વિશિષ્ટ કાર્ય દળ (Special Task Force : STF) : રાજ્યના પોલીસ દળમાંના અમુક જવાનોને તેમની રોજિંદી કામગીરીમાંથી છૂટા કરી વિશિષ્ટ કામગીરી માટે પસંદ કરી બનાવવામાં આવેલી ખાસ ટુકડી. પ્રજાના જાનમાલના રક્ષણ માટે અર્ધલશ્કરી શાસકીય સંગઠન તરીકે પોલીસ દળનું નિર્માણ કરવામાં આવે છે. અધિકૃત રીતે ઘડવામાં આવેલા કાયદાઓનું નાગરિકો પાલન કરે તથા જાહેર શાંતિ અને વ્યવસ્થા સચવાય તે જોવાની પોલીસ દળની મુખ્ય જવાબદારી હોય છે અને તે માટે રાજ્યના ભિન્ન ભિન્ન પ્રદેશોમાંનાં નગરો અને ગામડાંઓમાં પોલીસ દળ નીમવામાં આવતું હોય છે. પોતાના વિસ્તારમાં જાહેર શાંતિ અને વ્યવસ્થા સચવાય તે રીતે પોલીસ દળને પોતાની ફરજ બજાવવાની હોય છે. રાજ્યના ગૃહખાતા હસ્તક પોલીસ સંગઠનને પોતાની કામગીરી કરવાની હોય છે. આ સંગઠન પિરામિડ-આકારનું હોય છે, જેમાં સૌથી નીચલા સ્તરે પોલીસ પટેલ તો સૌથી ઉપલા સ્તરે રાજ્યના મુખ્ય પોલીસ-નિયામક (Director General of Police) હોય છે. પરંતુ ક્યારેક તેમાંથી ખાસ પસંદ કરવામાં આવેલા જવાનોની ટુકડીને જ્યારે વિશિષ્ટ પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે ત્યારે પોલીસોની તે ટુકડીને ‘વિશિષ્ટ કાર્ય દળ’ કહેવામાં આવે છે. આવી ટુકડીઓ કામચલાઉ ધોરણે વિશિષ્ટ કામગીરી અને સમયમર્યાદા પૂરતી જ ઊભી કરવામાં આવેલી હોય છે અને તે ટુકડીને સમયબદ્ધ રીતે પોતાની કામગીરી અદા કરવાની હોય છે. આવી ટુકડીને સોંપવામાં આવેલ કામગીરી પૂરી થાય કે તુરત જ તે દળ વિખેરી નાંખવામાં આવે છે અને તેના જવાનોને ફરી પોતપોતાના મૂળ એકમો(units)માં પાછા મોકલવામાં આવે છે. દા.ત., તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોનાં સીમાવર્તી જંગલોમાં વર્ષોથી ચંદનની દાણચોરીમાં સંડોવાયેલા ખૂંખાર ડાકુ વીરપ્પન દ્વારા તે વિસ્તારોમાં ભયંકર આતંક ફેલાયો હતો. તેણે ચંદનની દાણચોરી કરવા માટે ઘણા હાથીઓની હત્યા કરી હતી. તે ઉપરાંત આશરે 120 જેટલા નિરપરાધ નાગરિકોને કારણ વગર મોતને ઘાટ ઉતાર્યા હતા. તેની ગુનાઈત પ્રવૃત્તિના ભાગ તરીકે તેણે રાજકુમાર જેવા લોકપ્રિય ફિલ્મી કલાકાર તથા કર્ણાટક રાજ્યના એક પૂર્વ મંત્રીનું અપહરણ પણ કર્યું હતું. એવું કહેવાય છે કે રાજકુમારને બાનમાંથી મુક્ત કરવા માટે ખંડણી કે બાનાની રકમ તરીકે વીરપ્પને કરોડો રૂપિયા લીધા હતા. વળી તામિલનાડુ અને કર્ણાટકમાં આતંક અને અરેરાટી ફેલાવવા માટે વીરપ્પને અપહરણ કરેલા કર્ણાટકના પૂર્વ મંત્રીની હત્યા કરી નાંખી હતી. વર્ષોથી ચાલતી વીરપ્પનની દાણચોરીની અને આતંકની આ પ્રવૃત્તિઓ અટકાવવા માટે બંને રાજ્યોના પોલીસ દળે લાંબા સમય સુધી પોતપોતાની રીતે સઘન પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમાં તેમને જરા પણ સફળતા મળી ન હતી. છેવટે બંને રાજ્યોનાં પોલીસ દળમાંથી ખાસ પસંદ કરવામાં આવેલા કુશળ જવાનોનું એક સંયુક્ત વિશિષ્ટ કાર્ય દળ તામિલનાડુ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી કે. વિજયકુમારના નેતૃત્વ (command) હેઠળ ઊભું કરવામાં આવ્યું અને તે દળને વીરપ્પનને ઝબ્બે કરવાની વિશિષ્ટ કામગીરી સોંપવામાં આવી. આ દળે તેને સોંપવામાં આવેલ કામગીરી સુયોજિત રીતે પૂર્ણ કરી હતી અને ‘ઑપરેશન કકૂન’ હેઠળ ઑક્ટોબર 2004માં વીરપ્પન તથા તેના ત્રણ ખૂંખાર સાથીદારોનો સામસામા એક મુકાબલામાં સફાયો કર્યો હતો. તેવી જ રીતે રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં પોતાની માગણીઓ પૂરી કરાવવાના હેતુથી વર્ષ 2004ના નવેમ્બર માસમાં હિંસક પ્રવૃત્તિઓ કરનાર ખેડૂતોને કાબૂમાં લેવા માટે તે રાજ્યના પોલીસખાતામાંથી ખાસ પસંદ કરવામાં આવેલા જવાનોનું એક વિશિષ્ટ કાર્ય દળ ઊભું કરવામાં આવ્યું હતું. આ દળે પણ તેને સોંપવામાં આવેલ કામગીરી સઘન રીતે હાથ ધરી હતી. આવી દરેક ટુકડીનું કદ તેને સોંપવામાં આવેલ કામગીરીનું સ્વરૂપ અને વ્યાપ ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવતું હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે