વિલોન, ફ્રાન્સ્વા (જ. 1431, પૅરિસ; અ. 1463 પછી) : ફ્રેન્ચ ઊર્મિકવિ. મૂળ નામ ફ્રાન્સ્વા દ મોન્તકોર્બિયર અથવા ફ્રાન્સ્વા દે લોગીસ. પિતાને વહેલી વયે ગુમાવ્યા. સેંત-બીનોઇત-લે-બીતોર્નના દેવળના પાદરી ગીલોમના શરણમાં ઉછેર. યુનિવર્સિટી ઑવ્ પૅરિસના દફતરની નોંધ મુજબ માર્ચ, 1449માં વિલોને સ્નાતકની ઉપાધિ અને માસ્ટર ઑવ્ આર્ટ્સની પદવી મે-ઑગસ્ટ, 1452માં મેળવેલી. 5 જૂન, 1455ના દિવસે સેંત-બીનોઇતના મઠમાં દારૂના પીણાથી મદોન્મત્ત થયેલા ટોળામાં હિંસાત્મક મારામારી થઈ; તેમાં વિલોને એક પાદરી ફિલિપ સરમૉઇસને તલવારથી મારી નાંખ્યો. વિલોનને દેશનિકાલની સજા થઈ, પરંતુ ટૂંક સમયમાં તેમને માફી બક્ષવામાં આવી. જોકે કૉલેજ દ નવારેમાં ચોરી કરવાના આક્ષેપમાં તેમને પૅરિસમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.
ફ્રાન્સ્વા વિલોન
‘લ પેતિત તેસ્તામૅન્ત’ કે ‘લ લેઇસ’(‘ધ લીગસી’)માં મિત્રો અને શહેરને છોડી જતાં કવિ વારસામાં કંઈ ને કંઈ આપે છે. પોતાના હજામને પોતાના વાળના ટુકડા, ત્રણ ધીરધાર કરનાર શ્રોફમિત્રોને થોડાક છુટ્ટા સિક્કા અને ફોજદારી કોર્ટના કારકુનને પોતાની ગીરો મૂકેલી તલવાર આપવાનું જાહેર કરે છે. પૅરિસમાંથી હવે તે કવિમિત્ર ચાર્લ્સ દૂ દ’ઑર્લિયન્સની વસાહતમાં રહેવા જાય છે. અહીં પણ તેમને કોઈ ગુનાસર જ કેદની સજા થાય છે. જોકે ચાર્લ્સની પુત્રી, મેરીના શુભ જન્મદિવસની ખુશાલીમાં 19 ડિસેમ્બર, 1457ના રોજ તેમને મુક્તિ આપવામાં આવે છે. કવિનું સુપ્રસિદ્ધ ઊર્મિગીત ‘આઇ ડાય ઑવ્ થર્સ્ટ બિસાઇડ ધ ફાઉન્ટેન’ અહીં રચાય છે. વળી પાછા 1461માં તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા; પરંતુ રાજા લૂઈ 16મા પસાર થવાના હતા તે કારણે વિલોન સહિત જેલના બધા કેદીઓને છોડી મૂકવામાં આવેલા. આ પછી 2,023 પંક્તિઓનું સુદીર્ઘ કાવ્ય ‘લે તેસ્તામેન્ન’, 185 હુતેન્સ(આઠ પંક્તિની કડી)માં રચ્યું. તેમાં 4, 7 અને 10 પંક્તિની કડીઓ પણ છે. વિવિધ છંદોમાં લખાયેલાં ચેન્સૉન્સ-ગીતો પણ તેમાં છે. આ કાવ્યમાં કવિએ પોતાના જીવન, માંદગી, જેલ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો ભય અને કરેલી ભૂલોનો એકરાર વગેરેને વ્યક્ત કર્યાં છે. દારૂનાં પીઠાં, વેશ્યાગૃહો અને પીધેલી અવસ્થામાં પોતાના મિત્રો વિશે બયાન કર્યું છે.
કદી જેલવાસ અને કદી મુક્તિ – એમ વિલોનનું જીવન વહેતું રહેલું. એક વાર તો તેમને ફાંસીને માંચડે લટકાવી દેવાની સજા થઈ હતી. આ સજાનો અમલ થાય તે પહેલાં તેમણે અપ્રતિમ ‘બેલાડ દે પૅન્દસ’ અથવા ‘લ´એપિતાફ વિલોન’ લખ્યું. ફાંસીને માંચડે ચડી ગયા પછી પોતાના મૃત શરીરને ફેંકી દેવાશે તે માટે તેમણે માણસોના ન્યાય સામે પ્રભુને પ્રાર્થના કરી છે. ‘આઇ એમ ફ્રાન્સ્વા, ધે હેવ કૉટ મી’ તેમના પ્રખ્યાત ચાર પંક્તિવાળા ગીતની પંક્તિ છે. પાર્લમેન્ટને તેમણે કરેલી દયાની અરજીને લીધે તેમના મૃત્યુદંડની સજાને 10 વર્ષની દેશનિકાલની સજામાં ફેરવી દેવામાં આવી હતી.
વિલોનની ગુનાહિત પ્રવૃત્તિની બીજી બાજુ તેમની કાવ્યકલા છે. છંદોલય પર તેમનું ગજબનું પ્રભુત્વ છે. કાવ્યની પરંપરાની જબરી સૂઝ આ કવિમાં છે. જૂની ફ્રેન્ચ ભાષામાં તેમણે બૅલડ રચ્યું છે. તેમનું ‘બૅલડ ઑવ્ ધ લેડીઝ ઑવ્ બાયગોન ટાઇમ્સ’ યાદગાર કાવ્ય છે; જેની પંક્તિ ‘બટ વ્હેર આર ધ સ્નોઝ ઑવ્ યસ્ટરયર ?’ ખૂબ જાણીતી થઈ છે. વિલોનની કવિતા ધ્યેયલક્ષી, વિચાર તથા અર્થથી ભરપૂર છે.
વિલોનના જીવન વિશે ફ્રેન્ચ સંશોધક ઑગસ્ટ લાગ્નોને ઊંડો અભ્યાસ કર્યો છે. આ જ પ્રમાણે પૅરિસના પુસ્તકવિક્રેતા પીઅર લેવેતે 1489 સુધીમાં વિલોનની 3000 જેટલી પ્રમાણભૂત પંક્તિઓ પ્રસિદ્ધ કરી હતી.
વિલોનનું સ્થાન હૃદયને હચમચાવી દે તેવી ફ્રેન્ચ ઊર્મિકવિતાના સર્જક તરીકે સુવર્ણ-અક્ષરે લખાયું છે. પ્રેમ અને મૃત્યુ વિશેના કવિના ઉદ્ગારોમાં દુ:ખી માનવજાત માટે ઊંડી કરુણાની લાગણી વ્યક્ત થઈ છે. તેમની માતાના કહેવાથી તેમણે ‘પોર પ્રાયર નોસ્ત્રે-દામ’ લખ્યું હતું. એક પ્રતિભાશાળી કવિ તરીકે વિલોન અર્થનિષ્પત્તિ અને જબરજસ્ત લાગણીના સ્રોત તરીકે ફ્રેન્ચ કવિતામાં પ્રતિષ્ઠિત થયા છે. એ બોનરે ‘કમ્પલીટ વર્કસ ઑવ્ ફ્રાન્કોઇસ વિલોન’ (1960) પ્રસિદ્ધ કર્યાં છે. જે દુફોર્નેતે ‘રિસર્ચિઝ સુર લ તેસ્તામેન્ત દ ફ્રાન્સ્વા વિલોન’ (1967) ત્રણ ગ્રંથોમાં અને ઓદેત પીતિતમૉર્ફીએ ‘ફ્રાન્સ્વા વિલોન એત લા સ્કોલેસ્તિક’ (1977) બે ગ્રંથોમાં પ્રસિદ્ધ કર્યા છે. ઓગણીસમી સદીથી તેમનાં કાવ્યોના અનુવાદ રોઝેટી, સ્વિનબર્ન અને આર. લૉવેલ વગેરેએ કર્યા છે.
વિ. પ્ર. ત્રિવેદી