વિરુદુનગર (Virudunagar) : તામિલનાડુ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લાનું વડું મથક અને શહેર. વિરુદુનગરનું જૂનું નામ કામરાજર હતું. ભૌગોલિક સ્થાન : તે 9° 36´ ઉ. અ. અને 77° 58´ પૂ. રે.ની આજુબાજુનો 4,288 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે મદુરાઈ, ઈશાનમાં પસુમ્પન થિવર થિરુમગન, પૂર્વમાં રામનાથપુરમ્, દક્ષિણે ચિદમ્બરનર, નૈર્ઋત્યમાં નેલ્લાઈ કટ્ટાબોમન જિલ્લાઓ તથા પશ્ચિમ સીમા પર અરબી સમુદ્ર આવેલા છે. જિલ્લામથક વિરુદુનગર જિલ્લાની ઉત્તરમાં આવેલું છે. વિરુદુનગરની પૂર્વમાં તિરુચુલી, દક્ષિણમાં સત્તુર, પશ્ચિમમાં શ્રીવિલિપુત્તુર શહેરો આવેલાં છે.
ઉત્તર તરફ પશ્ચિમ ઘાટ આવેલો છે. તેનો ઢોળાવ પૂર્વતરફી છે. અહીંની જમીનો કાળી અને ચીકણી છે. અહીંનો આજુબાજુનો ભૂમિભાગ સરેરાશ 1,500 મીટરની ઊંચાઈવાળો છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી વઇપાર અને અર્જુના નદીઓ આ જિલ્લામાં થઈને વહે છે અને મનારના અખાતને મળે છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, કપાસ, બાજરી અને મરચાંનો સમાવેશ થાય છે.
વિરુદુનગર શહેર જિલ્લાના પાકા રસ્તાઓ અને રેલમાર્ગથી જોડાયેલું છે. તે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 7 પરનું તેમજ દક્ષિણ રેલમાર્ગનું મહત્વનું જંક્શન છે. વિરુદુનગર ડાંગર, કપાસ, મગફળી, મરચાં, કૉફી અને ઇલાયચી જેવી પેદાશોનું મહત્વનું વેપારી મથક છે. શહેરમાં હાથવણાટના કાપડના ઘણા એકમો આવેલા છે. આ ઉપરાંત અહીં દીવાસળી તથા ફટાકડા બનાવવાનાં કારખાનાં પણ છે. અહીં તમિળ અને અંગ્રેજી ભાષાનો વિશેષ ઉપયોગ થાય છે. શહેરમાં માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો છે. આરોગ્યકેન્દ્રો અને હૉસ્પિટલની પણ સગવડો છે. 2001 મુજબ જિલ્લાની વસ્તી 17,51,548 જેટલી છે.
નીતિન કોઠારી