વિલ્સન, બેટી (વિલ્સન, ઇલિઝાબેથ રેબેકા)

February, 2005

વિલ્સન, બેટી (વિલ્સન, ઇલિઝાબેથ રેબેકા) (. 21 નવેમ્બર 1921, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનાં મહિલા-ક્રિકેટ-ખેલાડી. ફેબ્રુઆરી, 1958માં મેલબૉર્ન ખાતેની ઇંગ્લૅન્ડ સામેની ઑસ્ટ્રેલિયાની મૅચમાં તેમણે 11.16ની ગોલંદાજી કરીને મહિલા ટેસ્ટ ક્રિકેટ માટેની સૌથી ઉત્તમ ગોલંદાજી બની રહી. પ્રથમ દાવમાં તેમણે ‘હૅટ-ટ્રિક’ની એટલે ઉપરા-ઉપરી 3 વિકેટ લેવાની સિદ્ધિ નોંધાવી  ટેસ્ટ મૅચમાં મહિલા-ખેલાડીની એ સર્વપ્રથમ ‘હૅટ-ટ્રિક’ હતી. સાથોસાથ તેમણે એ મૅચમાં સદી પણ નોંધાવી, આમ ટેસ્ટમાં સદી નોંધાવવાની સાથોસાથ 10 વિકેટ ઝડપવાની સિદ્ધિ નોંધાવનાર તેઓ પ્રથમ પુરુષ કે મહિલા-ખેલાડી બની રહ્યાં. ઑસ્ટ્રેલિયા વતી તેમણે ઉત્તમ સર્વક્ષેત્રીય દેખાવ હાંસલ કર્યો અને એક દાવમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ 3 વખત હાંસલ કરી અને એક સદી નોંધાવી. 1949માં ઇંગ્લૅન્ડ સામે એડલેડ ખાતે 111 અને 29 રન તથા 6.23ની ગોલંદાજીની સફળતા દર્શાવી. 1958માં માર્ચમાં એડલેડ ખાતે ઇંગ્લૅન્ડ સામે 127 રન અને 6.71ની ગોલંદાજીનો યશસ્વી દેખાવ કર્યો.

ઑસ્ટ્રેલિયાનો ટેસ્ટ-કારકિર્દીનો વિક્રમ સ્થાપીને 57.46ની સરેરાશથી 862 રન નોંધાવ્યા અને 11.80ની સરેરાશથી 68 વિકેટો ઝડપી.

મહેશ ચોકસી