યો ઉપર તેમણે મૂકેલો ભાર વાજબી ગણાયો છે. (6) તેમણે આપેલા કેટલાક ખ્યાલો પ્રક્ષેપણ કસોટીઓના પ્રતિભાવોના અર્થઘટનમાં ઘણા ઉપયોગી બન્યા છે. (7) તેમના વિશ્લેષણની અસર રોજર્સના અને માસ્લોના જેવા મહત્વના વ્યક્તિત્વ સિદ્ધાંતો ઉપર સ્પષ્ટ દેખાય છે. (8) તેમની અસર ઇતિહાસના વિશ્લેષણ અને આધુનિક ધર્મચિંતન ઉપર પણ જોવા મળે છે.

વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનની મર્યાદાઓ આ પ્રમાણે છે : (1) આ સિદ્ધાંત રહસ્યવાદી છે. એમાં તત્વચિંતનની પદ્ધતિનો પુષ્કળ ઉપયોગ થયો છે. (2) સિદ્ધાંતના સમર્થનમાં આનુભવિક પુરાવા બહુ ઓછા રજૂ થયા છે. (3) કોઈ સ્પષ્ટ આધાર કે જરૂરિયાત વિના યુંગે નવા નવા ખ્યાલોનો ઉમેરો કર્યે રાખ્યો છે. (4) જુદા જુદા સમયે આ સિદ્ધાંતમાં અસંગત અને કૈંક મનસ્વી ફેરફારો થતા રહ્યા છે. તેથી આ સિદ્ધાંત જટિલ અને ગૂંચવાડાભર્યો બન્યો છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે