વિવાલ્દી, ઍન્તોનિયો લુચિયો
February, 2005
વિવાલ્દી, ઍન્તોનિયો લુચિયો (જ. 4 માર્ચ 1678, વેનિસ, ઇટાલી; અ. 28 જુલાઈ 1741, વિયેના, ઑસ્ટ્રિયા) : પ્રસિદ્ધ ઇટાલિયન વાયોલિનવાદક અને સ્વરરચનાકાર; બરોક સંગીતના અંતિમ તબક્કાનો સૌથી વધુ પ્રભાવક સંગીતકાર.
પિતા જિયોવાન બાત્તિસ્તા વિવાલ્દી બ્રેસ્કિયામાં હજામ હતો, પણ તે વાયોલિન સુંદર વગાડતો. તેથી સેંટ માર્કસ કથીડ્રલના ઑર્કેસ્ટ્રામાં દાખલ થવા માટે તે બ્રેસ્કિયા છોડી વેનિસ આવેલો. ઍન્તોનિયો વિવાલ્દીએ બાળપણથી જ સંગીતની પ્રતિભા દાખવેલી. સેંટ માર્કસ ઑર્કેસ્ટ્રામાં પિતાને સ્થાને બાળપણથી જ ઘણી વાર વાયોલિન વગાડતો. પણ ઍન્તોનિયો વિવાલ્દીએ પાદરી બનવાનું નક્કી કરતાં તેણે ઑર્કેસ્ટ્રા છોડ્યું; છતાં ધાર્મિક શિક્ષણ દરમિયાન પણ તેને સંગીતના અભ્યાસ માટે પુષ્કળ સમય મળતો. 1703માં તે પાદરી બન્યો અને એ જ વર્ષે ‘ઓસ્પેદાલે દેલ્લા પિયેના’માં તેની નિમણૂક વાયોલિન-શિક્ષક તરીકે થઈ. ‘ઓસ્પેદાલે’ એ અનાથ છોકરીઓ માટેનું આશ્રયગૃહ હતું. આ આશ્રયગૃહ ત્યાંની પ્રતિભાવાન બાળકીઓને ઊંચી સાંગીતિક તાલીમ આપવા માટે જાણીતું હતું. ત્યાં શ્રેષ્ઠ વાયોલિનવાદકો અને બીજા વાદ્ય વગાડનારાઓ તેમજ ગાયકોની નિમણૂક થતી હતી. જાહેર દાનથી ચાલતો આ અનાથાશ્રમ નિયમિત રીતે રવિવારે જાહેર સંગીત-જલસાઓનું આયોજન કરી નાણાં કમાતો હતો. આ અનાથાશ્રમના જાહેર સંગીત-જલસાઓ માટે વિવાલ્દીએ સેંકડો કન્ચર્ટો લખ્યા. તુરત જ વેનિસમાં વિવાલ્દીનું નામ ઘર ઘરમાં તથા ચોરે ને ચૌટે ચર્ચાવા લાગ્યું અને એનું નામ યુરોપભરમાંથી પ્રવાસીઓને વેનિસ ખેંચી લાવતું થયું.
વેનિસમાં વિવાલ્દીની બે કૃતિઓ ‘ઓપસ 1’ અને ‘ઓપસ 2’ પ્રકાશિત થઈ. તે બંનેમાં વીસ ટ્રાયો (ત્રણ વાદ્યો માટેનાં) સૉનાટા સમાવેશ પામતા હતા. પછી ઍમસ્ટરડૅમના પ્રસિદ્ધ સંગીત-પ્રકાશક એસ્ટિની રોજરે તેની કૃતિ ‘ઓપસ 3’ પ્રકાશિત કરી, જેમાં તેના બાર કન્ચર્ટો સમાવેશ પામતા હતા. આ બાર કન્ચર્ટોમાં બોલોન્યાના સંગીતકાર અને વાયોલિનવાદક ગ્વિસેપે તોરેલીની લાંબા આરોહ-અવરોહની શૈલી અપનાવી છે; પણ આ કૃતિમાં રહેલ એકલવાદ્ય (solo) અને ઑર્કેસ્ટ્રાની ઊડીને આંખે વળગે એવી સહોપસ્થિતિ (juxtaposition) વિવાલ્દીની મૌલિક છે. એકલવાદ્યને વિવાલ્દીએ વધુ મહત્વ આપી, એકલવાદક(soloist-virtnoso)નું પણ મહત્વ વધાર્યું. વિવાલ્દીએ લખેલા કન્ચર્ટોમાંથી આજે 450 મળી આવ્યા છે. તેમાં 220 એક વાયોલિન માટે, 25 બે વાયોલિન માટે, 37 બાસૂન માટે, 27 ચેલો માટે, 11 ઓબો માટે, 10 વાંસળી માટે અને 32 ત્રણથી વધુ વાદ્યો માટે છે.
નાનપણથી જ પિતાને સ્થાને ઑર્કેસ્ટ્રામાં વાયોલિન વગાડતો હોવાથી અને એ પછી પાદરીના અભ્યાસમાં પણ ઑપેરામાં વગાડતો હોવાથી વિવાલ્દીને ઑપેરા વિશેની જાણકારી ખાસ્સી મળેલી. એક સમયે એવું માનવામાં આવતું કે તેણે 50 ઑપેરા લખેલા, પણ આજે તેના 17 ઑપેરા જ મળી આવ્યા છે. વિવાલ્દીનો લખેલો એક કાગળ તાજેતરમાં મળી આવતાં જાણ થઈ છે કે એણે કુલ 94 ઑપેરા લખેલા; પણ વિવાલ્દીના 17 ઑપેરાની આધુનિક ભજવણીઓ વિવેચકો સિવાય કોઈને ખુશ કરી શકતી નથી; એનું કારણ એ છે કે તેમાં ગાવાના સંવાદો કરતાં બોલવાના (recitative) સંવાદોનું પ્રમાણ ઘણુંબધું વધારે છે, જે આધુનિક શ્રોતાઓને પસંદ પડતું નથી, કારણ કે તેનાથી નાટ્યાત્મકતામાં ખલેલ પડે છે.
વિવાલ્દીનું ધાર્મિક સંગીત ખાસ જાણીતું નથી. ‘ઓસ્પેદાલે’ની છોકરીઓ 1714થી વિવાલ્દીનો ઑરેટોરિયો ‘મોયસેસ દેઉસ ફારોનિસ’ (Moyses deus Pharaonis) ગાતી હતી, પણ પછી તે ખોવાઈ ગયો છે અને આધુનિક યુગ સુધી તે પહોંચ્યો નથી. પણ એનો એક બીજો ઑપેરા ‘જુદીથા ત્રાયમ્ફાન્સ’ (Juditha triumphans) બચી ગયો છે. આ ઉપરાંત ‘મૅગ્નિફિકાત’ અને ‘ગ્લોરિયા’ એમ બે ઑરેટોરિયો પણ બચ્યા છે. કન્ચર્ટોક્ષેત્રે જબરદસ્ત મૌલિકતા દાખવનાર વિવાલ્દી ધાર્મિક સંગીતમાં વેનિસ ઘરાણાને ચુસ્ત રીતે વળગી રહેલો જણાય છે.
‘ઓસ્પેદાલે’માં નોકરીના પહેલાં દસ વરસ સુધી તો સત્તાધીશો સાથે વિવાલ્દીના સંબંધો સુમેળભર્યા રહ્યા; એની ખ્યાતિ એનું વિશેષ જમા પાસું બની રહી; પણ પછી ઑપેરા સંચાલિત (કન્ડક્ટ) કરવા માટે વારંવાર બહારગામ જવું પડતું હોવાથી એની ગેરહાજરી નિયમિત બનતી ગઈ, તેથી ઓસ્પેદાલેમાં તેની સામે વિરોધનો વંટોળ ફૂંકાવો શરૂ થયો. એ બહારગામ રહેતો ત્યારે પણ દર મહિનાના બે કન્ચર્ટોને હિસાબે તે નવી કૃતિઓ લખીને ‘ઓસ્પેદાલે’માં મોકલતો રહેલો; છતાં તેની શારીરિક ગેરહાજરી ઓસ્પેદાલેમાં કઠતી. માન્તુઆની એક મુલાકાત દરમિયાન ઑપેરાની એક સોપ્રાનો ગાયિકા આના ગિરો સાથે તે પ્રેમમાં પડ્યો. વિવાલ્દીના ઘણાં ઑપેરામાં તેણે ગાયેલું. લગ્ન કર્યા વિના બંને સાથે રહ્યાં તેની નોંધ ખુદ પોપે પણ લીધેલી.
1737માં વિવાલ્દી જ્યારે ફેરારામાં એક ઑપેરાની ભજવણી માટેનાં રિહર્સલો કરી રહ્યો હતો ત્યારે તે ઑપેરા પર પ્રતિબંધ મૂકતું ફરમાન પોપે કર્યું. તેનાથી ઊભી થયેલી મોટી નાણાકીય ખોટ તો વિવાલ્દી જીરવી ગયો, પણ અપમાનનો આ કડવો ઘૂંટડો ગળતાં તેને ભારે તકલીફ થઈ. એણે બચાવ માટે ધમપછાડા કર્યા, પણ એ બધા નિષ્ફળ ગયા.
આ ધબડકા પછી જનતાએ જાણે વિવાલ્દી તરફથી મોં ફેરવી લીધું. ધીમે ધીમે તેની લોકપ્રિયતામાં ઓટ આવી. 1739માં ચાર્લ્સ દ બ્રોસે નામનો વિદ્વાન જ્યારે વેનિસ આવેલો ત્યારે વિવાલ્દીની ઘટેલી લોકપ્રિયતા જોઈને એ છક્કડ ખાઈ ગયેલો.
પોતાના દેશવાસીઓ-ઇટાલિયનોએ પોતાને જાકારો આપ્યા પછી નવા આશ્રયની શોધમાં વિવાલ્દી વિયેના ગયો; પણ એક પછી એક યુદ્ધમાં સંડોવાતું જતું વિયેના તેને આશ્રય આપી શક્યું નહિ. એ માંદો પડીને ત્યાં જ મરી ગયો અને એનો શબદફનવિધિ સાવ મામૂલી પ્રસંગ બની રહ્યો.
વિવાલ્દીની સંગીતકૃતિઓનું પ્રકાશન એના જીવનકાળ દરમિયાન જ થવાથી એ જીવતેજીવ જ યુરોપભરમાં ખ્યાતનામ બની ચૂકેલો. સંગીતસમ્રાટ જોહાન સેબાસ્ટિયન બાખ માટે તો તે આદર્શ નાયક હતો; પણ વિવાલ્દીના મૃત્યુ પછી યુરોપની સંગીત-દુનિયામાં વિવાલ્દીનું નામ હાંસિયામાં ધકેલાઈ ગયું. છેક ઓગણીસમી સદીની મધ્યમાં બાખના સમગ્ર સંગીતના સંપાદકો જ્યારે સંશોધન કરી રહ્યા હતા ત્યારે તેમને ‘ટ્વેલ્વ કૉન્ચેર્તી દિ વિવાલ્દી, એલાબોરેતી દિ. જે. એસ. બાખ.’ ‘XII Concerti di Vivaldi, elaborati di J. S. Bach’ (વિવાલ્દીના બાર ક્ધચર્ટો ઉપરથી જે. એસ. બાખે વિકસાવેલી કૃતિઓ) મળી આવતાં વિવાલ્દીમાં નવો રસ જાગ્રત થયો. એ પછી તો આજે વિવાલ્દી વિશ્વમાં બરોક-સંગીતકારોમાંથી જેનો સૌથી વધુ લાભ સંગીતમાં લેવાતો હોય તેવો સંગીતકાર બની રહ્યો છે.
અમિતાભ મડિયા