વિશાખાપટનમ્
February, 2005
વિશાખાપટનમ્ : આંધ્રપ્રદેશનો જિલ્લો, તાલુકો, જિલ્લામથક, તાલુકામથક, મહત્વનું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : તે 17° 12´ ઉ. અ. અને 83° 18´ પૂ. રે.ની આજુબાજુનો 11,161 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે વિજયનગરમ્ જિલ્લો, પૂર્વે બંગાળનો ઉપસાગર, દક્ષિણે પૂર્વ ગોદાવરી જિલ્લો તથા પશ્ચિમે કોરાપુટ જિલ્લો આવેલા છે. જિલ્લાને 32 કિમી. જેટલો દરિયાકિનારો છે. જિલ્લામથક વિશાખાપટનમ્ સમુદ્રકિનારે આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાની પશ્ચિમે પૂર્વઘાટની ટેકરીઓ આવેલી છે. ટેકરીઓથી સમુદ્રકિનારા સુધીનું ભૂપૃષ્ઠ લગભગ સમતળ છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ સમુદ્ર તરફનો છે. જિલ્લાના કુલ વિસ્તારનો આશરે 50 % ભાગ ગીચ જંગલોથી છવાયેલો છે. વાંસ, સાલ, આવળ, બિલી, બિયો, ધાવડો, સોમી અને સાદડ અહીંનાં મુખ્ય વૃક્ષો છે. વૃક્ષોનો મુખ્ય ઉપયોગ લાકડાં મેળવવામાં થાય છે.
જળપરિવાહ : શારદા, વરાહા, ઠંડવા અને નક્કાપલ્લી જિલ્લાની મહત્વની નદીઓ છે. જિલ્લામાં તેમનો વહનમાર્ગ અનુક્રમે 80 કિમી., 61 કિમી. અને 34 કિમી. જેટલો છે.
પેદાશો : જિલ્લાની મહત્વની ખાણપેદાશોમાં બૉક્સાઇટ, ઍપેટાઇટ, ગ્રૅફાઇટ, અબરખ, ક્વાર્ટ્ઝ અને ચૂનાખડકનો સમાવેશ થાય છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં જમીનો ફળદ્રૂપ ન હોવાથી કૃષિ-ઉત્પાદન પ્રમાણમાં ઓછું મળે છે. ડાંગર, જુવાર, બાજરી, રાગી, મગફળી અને શેરડીની ખેતી થાય છે. ઓછો વરસાદ મેળવતા વિસ્તારોમાં ઘાસનું પ્રમાણ વિશેષ રહે છે, તેથી પશુપાલન-પ્રવૃત્તિ અને ડેરી-ઉદ્યોગનો વિકાસ થયો છે. જિલ્લા ખાતેની વિશાખા ડેરી જાણીતી છે.
સમુદ્રકિનારેથી ખારા જળની તેમજ નદીઓમાંથી મીઠા જળની ગૉર્ડિન, કૅટફિશ, મૅકેરેલ, રિબનફિશ વધુ પ્રમાણમાં મેળવાય છે. મત્સ્ય-ઉત્પાદન માટે સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે. માછીમારોને માછલી પકડવા માટે સામગ્રી-સુવિધા અપાય છે. મત્સ્યસંગ્રહ અને જાળવણી માટે શીતગૃહો ઊભાં કરવામાં આવ્યાં છે.
જિલ્લામાં ખેતી-આધારિત ઉદ્યોગો વિકસ્યા છે. તે ઉપરાંત હિન્દુસ્તાન ઝિંક અને યુનિયન કાર્બાઇડના અને સિમેન્ટ ઉત્પાદન માટેના એકમો સ્થપાયા છે. અહીં ઍલ્યુમિનિયમની વસ્તુઓ, હાર્ડવેર, રંગ, ખાદ્યસામગ્રી, વીજાણુયંત્રો, જંતુનાશકો અને પ્લાસ્ટિક સાથે સંકળાયેલાં કારખાનાં પણ આવેલાં છે.
જિલ્લાનાં વિવિધ સ્થળોને સાંકળતા પાકા રસ્તા તેમજ રેલમાર્ગો આવેલા છે. તેમની લંબાઈ અનુક્રમે 5,000 કિમી. અને 178 કિમી. જેટલી છે. જિલ્લામથકે તથા તાલુકામથકોએ શિક્ષણ, તબીબી, સંદેશાવ્યવહાર અને વીજળીની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જિલ્લામાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સગવડો ઉપલબ્ધ છે. આંધ્ર યુનિવર્સિટી સંલગ્ન વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, ઇજનેરી, કાયદો અને શારીરિક શિક્ષણની કૉલેજો છે. જિલ્લામાં તેલુગુ, ઊડિયા, ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ બોલાય છે. જિલ્લાની કુલ વસ્તી 37,89,823 (2001) છે.
પ્રવાસન : અહીંનાં મહત્વનાં ગણાતાં પ્રવાસમથકોમાં વિશાખાપટનમ્, અપ્પીકોન્ડા, લોથુગેડ્ડા, રાજેન્દ્રપાલમ્, પાડેરુ, ડિમલી, પંચધરલા, ગોપાલપટનમ્, બાલીઘટ્ટમ્, સિંહાચલમ્, સંકરમ્, અનકપલ્લી, પદ્મનાભમ્, ભીમનીપટનમ્ વગેરેનો તથા આરાકુ ખીણનો સમાવેશ થાય છે.
ઇતિહાસ : પ્રાચીન સમયમાં આ જિલ્લાનો સમાવેશ કલિંગ રાજ્યમાં થતો હતો. આ રાજ્યની સ્થાપના ઈ. પૂ. નવમી સદીમાં થયેલી. આ રાજ્યના શ્રીલંકા (સિલોન-સિંહલદ્વીપ) સાથે સારા સંબંધો હતા. ઈ. સ. 1950 સુધી સમગ્ર ભારતમાં વિસ્તારની દૃષ્ટિએ આ જિલ્લો મોટો ગણાતો હતો. 1921માં અંગ્રેજોએ આ જિલ્લાના બે ભાગ (ગોદાવરી અને વિશાખાપટનમ્) કરેલા, પરંતુ 1931માં આ બંને જિલ્લાઓને ફરીને ભેગા કરવામાં આવેલા છે.
વિશાખાપટનમ્ (બંદર) : ભારતના પૂર્વ કિનારે બંગાળના ઉપસાગર પર મેઘાદ્રિ નદીના મુખ પર આવેલું બંદર તથા શહેર. ભારતના દરિયાકિનારા પર આવેલાં કુદરતી બારાંમાં તેની ગણના થાય છે. તેનું બારમાસી બંદર તરીકે ઘણું મહત્વ છે. અહીંનું મે અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન અનુક્રમે 33° સે. અને 27° સે. રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 950 મિમી. જેટલો પડે છે.
પીઠપ્રદેશ (hinterland) : આ બંદરના પીઠપ્રદેશમાં આંધ્રના પૂર્વ ભાગના જિલ્લા, છત્તીસગઢના જિલ્લા, દક્ષિણ ઓરિસા અને પૂર્વ મહારાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ બંદર પૂર્વ, મધ્ય અને દક્ષિણ રેલવિભાગ સાથે સંકળાયેલ છે અને એ રીતે તે કોલકાતા અને ચેન્નઈ, રાષ્ટ્રીય ધોરી માર્ગો તેમજ આંતરરાજ્ય બંદરો સાથે સંકળાયેલું રહે છે. આંધ્રપ્રદેશના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, જુવાર, ઘઉં, તમાકુ, શેરડી અને શણનો તથા ખનિજસંપત્તિમાં લોહ, મગેનીઝ અને ચૂનાખડકોનો સમાવેશ થાય છે. અહીંની વિવિધ ખાણો પણ પીઠપ્રદેશના વિકાસમાં સહાયરૂપ બને છે; એટલું જ નહિ, અહીંના ઔદ્યોગિક વિકાસને કારણે બંદરનો પીઠપ્રદેશ વધુ સમૃદ્ધ બનતો જાય છે.
બંદરના વિસ્તારમાં ખરેખર બે બારાં આવેલાં છે. અંદરના બારાનું ડૉલ્ફિન નોઝ ભૂભાગ અને દુર્ગા ટેકરીઓ દ્વારા રક્ષણ થાય છે. બંદરના પ્રવેશદ્વારથી લંગરસ્થાન 4.4 કિમી. દૂર આવેલું છે. બહારના બારાની લઘુતમ ઊંડાઈ 19 મીટર અને પહોળાઈ 200 મીટર છે. આંતરિક બારાની ઊંડાઈ 10.7 મીટર અને પહોળાઈ 80 મીટર છે. ભારતના સૌથી ઊંડા બારા તરીકે તેની ગણના થાય છે. બારાના તરંગરોધ(breakwater)ની લંબાઈ 1,543 મીટર, ઉત્તર તરફ તરંગરોધની લંબાઈ 412 મીટર અને પૂર્વતરફના તરંગરોધની લંબાઈ 1,070 મીટરની છે. આ તરંગરોધોથી બારાનું રક્ષણ થાય છે.
બંદરની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને અહીં સાત ટ્રાન્ઝિટ શેડ, ત્રણ વિશાળ ગોદામો અને ત્રણ અન્ય શેડની રચના કરવામાં આવેલી છે. માલસામાનની હેરફેર માટે આધુનિક યંત્રસામગ્રીની સગવડ પણ ઉપલબ્ધ છે. બંદરનો પોતાનો 150 કિમી. લાંબો રેલમાર્ગ પણ છે. આ ઉપરાંત પાણી અને ઇંધનની પણ સુવિધા ઊભી કરાઈ છે. જહાજ-મરામતની વ્યવસ્થા પણ છે.
નીતિન કોઠારી