વિયેટનામ : દ. પૂ. એશિયાના મુખ્ય ભૂમિપ્રદેશો(mainland)ના ભાગરૂપ દેશ. તે આશરે 8° 0´ ઉ.થી 21° 0´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 102° 0´ પૂ.થી 109° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તે આજે ‘વિયેટનામનું સમાજવાદી પ્રજાસત્તાક’ (Socialist Republic of Vietnam)  એ નામે ઓળખાય છે અને તેનું પાટનગર હેનોઈ છે.

વિયેટનામ

આ દેશ ઉત્તર-દક્ષિણ લગભગ 1,600 કિમી. જેટલી લંબાઈ ધરાવે છે. તેના ઉત્તર તથા દક્ષિણના ભાગો પહોળા છે, જ્યારે તેના મધ્યના ભાગો લગભગ સાંકડા છે. વિશાળ સમુદ્રતટ ધરાવતા આ દેશની દક્ષિણમાં થાઇલૅન્ડનો અખાત આવેલો છે, જ્યારે તેના પૂર્વતટ પર દક્ષિણ ચીનનો સમુદ્ર વિસ્તરેલો છે. જોકે આ દેશના ઉત્તરકાંઠાના ભાગોની પૂર્વમાં ટૉન્કિનનો અખાત છે, જે દક્ષિણ ચીનના સમુદ્રના ભાગ રૂપે છે. આ દેશની ઉત્તરની સીમા ચીનને તેમજ પશ્ચિમની સીમાઓ લાઓસ તથા કમ્પુચિયાને સ્પર્શે છે. આ દેશનું કુલ ક્ષેત્રફળ આશરે 3,29,566 ચોકિમી. જેટલું છે.

પ્રાકૃતિક રચના તથા જળપરિવાહ : આ દેશના મોટાભાગના વિસ્તારો ડુંગરાળ છે. દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલાં પહાડી ક્ષેત્રો વાસ્તવમાં યુનાનના ઉચ્ચપ્રદેશમાંથી નીકળેલી પર્વતશાખાઓ છે, જે મુખ્યત્વે ચૂનાના તથા અગ્નિકૃત ખડકો દ્વારા રચાયેલી છે. અહીં તેમની સરેરાશ ઊંચાઈ 1,500 મીટર જેટલી થવા જાય છે. આ ભાગમાં આવેલું ફાન સાઈ પાન (Fan Si Pan) નામનું શિખર આશરે 3,142 મી.ની ઊંચાઈ ધરાવે છે. ઉત્તર ભાગમાં આવેલાં ચૂના-ખડકોનાં ક્ષેત્રોમાં કાર્સ્ટ સ્થળાકૃતિઓ રચાયેલી જોવા મળે છે.

લાઓસ સાથેના પૂર્વના સીમાવિસ્તારોમાં ઉત્તર ભાગથી શરૂ થતી અન્નામાઇટ હારમાળા (Annamite Range) દક્ષિણે છેક સાઇગૉન સુધી લંબાયેલી છે. તેના મોટાભાગના પ્રદેશો 2,100 મીટરની ઊંચાઈ ધરાવે છે. દક્ષિણમાં આવેલા ગોક લિન્હ (Ngoc Linh) તથા ચુ યાન્ગ સાઇન (Chu Yang Sin) શિખરોની ઊંચાઈ અનુક્રમે 2,598 મી. તથા 2,405 મી. જેટલી છે. આ હારમાળાના પૂર્વ ભાગના ઢોળાવો સીધા અને ઉગ્ર હોવાથી ત્યાં ઉદ્ભવતી નાની નાની નદીઓના માર્ગ વચ્ચે અનેક જળધોધની રચના થયેલી જોવા મળે છે. અન્નામાઇટ હારમાળાથી દક્ષિણ-પૂર્વમાં આવેલા અન્નામાઇટ ઉચ્ચપ્રદેશના ઘણાખરા ભાગો 600 મી.થી પણ વધુ ઊંચાઈ ધરાવે છે.

દેશના ઉત્તર ભાગમાં વહેતી મુખ્ય નદી રેડ (Red) અથવા સાંગ કોઈ (Song Koi) છે અને બ્લૅક તથા બીજી નદીઓ તેની ઉપનદીઓ છે. રેડ નદી પૂર્વમાં આવેલા ટૉન્કિનના અખાતને મળે છે. તેણે ક્ધિાારાના ભાગોમાં વિશાળ મુખત્રિકોણપ્રદેશની રચના કરી છે, જેને સાંગ કોઈનો મુખત્રિકોણપ્રદેશ કહે છે. તેની દક્ષિણે દરિયાકાંઠે વિશાળ સપાટ મેદાનો પથરાયેલાં છે જે ટૉન્કિનની નિમ્નભૂમિ તરીકે ઓળખાય છે. અહીંથી કિનારે કિનારે શરૂ થતાં સાંકડાં મેદાનો છેક દક્ષિણ સુધી લંબાયેલાં છે, જેને અનામિઝ ક્ધિાારાનાં મેદાનો કહે છે. અન્નામાઇટ હારમાળામાંથી ઉદ્ભવતી સાંગ કા, સાંગ બુઓન્ગ, સાંગ બા વગેરે નદીઓ ક્ધિાારાનાં મેદાનોને કાપીને દક્ષિણ ચીન સમુદ્રને મળે છે.

દેશના છેક દક્ષિણ ભાગમાં કમ્પુચિયામાંથી વહીને આવતી મેકોંગ નદીએ તેના હેઠવાસમાં અનેક શાખા-પ્રશાખાઓમાં વહેંચાઈ જઈને અતિવિશાળ મુખત્રિકોણપ્રદેશ રચ્યો છે. જેનો ઘણોખરો ભાગ દલદલ પંકભૂમિનો બનેલો છે. આ સમગ્ર વિસ્તાર કોચીનના નિમ્નભૂમિના પ્રદેશ તરીકે ઓળખાય છે.

આબોહવા અને કુદરતી વનસ્પતિ : આ દેશ સામાન્ય રીતે ગરમ મોસમી પ્રકારની આબોહવા ધરાવે છે. જોકે દક્ષિણના ભાગો વિષુવવૃત્તની વધુ નજીક હોવાથી ત્યાં વધુ ગરમી રહે છે. આમ છતાં આ દેશ ડુંગરાળ છે, તેથી ઊંચાઈને લીધે તાપમાનમાં થોડોક ઘટાડો નોંધાય છે. તેની સાથે સાથે વધુ ઊંચા ડુંગરાળ પ્રદેશો વિશેષ વરસાદ મેળવે છે. અહીંના લોકોની આર્થિક પ્રવૃત્તિઓ તથા જીવનશૈલી પર આબોહવાની સ્પષ્ટ અસરો પડેલી જોવા મળે છે.

અહીં સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી માસના ગાળા દરમિયાન શિયાળાની ઋતુ ચાલે છે. આ ઋતુમાં વાતા ઈશાનકોણીય મોસમી પવનો સામાન્ય રીતે ઠંડા અને શુષ્ક હોય છે. આમ છતાં આ ઋતુમાં આ પવનો દ્વારા પૂર્વ કિનારાના વિસ્તારો અલ્પ પ્રમાણમાં વરસાદ મેળવે છે. મેથી સપ્ટેમ્બર માસના ગાળા દરમિયાન અહીં ઉનાળાની ઋતુ અનુભવાય છે. આ ઋતુમાં વાતા નૈર્ઋત્યકોણીય મોસમી પવનો સામાન્ય રીતે ગરમ તથા ભેજવાળા હોય છે. આ પવનો અહીં સારો એવો વરસાદ આપે છે, પણ વરસાદનું પ્રમાણ સ્થળે સ્થળે જુદું જુદું હોય છે. આમ છતાં કેટલીક વાર વરસાદની અનિયમિતતા, અનિશ્ચિતતા તથા તેના અપૂરતા પ્રમાણને લીધે ખેતી જોખમાય છે.

દેશના ઉત્તર ભાગમાં આવેલા પાટનગર હેનોઈનાં જાન્યુઆરી તથા જુલાઈ માસનાં સરેરાશ તાપમાન અનુક્રમે 17° સે. અને 29° સે. જેટલાં રહે છે. તેવી જ રીતે દેશના દક્ષિણ ભાગમાં આવેલા સાઇગૉનનાં જાન્યુઆરી તથા જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 23.5° સે. તથા 27° સે. જેટલાં રહે છે. આ દેશ મુખ્યત્વે નૈર્ઋત્યકોણીય મોસમી પવનો દ્વારા વરસાદ મેળવે છે. હેનોઈ તથા સાઇગૉનના વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ અનુક્રમે 1,900 મિમી. તથા 2,042 મિમી. જેટલું હોય છે. વળી દેશના ઉત્તર ભાગમાં આવેલા હ્યૂ શહેરના વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ 2,850 મિમી. હોય છે.

બીજી નોંધપાત્ર બાબત એ છે કે આ દેશના ઉત્તર કિનારાના ભાગો વર્ષાઋતુમાં ટાઇફુન ચક્રવાતનો ભોગ બને છે અને અહીં જાનમાલની ભારે ખુવારી થાય છે; જ્યારે તેના દક્ષિણ કિનારાના ભાગો પર ભાગ્યે જ આ ચક્રવાત અનુભવાય છે.

ઉત્તરના પર્વતીય ઢોળાવો પર ભેજવાળાં પાનખર જંગલો છવાયેલાં છે. અહીં કઠણ ઇમારતી લાકડું આપતાં વૃક્ષો પૈકી સાગ મહત્વનું વૃક્ષ છે. વળી અહીં વાંસ, નેતર, ઝાડીઝાંખરાં તથા ઘાસ જેવી વનસ્પતિ પણ થાય છે. વિશેષ ઊંચાં પર્વતીય ક્ષેત્રો પોચું લાકડું આપતાં દેવદારનાં વૃક્ષો ધરાવે છે. દેશના દક્ષિણ ભાગમાં કઠણ લાકડું આપતાં વૃક્ષોનું પ્રમાણ આશરે 86 % જેટલું છે. તેમાં સાગ, આયર્નવુડ (Pyinkado) તથા બીજાં અનેક પ્રકારનાં વૃક્ષોનો સમાવેશ થાય છે. અહીં વાંસ, નેતર અને ઝાડીઝાંખરાં પણ થાય છે. વળી વિશેષ ઊંચા પહાડી પ્રદેશોમાં પોચું લાકડું આપતાં વૃક્ષો પણ જોવા મળે છે. રેડ તથા મેકૉંગ નદીઓના મુખત્રિકોણપ્રદેશોમાં વાયુશિક્ (mangrove) વનસ્પતિ ઊગી નીકળે છે. દેશનાં જંગલોમાંથી ઇમારતી લાકડું, બળતણી લાકડું, કોલસો, તુંગ તેલ (Tung oil), ટર્પેન્ટાઇન તેલ, રેઝિન (resin), ઔષધિઓ અને બીજી અનેક પ્રકારની જંગલ-પેદાશો મેળવાય છે. આમ છતાં વનસંરક્ષણ અંગેના ઉપાયો પ્રત્યે ઉદાસીનતા સેવાય છે. દક્ષિણનાં પહાડી ક્ષેત્રો પર એક વખત ગીચોગીચ જંગલો છવાયેલાં હતાં, પણ અહીં વસવાટ કરતા આદિવાસીઓ ‘સ્થળ બદલતી ખેતી-પદ્ધતિ’ અપનાવતા હોવાથી આ જંગલોને જ્યાં બાળી નાંખવામાં આવેલાં છે, ત્યાં આજે હવે સવાના ઘાસભૂમિ તથા ખુલ્લો વગડો જણાય છે.

ખેતી : વિયેટનામ ખેતીપ્રધાન દેશ હોઈ તેનો આર્થિક પાયો ખેતીપ્રવૃત્તિ પર રચાયેલો છે. તેની 90 % વસ્તી ગ્રામવિસ્તારોમાં વસવાટ કરે છે અને ખેતી દ્વારા રોજગારી પ્રાપ્ત કરે છે. દેશના ઉત્તર ભાગમાં આવેલાં નદીઓનાં મેદાનોમાં પુષ્કળ પ્રમાણમાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર પછી શેરડીની ખેતીનો ક્રમ આવે છે. વળી ડુંગરાળ ભાગોમાં મકાઈ તથા ડુંગરાળ ચોખાની ખેતી પણ થાય છે. આ ઉપરાંત રબર, કૉફી, ચા, ગરમ મસાલા વગેરેની બાગાયતી ખેતી કરવામાં આવે છે. અન્ય ખેતપેદાશોમાં કપાસ, તમાકુ, દીવેલા, શણ વગેરેનો સમાવેશ થાય છે.

ટૉન્કિનનો નિમ્નભૂમિનો પ્રદેશ રેડ નદી તથા તેની ઉપનદીઓ દ્વારા કાંપનો બનેલો છે. જોકે વરસાદની અનિયમિતતાને લીધે અહીં સિંચાઈની મદદથી ડાંગરની ઘનિષ્ઠ ખેતી કરવામાં આવે છે અને વર્ષમાં ડાંગરના બે પાક લેવાય છે. નદીઓના પૂરની સપાટીથી ઊંચાઈએ આવેલા જૂના કાંપનાં, પગથિયાં જેવાં શુષ્ક મેદાનોમાં શક્કરિયાં, મકાઈ, વટાણા, ફળો તથા શાકભાજી વગેરેની ખેતી ઉપરાંત પશુપાલનપ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. આ ભાગોમાં ડુક્કર તથા મરઘાંઉછેરની સાથે સાથે શેતૂરનાં વૃક્ષો પર રેશમના કીડાઓનો ઉછેર કરીને રેશમનું ઉત્પાદન પણ લેવાય છે.

હેનોઈમાં હો ચિ મિન્હનું સ્મારક

દેશના પૂર્વ ભાગમાં કિનારે કિનારે પથરાયેલાં મેદાનોમાં ડાંગરની ઘનિષ્ઠ ખેતી કરવામાં આવે છે અને વર્ષમાં ડાંગરના ત્રણ પાક લેવાય છે. વળી શેરડી, કપાસ, ફળો તથા શાકભાજીની ખેતી ઉપરાંત રેશમનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. દક્ષિણમાં આવેલો મેકૉંગનો મુખપ્રદેશ કાંપની ફળદ્રૂપ જમીનો ધરાવે છે. અહીં પુષ્કળ પ્રમાણમાં ડાંગર પાકે છે, જેથી તેને ‘ચોખાની ગૂણ’ની ઉપમા આપવામાં આવેલી છે. આ ઉપરાંત અહીં કંદમૂળના પાકો (મુખ્યત્વે યામ, મેનિયૉક, શક્કરિયાં વગેરે), ફળો અને શાકભાજી, શેરડી, કપાસ, મગફળી વગેરેની ખેતી પણ કરવામાં આવે છે.

અન્નામાઇટ ઉચ્ચપ્રદેશની રાતી જમીનો રબરનાં વૃક્ષોને વધુ માફક આવે છે. અહીં વિશેષ પ્રમાણમાં રબરની વ્યાપારી બાગાયતી ખેતી ઉપરાંત થોડાક પ્રમાણમાં ચા, કૉફી, સિંકોના, તજ, મરી, તમાકુ, ડુંગરાળ ચોખા વગેરેનું ઉત્પાદન પણ લેવાય છે. વળી આ ભાગોમાં બકરાં, ડુક્કર તથા મરઘાંઉછેર પણ કરવામાં આવે છે.

અહીંનાં ડાંગરનાં ખેતરો, નદીઓ, તળાવો તથા અન્ય જળાશયોમાં માછલાંનો ઉછેર કરવામાં આવે છે. કેટલાક ખેડૂતોએ સહકારી ધોરણે મત્સ્યફાર્મની સ્થાપના કરીને મત્સ્ય-ઉદ્યોગનો વિકાસ કર્યો છે, જે ખેડૂતોનું પૂરક આવકનું સાધન બન્યો છે. મુખ્યત્વે અહીંના લોકોના ખોરાકની પ્રિય વાનગી તાજી કે સુકવણી કરેલી માછલી છે. આ દેશ વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. માછીમારો યાંત્રિક અને બિનયાંત્રિક મત્સ્યનૌકાઓ દ્વારા દરિયામાંથી મુખ્યત્વે ક્રૉફિશ અને પ્રોન્સ માછલાં પકડે છે. અહીંથી થોડાક પ્રમાણમાં મત્સ્યનો સૉસ તેમજ માછલીની ફ્રાન્સ તથા અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

સરકાર હવે એક જ પ્રકારના ડાંગરના પાકની ખેતીને બદલે, વિવિધ પ્રકારના પાકોની ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે. તેના ફલસ્વરૂપે આજે શક્કરિયાં, ટૅપિયૉકા (tapioca), મકાઈ, વટાણા વગેરેનું મોટા પાયે વાવેતર થવા લાગ્યું છે. હેનોઈ તથા હાઇફૉંગ જેવાં મોટાં નગરોના પરાવિસ્તારોમાં સહકારી ધોરણે હવે શાકભાજી તથા ફળોનું ઉત્પાદન કરવું, એક કૌટુમ્બિક વ્યવસાય થઈ ગયો છે.

ખેતી આ દેશના લોકોના જીવન સાથે વણાઈ ગયેલી એક મહત્વની પ્રવૃત્તિ છે. દિન-પ્રતિદિન સતત વધતી જતી દેશની વસ્તીની ખાદ્ય જરૂરિયાતો પૂરી પાડવા માટે અહીંની સરકાર ચિંતિત છે. જમીનમાંથી વધુ ને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે માટે સરકાર ખેતી-સુધારણા કરવાનું વિચારી રહી છે. તેમાં સુધારેલી ખેતી-પદ્ધતિઓથી માંડીને સુધારેલાં બિયારણો, રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓ તેમજ યંત્રોનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. આમ છતાં ખેતીને લગતી કેટલીક સમસ્યાઓ મૂંઝવણરૂપ છે : (1) યુદ્ધની અસરોને લીધે ખેતીનું પરંપરાગત કૌશલ્ય ધરાવતા ખેડૂતો હવે રહ્યા નથી. (2) વારસાગત જમીન-મિલકતની વહેંચણી-પ્રથાને કારણે ખેતરોનાં કદ નાનાં ને નાનાં થતાં જાય છે. નાના-નાના જમીન-પ્લૉટો પર યંત્રોનો ઉપયોગ ખેડૂતને પરવડતો નથી; એટલું જ નહિ, પણ એક ખેતરથી બીજા ખેતરને અલગ પાડતા માટીના પાળા, નહેરોની જાળ વગેરે યંત્રોના ઉપયોગ આડે અંતરાય ઊભો કરે છે.

ખનિજસંપત્તિ તથા ઉદ્યોગો : આ દેશમાંથી ઓછાવત્તા પ્રમાણમાં કોલસો, કલાઈ, સીસું, જસત, ઍન્ટિમની, લોખંડ, ક્રોમિયમ, ગ્રૅફાઇટ, ટંગસ્ટન, સોનું, ફૉસ્ફેટ વગેરેનાં ખનિજો – ધાતુખનિજો મળી આવે છે. જોકે દેશની 95 % ખનીજો તેના ઉત્તર ભાગમાંથી મેળવાય છે. ઉત્તરે આવેલું ક્વાન્ગ યેન થાળું (Quang Yen બૅસિન) ઍન્થ્રેસાઇટ કોલસાની ખુલ્લી ખાણો ધરાવે છે. કોલસાનું વાર્ષિક ઉત્પાદન લગભગ 35 લાખ ટન જેટલું છે. વિયેટનામના દક્ષિણ ભાગમાં દાનાન્ગ પાસેના નૉન્ગ સૉન (Nong Son) ખાતેથી પણ એન્થ્રેસાઇટ કોલસો ખોદી કાઢવામાં આવે છે. ઉત્તર વિયેટનામમાં પાઇયા ઑઉક (Pia Ouac) પર્વતમાળાના ટિન્હ ટુક (Tinh Tuc) ખાતેથી કલાઈનાં તેમજ ઉત્તર ટૉન્કિનમાંથી જસતનાં ખનિજો મળે છે.

ઉત્તર વિયેટનામ રૉક ફૉસ્ફેટની સમૃદ્ધ અનામતો ધરાવે છે. આ ઉપરાંત અહીં અલ્પ પ્રમાણમાં ઍન્ટિમની, ક્રોમાઇટ, ગ્રૅફાઇટ, લોહખનિજો, સીસું, બૉક્સાઇટ તથા મીઠાનું પણ ઉત્પાદન થાય છે. દેશના દક્ષિણ ભાગમાં આવેલા પારાસેલ (Paracel) ટાપુઓમાંથી પણ ફૉસ્ફેટ મેળવાય છે. આ ભાગમાં કૅમ રાન્હ બે(Cam Ranh Bay)ની નજીકથી સિલિકાની રેતી મેળવાય છે, જેનો ઉપયોગ કાચ બનાવવા માટે થાય છે. વળી અહીં બૉન્ગ મ્યૂ (Bong Mieu) ખાતેથી સોનું પણ પ્રાપ્ત થાય છે.

આ દેશમાં ઉદ્યોગો માટેનો જરૂરી કાચો માલ ખાસ કરીને સ્થાનિક રીતે ઉપલબ્ધ થતાં ખનીજો, ખેત અને પશુપેદાશો, જંગલો વગેરેમાંથી મેળવાય છે. એવી જ રીતે યંત્રો દ્વારા ઉત્પાદિત થતા માલ વડે મુખ્યત્વે સ્થાનિક બજારની જરૂરિયાતો સંતોષાય છે. આજે અહીં ઉદ્યોગો ચલાવવા માટે જરૂરી એવો કેળવાયેલો માનવશ્રમ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે, પણ તેમાં ચીનાઓનું પ્રમાણ સૌથી વિશેષ છે. દેશમાં મોટા પાયા પરના ઉદ્યોગોનું પ્રમાણ અલ્પ છે, પણ નાના અને મધ્યમ પાયાના ઉદ્યોગો અનેક છે. અહીં મુખ્યત્વે હેનોઈ, હાઇફૉંગ, સાઇગૉન-છોલૉન (Saigon-Chholon), દાનાન્ગ, હ્યૂ વગેરે નગરોમાં તેમજ અન્યત્ર છૂટાંછવાયાં કેન્દ્રોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. ખાસ કરીને ટૉન્કિનની નિમ્નભૂમિના પ્રદેશમાં તથા ઉત્તર અન્નામનાં ક્ષેત્રોમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો કેન્દ્રિત થયેલા છે.

હેનોઈ તથા હાઇફૉંગમાં મુખ્યત્વે ખાદ્યપ્રક્રમણ, લોખંડ-પોલાદ, સુતરાઉ તથા રેશમી કાપડ, ગરમ ધાબળા, સિમેન્ટ, દીવાસળી, મીણબત્તી, ચામડાં, સાબુ, કાચ, પીણાં અને દારૂ, ધાતુકામ અને યંત્રનિર્માણ, બાંધકામની ચીજવસ્તુઓ, ટાઇલ્સ, ઑક્સિજન, ઇજનેરી વગેરેને લગતા ઉદ્યોગોનો વિકાસ થયો છે. વળી હાઇફૉંગમાં જહાજ-બાંધકામ-ઉદ્યોગ અગત્યનો છે. યુદ્ધની માઠી અસરોને લીધે ઔદ્યોગિક વિકાસ રૂંધાયો હતો, આથી અનેક દેશોની આર્થિક અને તક્નીકી સહાયથી નવા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ શકી છે; જેમ કે, ચેકોસ્લોવૅકિયાની મદદથી હાઇફૉંગમાં પ્લાયવૂડનું કારખાનું, પોલૅન્ડની મદદથી ખાંડ-શુદ્ધીકરણનું કારખાનું તેમજ જર્મનીની મદદથી કાચનાં કારખાનાં ચાલુ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સાબુ, સિગારેટ, વિદ્યુત-લૅમ્પ, એનૅમલ સરસામાન, ગૂંથણને લગતી ચીજવસ્તુઓ વગેરે બનાવવાને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે ચીનનો સહકાર પ્રાપ્ત થયો છે. આ બંને મોટાં નગરોની બહાર લાન્ગ સૉન (Lang Son) ખાતે કાપડની મિલ તેમજ વિયેત ત્રિ (Viet Tri) તથા ડૅપ કાઉ (Dap Cau) ખાતે રાસાયણિક ખાતરનું કારખાનું સ્થાપવાનું આયોજન છે. વળી વિન્હ (Vinh), હેનોઈ અને હાઇફૉંગમાં રેલવે-વર્કશૉપ આવેલી છે. આ સિવાય નામ દિન્હ(Nam Dinh)માં સુતરાઉ કાપડવણાટ, રેશમ, કાચ, દારૂ વગેરેને લગતા ઉદ્યોગો સ્થપાયા છે.

વિયેટનામના દક્ષિણ ભાગોમાં સાઇગૉન-છોલૉન(Saigon-Chholon)ની આસપાસ મોટાભાગના ઔદ્યોગિક એકમો આવેલા છે. અહીં ચોખાનો મિલ-ઉદ્યોગ વધુ મહત્વનો છે. આ ઉપરાંત પીણાં તથા આઇસક્રીમ, સુતરાઉ કાપડ, સિમેન્ટ, કાગળનો માવો તથા કાગળ, પ્લાસ્ટિકનો સરસામાન, ટાયર, દીવાસળી, બૅટરી, સાબુ, ઍૅસેટિલીન વાયુ, તેજાબ, તમાકુની બનાવટો, સીવણયંત્રો, તેમજ છૂટક ભાગો જોડીને સાઇકલ, મોટર-સાઇકલ, સ્કૂટર, રેડિયો, ટી. વી., મોટરવાહનો વગેરેનું ઉત્પાદન કરવાને લગતા ઉદ્યોગો છે. વળી દાનાન્ગ ખાતે ઔદ્યોગિક વસાહત આવેલી છે, જ્યાં વિવિધ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ થાય છે. દક્ષિણ વિયેટનામમાં ભારે ઉદ્યોગોનું પ્રમાણ નહિવત્ છે. અહીં સાબુ, કાપડ, વાતશૂન્ય ડબ્બાઓમાં પૅક કરેલા ખાદ્યપદાર્થો તેમજ સાચવણી કરેલાં ફળો તથા માછલી, બૅટરી, પ્લાસ્ટિકનો સરસામાન વગેરે ઔદ્યોગિક પેદાશોની સ્થાનિક બજારમાં ભારે માંગ રહે છે.

આ દેશમાં ફ્રાન્સ, યુ.એસ., જાપાન તેમજ બીજાં રાષ્ટ્રોની મૂડી-સહાયથી તથા તાઇવાન અને અન્ય દેશોની તક્નીકી સહાયથી નવા-નવા ઔદ્યોગિક એકમો સ્થાપવાનું કાર્ય ચાલુ છે.

પરિવહન તથા વ્યાપાર : યુદ્ધ દરમિયાન રેલ તથા સડક જેવા ભૂમિમાર્ગોને તેમજ બંદરોને નુકસાન થયું હતું; પણ હવે આ બધાંનું મરામતકાર્ય લગભગ પૂર્ણ થયું છે. ઉત્તરમાં હેનોઈ-હાઇફૉંગ રેલમાર્ગ આશરે 104 કિમી. લંબાઈ ધરાવે છે. હેનોઈથી દેશના વિવિધ ભાગોમાં જતા રેલમાર્ગો પૈકી દક્ષિણમાં કિનારે-કિનારે થઈને હો ચી મિન્હ નગર(સાઇગૉન)ને જોડતો રેલમાર્ગ સૌથી વધુ અગત્યનો છે. તેના પર નામ દિન્હ (Nam Dinh), વિન્હ (Vinh), દાનાન્ગ, બિન દિન્હ (Bin Dinh) વગેરે અગત્યનાં રેલમથકો આવેલાં છે. આ સિવાય હેનોઈને ઉત્તરમાં આવેલા મુક ક્વાન (Muc Quan) સાથે, વાયવ્યમાં આવેલા લાઓ કાય (Lao Kay) સાથે તેમજ ઉત્તરમાં આવેલા થાઈ ગુયેન (Thai Nguyen) સાથે સાંકળતા રેલમાર્ગો પણ આવેલા છે. દેશના દક્ષિણ ભાગમાં આવેલું સાઇગૉન પણ અગત્યનું રેલમથક છે. વળી સાઇગૉન ઉત્તરમાં લોક નિન્હ (Loc Ninh) સાથે તથા દક્ષિણમાં માય થો (May Tho) સાથે રેલમાર્ગે સંકળાયેલું છે.

આ દેશમાં બધા જ પ્રકારના આશરે 33,500 કિમી. લંબાઈના સડકમાર્ગો આવેલા છે, જે દેશનાં અગત્યનાં શહેરો તથા બંદરોને જોડે છે. કેટલાક સડકમાર્ગો પશ્ચિમમાં લાઓસને તથા ઉત્તરમાં ચીન સાથે સંકળાયેલા છે. સાઇગૉન-છોલૉન તથા તેમની આસપાસના ભાગોમાં ઉત્તમ પ્રકારની પરિવહનસેવાઓ ઉપલબ્ધ છે.

દેશના ઉત્તર ભાગનું મુખ્ય બંદર હાઇફૉંગ છે. આ બંદરનું બારું ઊંડું અને રક્ષિત છે. અહીં વિવિધ દેશોનાં જહાજોની નિયમિત અવરજવર થતી રહે છે. દક્ષિણ ભાગનાં મુખ્ય બંદરોમાં હો ચી મિન્હનગર (સાઇગૉન) તથા દાનાન્ગનો સમાવેશ થાય છે. દાનાન્ગમાં દેશનું નૌસેનાકેન્દ્ર આવેલું છે. સાઇગૉન બંદરનું બારું સમુદ્રથી 75 કિમી. દૂર સાઇગૉન નદીના જમણા કાંઠે આવેલું છે. તેનો આશરે 4 કિમી.નો ધક્કો એકીસાથે 25થી પણ વધુ જહાજો લાંગરી શકાય તેવો છે. અહીંથી સાઇગૉનને જોડતા બે જળમાર્ગો આવેલા છે.

આ દેશમાં હેનોઈ તથા હો ચિ મિન્હનગર (સાઇગૉન) આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો ધરાવે છે. ‘એર વિયેટનામ’ દ્વારા પડોશી દેશોને જોડતી આંતરરાષ્ટ્રીય હવાઈ-સેવાઓ તેમજ દેશનાં મુખ્ય શહેરોને જોડતી આંતરિક હવાઈસેવાઓ ઉપલબ્ધ છે. વિયેટનામનો વિદેશો સાથેનો મોટાભાગનો આયાતનિકાસ-વ્યાપાર હો ચી મિન્હ નગરના બંદર મારફત થાય છે. આ બંદર પર ભીડભાડથી બચવા માટે તેનાથી આશરે 2.5 કિમી. ઉપરવાસમાં એક નવું બંદર બાંધવામાં આવ્યું છે. જોકે તેનો ઉપયોગ મુખ્યત્વે અમેરિકાનાં લશ્કરી જહાજો  માટે કરવામાં આવે છે. આ દેશ મુખ્યત્વે પૂર્વ યુરોપના દેશો, સિંગાપોર, સી.આઇ.એસ. દેશો, જાપાન, હૉંગકૉંગ, થાઇલૅન્ડ વગેરે સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે. તે મુખ્યત્વે લોહ-પોલાદની પેદાશો, રેલવેનાં સાધનો, દવાઓ, કાચું રૂ, ખાતરો, અનાજ, પેટ્રોલિયમ, રસાયણો વગેરેની આયાત કરે છે; જ્યારે તે મુખ્યત્વે ખેતપેદાશો, કોલસો, ખનિજો, લાકડાં અને તેની પેદાશો વગેરેની નિકાસ કરે છે.

વસ્તી અને વસાહતો : આજે આ દેશની વસ્તી આશરે 795 લાખ (2000) જેટલી છે. આ પૈકીની ગ્રામીણ વસ્તીનું પ્રમાણ લગભગ 90 % જેટલું છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર દેશના વિવિધ ભાગોમાં ભિન્ન ભિન્ન વસ્તીગીચતા જોવા મળે છે. દેશના ઉત્તર ભાગમાં આવેલા સાંગ કોઈ અથવા રેડ નદીના તથા દક્ષિણ ભાગમાં આવેલા મેકોંગ નદીના મુખત્રિકોણપ્રદેશો અને તેમની આસપાસના વિશાળ વિસ્તારો અત્યંત ઉત્પાદક તથા સમૃદ્ધ છે. અહીં આવેલાં શહેરી કેન્દ્રોમાં દેશની રાજકીય, વ્યાપારિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વગેરે પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે. જેથી આ ભાગોમાં ગીચ વસ્તી કેન્દ્રિત થયેલી છે. આ બંને મુખત્રિકોણોને જોડતા દરિયાકાંઠાના પ્રદેશોમાં પણ છૂટાંછવાયાં ગીચ વસ્તીનાં કેન્દ્રો આવેલાં છે. આ સિવાયના દેશના બાકીના ભાગો પહાડી ક્ષેત્રો તથા જંગલો ધરાવે છે. આ ભાગોમાં ખેતી તથા અન્ય આર્થિક પ્રવૃત્તિઓનો વધુ વિકાસ થઈ શકે તેમ નથી. અહીં વસ્તીનું પ્રમાણ અત્યંત ઓછું છે. આ પ્રદેશોમાં આદિવાસી વસ્તીજૂથો વસે છે.

આ દેશના ઉત્તર ભાગમાં 80 %થી વધુ વસ્તી વિયેટનામી લોકોની છે. લઘુમતી વસ્તીજૂથોમાં તાય (Tay) તથા નુંગ (Nung) લોકોનો સમાવેશ થાય છે. તેઓ રેડ નદીના ખીણપ્રદેશથી ઈશાન ખૂણામાં વસે છે. આ સિવાય પશ્ચિમ ભાગોમાં થાઈ લોકો તેમજ આશરે 1,093 મી.થી વધુ ઊંચા ડુંગરાળ પ્રદેશોમાં મી (Mee) લોકો વસે છે. આ ઉપરાંત હેનોઈ તથા હાઇફૉંગ તેમજ બીજાં શહેરોમાં ચીના લોકોની વસ્તી વિશેષ છે.

દેશના દક્ષિણ ભાગોમાં પણ વિયેટનામી લોકોનું વસ્તીપ્રમાણ ઘણું વધારે છે. ડુંગરાળ પ્રદેશોમાં બાહનર (Bahnar), રહાડે (Rhade), જારાઈ (Jarai) વગેરે જાતિજૂથો ધરાવતા આદિવાસીઓ વસવાટ કરે છે. વળી દક્ષિણમાં કમ્બોડિયન, ચીના અને ફ્રેંચ લોકોની પણ થોડીક વસ્તી છે. આ દેશની સત્તાવાર ભાષા વિયેટનામી છે. આ ઉપરાંત અહીં ફ્રેંચ, અંગ્રેજી ખ્મેર તથા ચીની ભાષાઓ વપરાશમાં છે. આ દેશમાં તાઓ, બૌદ્ધ, ક્ધફ્યૂશિયસ, ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે ધર્મો પળાય છે. શિક્ષણનું પ્રમાણ 94 % જેટલું છે.

દેશના ઉત્તર ભાગમાં રેડ અથવા સાંગ કોઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ ઘણો જ ફળદ્રૂપ અને સમૃદ્ધ છે. ત્યાં હેનોઈ તથા હાઇફૉંગ જેવી મોટી શહેરી વસાહતો આવેલી છે. હેનોઈ આજે આ દેશનું પાટનગર છે અને આ અગાઉ ઉત્તર વિયેટનામનું રાજ્ય અલગ હતું ત્યારે તે તેનું પાટનગર હતું. આજે તેની વસ્તી 2,67,000 (1999) જેટલી છે. આજે તે દેશનું એક અગત્યનું ઔદ્યોગિક, વ્યાપારિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે; જ્યારે હાઇફૉંગ, એ દેશના ઉત્તર ભાગનું એક મોટું બંદર છે. દેશના દક્ષિણ ભાગમાં મેકૉંગના ફળદ્રૂપ અને સમૃદ્ધ મુખત્રિકોણપ્રદેશમાં આવેલું હો ચિ મિન્હ નગર (Ho Chi Minh City) અથવા સાઇગૉન, એ દેશનું સૌથી મોટું શહેર અને બંદર છે. આ ઉપરાંત તે દેશનું એક મોટું ઔદ્યોગિક મથક તેમજ વ્યાપારિક તથા સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ અગાઉ દક્ષિણ વિયેટનામ રાજ્યનું તે પાટનગર  31,69,135 વસ્તી (1999) હતું. આ નગરની નજીકમાં જ છોલૉન શહેર આવેલું હોવાથી આ બંને નગરો એકમેકમાં ભળી ગયાં છે. આજે  (1999) તેમની સંયુક્ત વસ્તી 35 લાખ છે. છોલૉન નગરમાં ચીનાઓની વસ્તીનું પ્રમાણ વિશેષ છે. આ ઉપરાંત દાનાન્ગ અને હ્યૂ (Hue) પણ અગત્યની શહેરી વસાહતો છે.

ઇતિહાસ : બીજા વિશ્વયુદ્ધ પહેલાં અગ્નિ એશિયામાં ‘હિન્દી ચીન’ (Indo-China) નામે ઓળખાતો પ્રદેશ ફ્રેંચ શાસન તળે હતો. તેમાં બે પ્રદેશોનો સમાવેશ થતો હતો : (1) કોચીન ચાઇના(Cochin China)નું સંસ્થાન કે જે આજે દક્ષિણ વિયેટનામનો એક ભાગ છે. (2) અન્નામ, ટૉન્કિન, કંબોડિયા અને લાઓસના સંરક્ષિત પ્રદેશો. બીજા વિશ્વયુદ્ધ પછી આ બધા દેશો સ્વતંત્ર થયા, પણ ઈ. સ. 1946 અને 1949 વચ્ચે ટૉન્કિન, અન્નામ અને કોચીન ચાઇનાનું જોડાણ થતાં આ આખો પ્રદેશ ‘વિયેટનામ’ નામે ઓળખાયો; જ્યારે કમ્બોડિયા અને લાઓસ સ્વતંત્ર રહ્યાં,  પણ જે તે દેશના રાજાઓની છત્રછાયા નીચે.

ઈ. સ. 1954માં સામ્યવાદીઓએ વિયેટનામના ઉત્તર ભાગ પર કબજો મેળવ્યો અને આ પ્રદેશ વિયેટ મિન્હ (Viet Minh) કે ‘ઉત્તર વિયેટનામ’ નામે ઓળખાયો. વિયેટનામ યુદ્ધ ખાસ કરીને દ. વિયેટનામમાં ઈ. સ. 1954થી શરૂ થયું. તેમાં એક બાજુએ યુ.એસ.ના પીઠબળસહિતનાં સરકારી લશ્કરી દળો હતાં, તો સામેની બાજુએ ઉ. વિયેટનામને ટેકો આપનાર ગેરીલાઓ તથા સોવિયેત લશ્કરી દળો હતાં. દક્ષિણ વિયેટનામને આ યુદ્ધ લડવામાં યુ.એસે. વધુ ને વધુ લશ્કરી મદદ કરી. આ યુદ્ધને પરિણામે વિયેટનામમાં જાનમાલની ભારે ખુવારી થઈ. આ યુદ્ધ સામાન્ય રીતે ઈ. સ. 1973માં સમાપ્ત થયું, પણ દક્ષિણમાં ગેરીલાપ્રવૃત્તિ ચાલુ રહી.

ઈ. સ. 1975માં દક્ષિણ વિયેટનામ સામ્યવાદી લશ્કરી દળોથી હારી ગયું અને ધીમે ધીમે રાજકીય પુનર્ગઠનની પ્રક્રિયા શરૂ થઈ. સામાન્ય રીતે 2 જી જુલાઈ, 1976થી ઉત્તર વિયેટનામ તથા દક્ષિણ વિયેટનામનું એકીકરણ થતાં ‘વિયેટનામનું સમાજવાદી પ્રજાસત્તાક’ (Socialist Republic of Vietnam) રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આ નવા દેશને ઉત્તર વિયેટનામના પાટનગર, ધ્વજ, રાષ્ટ્રગીત, મુદ્રા અને ચલણ લાગુ પાડવામાં આવ્યાં.

બિજલ પરમાર