વિલૅન્ડર મૅટ્સ અર્ને ઑલૉફ
February, 2005
વિલૅન્ડર મૅટ્સ અર્ને ઑલૉફ (જ. 22 ઑગસ્ટ 1964, સ્વીડન) : સ્વીડનના ટેનિસ-ખેલાડી. વિચક્ષણ પ્રતિભા ધરાવતા કિશોરાવસ્થાના ટેનિસ ખેલાડી. 17 વર્ષ અને 288 દિવસની ઉંમરે 1982માં તેઓ ફ્રેન્ચ ઓપન સ્પર્ધાના વિજેતા બન્યા. પુરુષોની એકલ (singles) સ્પર્ધાના ‘ગ્રૅન્ડ સ્લૅમ’ના વિજેતા બનનાર તેઓ એ સમયે સૌથી નાની વયના ખેલાડી હતા. વળી ઓપન ટેનિસના યુગમાં ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર તેઓ સર્વપ્રથમ બિનક્રમાંકિત (unseeded) ખેલાડી બની રહ્યા. તેઓ 1985 અને 1988માં પણ ફરીથી ફ્રેન્ચ વિજયપદક(title)ના અને ઑસ્ટ્રેલિયન તથા યુ.એસ. ઓપન વિજયપદકના પ્રાપ્તકર્તા થયા. એ રીતે 1974માં જિમી કૉનોર્સ પછી એક જ વર્ષમાં 3 ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની રહ્યા. 1983 અને 1984માં તેઓ ઑસ્ટ્રેલિયન ઓપનના પણ વિજેતા બન્યા હતા. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે વિમ્બલ્ડન ખાતે તેઓ એકલ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલના તબક્કાથી આગળ વધી શક્યા, પણ વિમ્બલ્ડન ખાતે તેઓ પોતાના દેશના ખેલાડી જૉકિમ નિસ્ટ્રૉમના સાથમાં 1986માં ગ્રૅન્ડ સ્લૅમના વિજેતા બન્યા હતા. વિલેન્ડર ડેવિસ કપની 6 ફાઇનલમાં રમ્યા હતા. એમાંથી 3(1984-85 અને 87)માં જીત્યા અને 3(1983, 88, 89)માં હાર્યા હતા.
1988માં એકલ (singles) સ્પર્ધામાં ત્રેવડો વિજય મેળવ્યા પછી 1989માં તેમના રમત-કૌશલ્યમાં ચિંતાજનક ઓટ આવી; તેમણે તો એવું પણ કહ્યું કે તેઓ ટેનિસથી થાકી-કંટાળી ગયા હતા અને કોઈક પ્રેરકબળની જરૂર હતી. ઑસ્ટ્રેલિયન ઓપન પછી તેમનું નંબર એક તરીકેનું સ્થાન લેન્ડલના હાથે છીનવાઈ ગયું. 1990માં તેઓ ઑસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઇનલ સુધી પહોંચ્યા તે તેમનો તે વર્ષનો ઉત્તમ દેખાવ હતો.
તેમની કારકિર્દીની કમાણી 73,77,193 ડૉલર હતી.
મહેશ ચોકસી