વિશિષ્ટ વળાંકો (warping of earth’s crust)
February, 2005
વિશિષ્ટ વળાંકો (warping of earth’s crust) : ગેડીકરણ કે ભંગાણની ઘટના સાથે સંકળાયેલા ન હોય એવા પ્રકારના, પૃથ્વીના પોપડામાં જોવા મળતા વળાંકો. આવા વળાંકો સામાન્ય રીતે માપી શકાય એવા આછા ઢોળાવોવાળા હોય છે. ભૂસ્તરીય અવલોકનો દ્વારા તેમજ કેટલાંક સાધનોથી કરવામાં આવેલાં સર્વેક્ષણો દ્વારા તેમનાં માપ લેવામાં આવેલાં છે અથવા માપનો દર જાણી શકાયો છે. આ પ્રકારના વળાંકો થવા માટેનાં કારણો જુદાં જુદાં હોઈ શકે છે.
ઉત્તર ફિનલૅન્ડમાં છેલ્લાં 9,950 વર્ષમાં અગાઉ અસ્તિત્વ ધરાવતા હિમપટોનું ગલન થતું જવાથી 476 મીટર જેટલું ભૂમિ-ઉત્થાન થયું છે. ભૂમિ-ઉત્થાન હજી આજે પણ ચાલુ છે અને તેનો દર પ્રતિવર્ષ વધુમાં વધુ 1.3 સેમી.નો રહ્યો છે, પરંતુ ડેન્માર્કમાંની સમુદ્રસપાટી સ્થાયી રહી છે. હડસનનો ઉપસાગર વિભાગ પણ આ જ રીતે ઊંચકાઈ રહ્યો છે, પરિણામે ઉત્તર અમેરિકાનાં વિશાળ સરોવરો પ્રતિવર્ષે પ્રતિકિલોમીટર 1 મિમી.ના દરથી દક્ષિણ તરફ ઢળી રહ્યાં છે. આ માટે બરફના થરનો બોજઘટાડો કારણભૂત હોઈ શકે છે.
ત્રિકોણ પ્રદેશો અને કણજમાવટને કારણે થતી બોજવૃદ્ધિને પરિણામે ઘણા સમુદ્રતટો દબતા જાય છે; જેમ કે, હોલૅન્ડનો સમુદ્રતટ તથા ઉત્તર અમેરિકાના ઍટલટિકના કિનારા અને અખાતી સમુદ્રકિનારા પ્રતિવર્ષ આશરે 0.5 સેમી.ના દરથી દબતા જાય છે, તે સાથે સમુદ્રસપાટી પણ પ્રતિવર્ષ 0.1 સેમી.ના દરથી ઉપર આવે છે.
જાપાનમાં અને ઉત્તર અમેરિકાના પૅસિફિક કિનારાઓ પર પર્વત-ઉત્થાન અને સ્તરભંગ થવાથી ભૂકંપ થતા હોય છે, ભૂકંપો દરમિયાન ક્યારેક ત્યાંની ભૂમિસપાટી અમુક મીટર ઊંચકાઈ જાય છે. આ ઘટનાના સંબંધમાં કૅલિફૉર્નિયા અને ન્યૂઝીલૅન્ડમાં જોવા મળ્યું છે તેમ પ્રતિવર્ષ 5 સેમી.ના દરથી ક્ષૈતિજ સંચલનો થયેલાં છે.
ભૂતકાળમાં પણ મોટા પાયા પરના ભૂસંચલનજન્ય વળાંકો થયેલા છે, પરંતુ તેમના દર જાણી શકાયા નથી. ઘણા પર્વતોમાં ઊંચાઈએ જોવા મળતા દરિયાઈ નિક્ષેપો તેમજ તેલકૂવાઓમાં ઊંડાઈએ રહેલા દરિયાઈ નિક્ષેપો પણ વળાંકોના પુરાવારૂપ છે. હવાઈઅન જ્વાળામુખીઓની આજુબાજુના ડૂબી ગયેલા સમુદ્રતટ તેમજ ખાઈઓ બોજવૃદ્ધિને કારણે ઉદ્ભવેલા વળાંકો છે.
કેટલાક નિષ્ણાતો ઘણા મોટા પાયા પર ઉદ્ભવતા વળાંકો માટે ધ્રુવોનાં ભ્રમણ, ખંડીય અપવહન કે પેટાળમાંના ઉષ્ણતાનયનના પ્રવાહોને જવાબદાર ગણાવે છે; પરંતુ તેમનાં અસ્તિત્વ, કારણો તેમજ દરનો વિષય વિવાદાસ્પદ રહ્યો છે. ઘણા લાંબા કાળગાળાથી પૃથ્વી પરના વિશાળ વિસ્તારો ભૂસંતુલન જાળવી રાખી રહ્યા છે, તેમ છતાં ક્યારેક ઉદ્ભવતા વિક્ષેપો વળાંકો ઉત્પન્ન કરી શકે છે.
ગિરીશભાઈ પંડ્યા