વિમાનવાહક જહાજ : લડાયક વિમાનોને વહન કરી તેનાં ઉડ્ડયન અને ઉતરાણને શક્ય અને સહેલું બનાવનારું અત્યંત શક્તિશાળી જહાજ. તેનો સૌથી ઉપલો માળ વિશાળ સપાટી ધરાવતી વિમાનપટ્ટી (air strip) ધરાવતો હોવાથી તે ‘ફ્લૅટ ટૅપ્સ’ (flat-taps) અથવા ‘ફ્લૅટ ડેક’ (flat-deck) નામથી પણ ઓળખાતાં હોય છે. વિશ્વમાં સૌથી પહેલું વિમાનવાહક જહાજ 1925માં અમેરિકાએ દરિયામાં ઉતાર્યું હતું, જેનું નામ ‘યુ.એસ.એસ.સારાટોગા’ (USS Saratoga) રાખવામાં આવ્યું હતું. તે પૂર્વે દરિયાઈ યુદ્ધ દરમિયાન શસ્ત્રસરંજામ ધરાવતી મધ્યમ પ્રકારની યુદ્ધનૌકાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. 1925માં અમેરિકાના નૌકાદળમાં દાખલ થયેલ વિમાનવાહક જહાજો અગાઉની યુદ્ધનૌકાઓનું સુધારેલું સ્વરૂપ હતાં. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં 1942માં ભારે તોપો અને બખ્તરવાળી અગાઉની યુદ્ધનૌકાઓની અવેજીમાં વિશાળ કાયા ધરાવતાં વિમાનવાહક જહાજો દાખલ કરવામાં આવ્યાં. તેમના વગર હવે કોઈ પણ દરિયાઈ યુદ્ધ લડી શકાતું નથી. 1942માં ઑસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા પરના કોરલ સી (Coral Sea) ખાતે થયેલા યુદ્ધમાં પહેલી વાર તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી વિમાનવાહક જહાજોનું વિસ્તરણ કરવામાં આવ્યું અને તેમાં ઘણા સુધારાવધારા કરવામાં આવ્યા છે. વીસમી સદીના સાતમા દાયકાથી આણ્વિક ઊર્જા દ્વારા તેમનું સંચાલન થતું હોય છે.

પોતાના રક્ષણ માટે તેમના પર ઓછામાં ઓછી સંખ્યામાં તોપો અને સંરક્ષણાત્મક મિસાઇલો બેસાડવામાં આવતાં હોય છે. તે યુદ્ધનૌકાઓના સમૂહમાં વિહાર કરતાં હોય છે અને તેથી વિમાનવાહક જહાજોનું રક્ષણ કરવાની જવાબદારી ક્રૂઝરો, વિનાશિકાઓ તથા પનડૂબીઓની હોય છે. તેમના સૌથી ઉપલા માળ (deck) પર કમાન્ડ ઍન્ડ નૅવિગેશન બ્રિજેસ, સંદેશવાહક સાધનો, રડારને લગતાં ઉપકરણો તથા ‘સ્મોક સ્ટૅક’ (smoke stack) હોય છે; જ્યારે તેના બીજા નંબરના માળ પર સમારકામ કરવા માટેની કાર્યશાળાઓ, સૈનિકોના રહેઠાણની ઓરડીઓ, ભોજનશાળા ઉપરાંત બૉમ્બ, શસ્ત્રાસ્ત્રો, બળતણ અને ખોરાક માટેનાં સંગ્રહસ્થાનો હોય છે.

માત્ર તેલવાહક જહાજો જ તેમના કરતાં આકારમાં કદમાં મોટાં હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે