વિયેન્ટિયેન (Vientiane) : લાઓસનું પાટનગર અને મોટામાં મોટું શહેર. તેનું બીજું નામ વિયેનચૅન (Viangchan) છે. ભૌગોલિક સ્થાન : 17° 58´ ઉ. અ. અને 102° 36´ પૂ. રે.. તે લાઓસ અને થાઇલૅન્ડ વચ્ચેની સરહદ નજીક મેકૉંગ નદી પર આવેલું છે. આ શહેર મહત્વનું વ્યાપારી મથક છે, તે હવાઈ મથક પણ છે. અહીંની ફેરીસેવા રેલવે સાથે સંકળાયેલી છે. રેલસેવા દક્ષિણ તરફ નાગ ખાઈ(થાઇલૅન્ડ)થી બૅંગકોક (થાઇલૅન્ડ) સુધી ચાલે છે. મેકૉંગ નદી દ્વારા થતો જળવ્યવહાર પણ આ શહેરને નદી પરનાં અન્ય શહેરો સાથે જોડેલું રાખે છે.
ચૌદમી સદીમાં વિયેન્ટિયેન લૅન ઝેન્ગના સામ્રાજ્યનો એક ભાગ હતું. અઢારમી સદી દરમિયાન, તે એક સ્વતંત્ર સામ્રાજ્ય પણ બનેલું. થાઇલૅન્ડ ઓગણીસમી સદીની શરૂઆતમાં વિયેન્ટિયેન સાથે જોડાયેલું હતું. ફ્રેન્ચોએ 1893માં તેને લાઓસનો ભાગ બનાવ્યું અને 1954 સુધી ફ્રેન્ચ-ઇન્ડોચાઇનાના એક ભાગ તરીકે તેના પર શાસન કરેલું. 1954માં લાઓસ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે. 1999 મુજબ વિયેન્ટિયેનની વસ્તી 6,40,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા