વિલ્સન, રિચાર્ડ (Wilson, Richard)
February, 2005
વિલ્સન, રિચાર્ડ (Wilson, Richard) (જ. 1 ઑગસ્ટ 1714, પેનેગૉસ, મૉન્ટ્ગો મેરિશાયર, વેલ્સ; અ. 15 મે 1782, લાન્બેરિસ, કાર્નાવર્તેન્શાયર) : બ્રિટનમાં નિસર્ગચિત્રણાનો પ્રારંભ કરવાનું શ્રેય મેળવનાર ચિત્રકાર. તેમનાં નિસર્ગચિત્રો જોતાં પરમ શાંતિનો અનુભવ થાય છે.
1729માં લંડનમાં થૉમસ રાઇટ નામના ચિત્રકાર હેઠળ વ્યક્તિચિત્રણાની તાલીમ લીધી. 1745 સુધી વ્યક્તિચિત્રો ચીતર્યાં. 1746માં ઇટાલીની યાત્રા દરમિયાન નિસર્ગચિત્રણામાં ઊંડી દિલચસ્પી જાગી. 1750થી તો માત્ર નિસર્ગચિત્રો ચીતરવા માંડ્યા અને અન્ય પ્રકારનાં ચિત્રોને તિલાંજલિ આપી. 1750માં વૅનિસમાં તેમની મુલાકાત ઇટાલિયન નિસર્ગ-ચિત્રકાર ફ્રાન્ચેસ્કો ઝુકારેલી સાથે થવાને કારણે આ રસ વધુ ઊંડો બન્યો. 1752માં એ રોમ ગયા, જ્યાં તેમનો મેળાપ ચિત્રકારો જૉસેફ વેર્નેટ અને ઍન્તૉન મૅન્ગસ સાથે થયો. 1757 સુધી વિલ્સન રોમમાં જ સ્થાયી થયા અને બ્રિટિશ પ્રવાસીઓ માટે વિશાળ કદનાં નિસર્ગચિત્રો ચીતરતા રહ્યા. ફ્રેંચ બરોક નિસર્ગ-ચિત્રકારો પુસોં (Poussin) અને સાલ્વાતોર રોસાની શૈલીથી તેઓ પ્રભાવિત હતા. ફ્રેંચ નિસર્ગ-ચિત્રકાર ક્લોદ લૉરાં(Lorrain)થી પ્રભાવિત થઈ ઇટાલી-સ્થિત રોમન સ્થાપત્યનાં ખંડેરો અને અવશેષોનાં ચિત્રો ચીતરવા માંડ્યાં.
1757માં વિલ્સન ઇટાલીથી લંડન આવી વસ્યા. ઇટાલીમાં પથરાયેલા રોમન ખંડેરોના કરેલા ત્વરાલેખનો (સ્કૅચિઝ) ઉપરથી તૈલચિત્રો ચીતરવાનું ચાલુ રાખ્યું; સાથે સાથે તરુણ ચિત્રકારોના શિક્ષક તરીકેની કામગીરી પણ તેમણે બજાવવા માંડી. 1760 પછી લંડનની સોસાયટી ઑવ્ આર્ટિસ્ટ્સમાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો થવા માંડ્યાં. 1768માં લંડન ખાતે સ્થપાયેલી રૉયલ એકૅડેમી ઑવ્ ધી આર્ટ્સના સ્થાપક સભ્યોમાં એક વિલ્સન પણ હતા.
પોતે ગરીબીમાં સપડાયા હોવાથી 1776માં વિલ્સને રૉયલ સોસાયટી ઑવ્ ધી આર્ટ્સના લાઇબ્રેરિયન તરીકે નોકરી શરૂ કરી. 1768થી તેમણે ઇટાલી ઉપરાંત બ્રિટનના નિસર્ગને પણ પોતાની ચિત્રકલાનો વિષય બનાવ્યો અને તેમાં વેલ્સના નિસર્ગ પર વિશેષ ચિત્રો ચીતર્યાં; જે ખાસ્સાં સફળ નીવડ્યાં. તેમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં ‘લેઇક નેમી’ (1768) અને ‘સ્નોડોન’નો સમાવેશ થાય છે. મહાન અનુગામી બ્રિટિશ નિસર્ગ- ચિત્રકારો જૉન કૉન્સ્ટેબલ અને ટર્નર આ બંને ચિત્રોથી ખાસ્સા પ્રભાવિત હતા.
અમિતાભ મડિયા