વિલા લૉબૉસ, હીતૉર (Villa Lobos, Heitor) (. 1887, બ્રાઝિલ; . 1959) : બ્રાઝિલનો લૅટિન અમેરિકન સંગીતકાર અને સ્વરનિયોજક. બ્રાઝિલના સંગીતનો તે પ્રમુખ સંગીતકાર ગણાય છે.

પ્રારંભે સ્વશિક્ષિત વિલા લૉબૉસે 1920માં યુરોપની યાત્રા કરી. ત્યાં એ વખતના શ્રેષ્ઠ સંગીતકારો તથા સ્વરનિયોજકો સાથે રૂબરૂ પરિચય કેળવ્યો. 1930માં બ્રાઝિલની નૅશનલ મ્યૂઝિક એકૅડેમીના ડિરેક્ટરપદે તેમની વરણી થઈ. 1932માં સમગ્ર બ્રાઝિલના સંગીતશિક્ષણની જવાબદારી તેમને સોંપાઈ. 1942માં તેમણે કૅન્ટો-ઑર્ફિયૉનિકો (Canto-Orfeonico) નૅશનલ કૉન્ઝર્વેટરી નામે સંગીતની શિક્ષણ-સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાનો હેતુ સમગ્ર દેશની શાળાઓ માટે સંગીતશિક્ષકો તૈયાર કરવાનો હતો.

આ ઉપરાંત બ્રાઝિલના લોકસંગીતનું દસ્તાવેજીકરણનું ભગીરથ કામ પણ તેમણે હાથ ઉપર લીધું. 1910થી જ તેમણે બ્રાઝિલના વિવિધ વિસ્તારોમાં ભટકીને લોકસંગીત એકઠું કરવા માંડેલું. તેમણે પોતાના મૌલિક સંગીતમાં પણ આ લોકસંગીતનો વિનિયોગ કરવો શરૂ કર્યો. તેમનાં આ પગલાંએ બ્રાઝિલના આધુનિક સંગીતમાં નવો ચીલો પાડ્યો. બીજા સંગીતકારોએ પણ તેમના પગલે ચાલી લોકસંગીતમાંથી પ્રેરણાનું પાન કરવું શરૂ કર્યું.

વિલા લૉબૉસ હીતૉર

વિલા લૉબૉસ બહુપ્રસુ (વિપુલ પ્રમાણમાં સર્જન કરનારા કલાકાર) (prolific) સર્જક છે; પરંતુ પ્રત્યેક કૃતિની ગુણવત્તા એકધારી ઊંચી નહિ રહી શકવાને કારણે તે વિવેચકોના આક્રોશનો ભોગ પણ બન્યા છે. બ્રાઝિલના આદિવાસીઓ અને હબસીઓના લોકસંગીતમાંથી પ્રેરણા લીધી હોવા છતાં તેમનું સંગીત મૂળભૂત રીતે ઓગણીસમી સદીના યુરોપની રોમૅન્ટિક અને પ્રભાવવાદી (impressionistic) શૈલીનું રહ્યું છે.

તેમણે ચાર ઑપેરાઓ અને સંખ્યાબંધ બૅલે લખ્યાં છે. ‘ઍમ્પર જૉન્સ’ (1955) નામનું તેમનું લખેલું બૅલે સમસ્ત જગતમાં લોકપ્રિય છે. આ ઉપરાંત તેમણે તેર પ્રોગ્રામેટિક (સંગીતના માધ્યમ દ્વારા બિનસાંગીતિક કથા રજૂ કરતી) સિમ્ફનીઓ લખી છે. તેમની સર્વશ્રેષ્ઠ કૃતિઓ નીચે મુજબ છે :

1. છ ગાયકવૃંદો માટેનો ‘નોનેતો’ (1923).

2. આઠ ચેલો માટેનો ‘બાકિયાનાસ’ બ્રાસિલિરાસ નં. 1.

3. ચાર ચેલો અને એક સોપ્રાનો (અતિ તાર સપ્તક) કંઠ માટેનો ‘બાકિયાનાસ’ બ્રાસિલિરાસ નં. 2.

4. કોરૉસ (ગાયકવૃંદ તથા વાદકવૃંદનું મિશ્રણ) નં. 7 ફૉર ‘સ્ટ્રિન્ગ્સ (તંતુવાદ્યો) ઍન્ડ વૂડવિન્ડ’ (કાષ્ઠસુષિર).

વિલા લૉબૉસ નવી પેઢીના અનેક સંગીતસર્જકો માટે ટેકારૂપ બની રહ્યા. તેમના પ્રતાપે બ્રાઝિલમાં પ્રશિષ્ટ સંગીતની આધુનિક પ્રણાલીઓ સ્થપાઈ શકી છે.

અમિતાભ મડિયા