વિશ્વંભર પ્રસાદ
February, 2005
વિશ્વંભર પ્રસાદ (જ. 3 ઑગસ્ટ 1918, અસોથર ગામ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે સાહિત્યવિશારદ(પ્રયાગ)ની પદવી મેળવી. તેઓ ફેલો ઑવ્ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ (ભારત) હતા. તેઓ સરકારમાંથી અધીક્ષક ઇજનેરપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ(ભારત)ના હિંદી સલાહકાર રહ્યા તેમજ અનેક સાહિત્યિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલ રહ્યા.
તેમણે અત્યાર સુધીમાં ‘ગુપ્ત-બંધુ’ ઉપનામથી 20 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ભાયપ’ (1958) અને ‘સાવિત્રી’ (1961) તેમના લોકપ્રિય નાટ્યસંગ્રહો છે. ‘ભાગીરથી’ (1960); ‘જાગ્રની મન’ (1969) અને ‘પિતા કી ખોજ’ (1983) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. ‘કુદરતી કૅમેરા’ (1965) વિજ્ઞાનકથા છે; જ્યારે ‘અનલ પ્રકાશ’ (1992) તેમનું મહાકાવ્ય છે. ‘ભારતીય જીવનદર્શન યા સંસ્કૃતિ કા ક, ખ, ગ’ (1995) તેમનો નિબંધસંગ્રહ છે. આ ઉપરાંત તેમણે ઇજનેરી અને સ્થાપત્ય અંગે પણ ગ્રંથો આપ્યા છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1962 અને 1964માં પ્રેસિડેન્ટ ઑવ્ ઇન્ડિયા પ્રાઇઝ; 1962 અને 1964માં બાલસાહિત્ય માટેનો ઍવૉર્ડ; તથા દિલ્હી હિંદી સાહિત્ય સંમેલન અને વિજ્ઞાન પરિષદ, અલ્લાહાબાદ દ્વારા ‘સાહિત્યશ્રી’ અને ‘અગ્રહારી રત્ન’ના ખિતાબો પ્રાપ્ત થયેલા.
બળદેવભાઈ કનીજિયા