વિલ્કિન્સન, જ્યૉફ્રે (સર)
February, 2005
વિલ્કિન્સન, જ્યૉફ્રે (સર) [જ. 14 જુલાઈ 1921, ટૉડમૉર્ડેન, (ઇંગ્લૅન્ડ); અ. 26 સપ્ટેમ્બર 1996, લંડન] : મેટલોસીન સંયોજનો અને સંક્રમણ (transition) સંકીર્ણોની સંરચના ઉપર મહત્વનું સંશોધન કરનાર બ્રિટિશ અકાર્બનિક રસાયણજ્ઞ. 1973ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટેક્નૉલોજી, યુનિવર્સિટી ઑવ્ લંડન ખાતે અભ્યાસ કર્યા બાદ વિલ્કિન્સને 1943થી 1946 સુધી કૅનેડામાં એટૉમિક એનર્જી પ્રૉજેક્ટ ઉપર કાર્ય કર્યું. 1946માં પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. બર્કલી ખાતેની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા (1946-50), મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજી (1950-51) અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં (1951-55) શૈક્ષણિક કાર્ય કર્યા બાદ તેઓ 1956માં ઇમ્પિરિયલ કૉલેજ, લંડનમાં અકાર્બનિક રસાયણના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને 1988માં ત્યાં જ માનાર્હ પ્રાધ્યાપક (professor emeritus) બન્યા. 1952માં તેમણે વૂડવર્ડ અને અન્ય સંશોધકો સાથે ફેરોસીન [ferrocene (C5H5)2Fe] નામના એક નોંધપાત્ર સંયોજન પર સંશોધનપત્ર પ્રકાશિત કર્યું. અકાર્બનિક સંકીર્ણો પરનું તેમનું સંશોધન ખૂબ મહત્વનું છે.
1940ના દાયકામાં પારમાણ્વિક ખંડન(fission)-પ્રક્રિયાઓની નીપજો ઉપરના સંશોધનના ફળ સ્વરૂપે તેમણે ઘણા નવા સમસ્થાનિકોની શોધ કરી છે. 1951માં તેમણે ડાઇસાઇક્લોપેન્ટાડાઇનિલ-આયર્ન (હવે ફેરોસીન) નામના એક નવા સંશ્લેષિત સંયોજન વિશે વાંચ્યું. તેમણે તારવ્યું કે આ સંયોજનની સંરચના એવી છે કે જેમાં એક આયર્ન પરમાણુ બે પાંચ-બાજુવાળાં સપાટ કાર્બન-વલયો વચ્ચે સૅન્ડવિચની જેમ ગોઠવાઈ કાર્બધાત્વિક (organometallic) અણુ બનાવે છે. તે પછી તો તેમણે ઘણાં ‘સૅન્ડવિચ’-સંયોજનો અથવા મેટલોસિન બનાવ્યાં. હવે તો આવાં ત્રણ-માળી (three-decker) સૅન્ડવિચો પણ જાણીતાં છે.
1960માં તેમનું સંશોધન ધાતુ હાઇડ્રોજન બંધ ધરાવતાં સંકીર્ણોના ઉપયોગ પરત્વે કેન્દ્રિત થયેલું હતું. આમ ટ્રાઇફિનાઇલ ફૉસ્ફીન [(C6H5)3P] સાથેના રહોડિયમ સાથેનાં સંકીર્ણો આણ્વિક હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી શકે છે તે તેમણે જોયું. વિલ્કિન્સનના ઉદ્દીપક તરીકે ઓળખાતું સંયોજન RhCl[P(C6H5)3]3 સૌપ્રથમ આવું સંકીર્ણ હતું કે જે સમાંગ ઉદ્દીપક તરીકે ઍલ્કીનના (C = C) દ્વિબંધમાં હાઇડ્રોજન ઉમેરવા માટે ઉપયોગમાં લેવાયું. હાઇડ્રોજન તથા કાર્બન-મોનૉક્સાઇડની ઍલ્કીન સાથેની પ્રક્રિયા(હાઇડ્રોફૉર્માઇલેશન)માં પણ તે વાપરી શકાય છે. ઍલ્ડિહાઇડ બનાવવા માટેની ઓછા દબાણ(low pressure)વાળી ઔદ્યોગિક ટેક્નીકો માટે તે પાયારૂપ છે. કાર્બધાત્વિક અથવા સૅન્ડવિચ-સંયોજનોના રસાયણ ઉપરના તેમના સંશોધન બદલ અન્સર્ટ ઑટોફીશર સાથે સંયુક્ત રીતે 1973ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.
1976માં તેમને ‘નાઇટ’નો ખિતાબ આપવામાં આવેલો. 1962માં તેમણે એફ. એ. કૉટન સાથે ‘એડ્વાન્સડ્ ઇનઑર્ગેનિક કેમિસ્ટ્રી’ નામનું જાણીતું પુસ્તક લખેલું, જેની પછી અનેક આવૃત્તિઓ થઈ છે.
જ. પો. ત્રિવેદી