વિલૅસ ગીર્લેમો (જ. 17 ઑગસ્ટ 1952, બૂએનૉસ આઇરિસ, આર્જેન્ટિના) : દક્ષિણ અમેરિકાના એક મહાન ટેનિસ-ખેલાડી. 1981માં તેમની રમતના મુખ્ય પ્રભાવને કારણે જ આર્જેન્ટિના ડેવિસ કપની અંતિમ સ્પર્ધા સુધી પહોંચી શકેલું. તેમનો સૌપ્રથમ મહત્વનો વિજય તે 1974ની ‘માસ્ટર્સ’ની રમતોમાં. 1977માં તેઓ ફ્રેન્ચ વિજયપદકના વિજેતા બન્યા. તેઓ યુએસ અને દક્ષિણ આફ્રિકન વિજયપદકના 1977માં વિજેતા બન્યા. ઑસ્ટ્રેલિયન વિજયપદક 1978માં અને 1979માં તેમજ ઇટાલિયન વિજયપદક 1980માં જીત્યા. 1977-78માં તેમણે 46 મૅચના લગાતાર વિજયનો વિક્રમરૂપ વ્યવસાયી પ્રવાસ કર્યો અને 1977માં તેમાં 15 એકલ વિજયપદકોનું ઉમેરણ કર્યું. તેમની કારકિર્દીની આવક 49,23,132 ડૉલર હતી.
તેઓ ખૂબ એકાંતપ્રિય વ્યક્તિ હતા અને રમતમાં પ્રવૃત્ત ન હોય ત્યારે તેઓ કવિતા લખતા. તેમના કેટલાક કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. તેઓ હાર્ડ-કૉર્ટના ઉત્તમ ડાબેરી ખેલાડી હતા.
મહેશ ચોકસી