વિલિયમ્સ, વેનિસ (જ. 17 જુલાઈ, 1980, લિન્વૂડ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકાનાં મહાન મહિલા ટેનિસ-ખેલાડી. તેમણે 2000માં વિમ્બલ્ડન ટાઇટલ મેળવ્યું હતું. વેનિસ વિલિયમ્સે પોતાનું પહેલું જ ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલ જ ‘વિમ્બલ્ડન’નું જીત્યું હતું. ચારેય ગ્રૅન્ડસ્લૅમ સ્પર્ધાઓમાંથી વેનિસ વિલિયમ્સનો સર્વશ્રેષ્ઠ દેખાવ ‘વિમ્બલ્ડન’માં રહ્યો છે. 2008 સુધીમાં તેમણે પાંચ વાર (2000, 2001, 2005, 2007 અને 2008) વિમ્બલ્ડન ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યો છે.

વેનિસ વિલિયમ્સ

તેમણે 2000 અને 2001માં ‘યુ.એસ. ઓપન ચૅમ્પિયનશિપ’ જીતી હતી. 2008 સુધીમાં તેમણે ફ્રેન્ચ ઓપન અને 1999થી 2008 દરમિયાન તેમણે ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલો ઉપરાંત ઘણી અન્ય સ્પર્ધાઓ જીતી છે. પોતાની નાની બહેન સેરેના સાથે મળીને તેમણે કેટલાંક મહિલાયુગલ(વિમેન ડબલ્સ)નાં ટાઇટલો જીત્યાં છે; દા.ત., 2008 બેઇજિંગ ઑલિમ્પિક્સમાં આ બંને બહેનોએ મહિલાયુગલ(વિમેન ડબલ્સ)નો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.

તેમને પ્રેરણા તેમ જ તાલીમ તેમના પિતા તરફથી સતત મળતાં રહે છે.

પ્રભુદયાલ શર્મા