વિપશ્યના

February, 2005

વિપશ્યના : ભારતની અત્યંત પુરાતન સાધનાવિધિ. લગભગ 2500 વર્ષ પૂર્વે ગૌતમ બુદ્ધે આ વિલુપ્ત થઈ ગયેલી સાધનાવિધિને ફરી શોધી અને જનકલ્યાણાર્થે સર્વસુલભ બનાવી. પ્રાચીન પાલિ ભાષામાં ‘વિપશ્યના’ શબ્દનો અર્થ ‘યથાર્થને જેવું છે તેવું જોવું’ એટલે કે અંતર્મુખ થઈને પોતાની જાતનું, તેના યથાર્થ સ્વરૂપનું સાક્ષી ભાવે નિરીક્ષણ કરવું. આમ, અંતરમનના છેક ઊંડાણ સુધી પહોંચી સંપૂર્ણ ચિત્તવિશુદ્ધિ કરવાની આ એક અજોડ, સાર્વત્રિક, વૈજ્ઞાનિક સાધના છે.

મનમાં જ્યારે ક્રોધ, લોભ, ઈર્ષ્યા, ભય, દ્વેષ, દુર્ભાવના, અસુરક્ષા જેવા વિકાર જાગે છે ત્યારે અસીમ દુ:ખનું કારણ બને છે. વિપશ્યનાના અભ્યાસ દ્વારા આ વિકારોના કારણને ધીરે ધીરે જડમૂળથી દૂર કરી કલ્યાણકારી, સુખી અને નિર્મળ જીવન જીવવાની કળા હસ્તગત કરી લેવાય છે.

સમાજના પરિવર્તન માટે વ્યક્તિમાં પરિવર્તન લાવવું અત્યંત આવશ્યક છે. વ્યક્તિના પરિવર્તન માટે વિપશ્યના સમર્થ પદ્ધતિ છે.

ભારતમાં મુંબઈ પાસે ઇગતપુરીમાં ધમ્મગિરિ(પ્રમુખ વિપશ્યના કેન્દ્ર)ના વિપશ્યના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સંશોધને બતાવ્યું છે કે વિપશ્યના સમાજમાં કલ્યાણકારી પ્રભાવ લાવી શકે છે.

અત્યારે 100 કરતાં વધુ દેશોનાં બધાં જ ક્ષેત્રોના લોકો દ્વારા સરકારી, અર્ધસરકારી નિગમો; શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને બિનસરકારી સંસ્થાઓ, જેલો તથા ધાર્મિક વડાઓ દ્વારા વિપશ્યનાનો અભ્યાસ વિશાળ પાયે થઈ રહ્યો છે. વિપશ્યના સાધનાનો માર્ગ સાંપ્રદાયિક તેમજ દાર્શનિક માન્યતાઓથી પૂરેપૂરો પર હોઈ શુદ્ધ ધર્મ છે. સાર્વજનીન દુ:ખરોગનો એ ઇલાજ છે. દુનિયાનો કોઈ પણ માણસ વર્ણ, જાતિ, સંપ્રદાય કે દેશના ભેદભાવ વિના નિ:સંકોચ આ સાધના શીખી તેનાથી પ્રાપ્ત થતાં શુભ પરિણામોથી લાભાન્વિત થઈ શકે છે.

બુદ્ધના સમય દરમિયાન વિપશ્યનાનો અભ્યાસ ઉત્તર ભારતમાં ખૂબ પ્રચલિત હતો. સમય જતાં મ્યાનમાર (બર્મા), શ્રીલંકા અને બીજા પડોશી દેશોમાં પણ તેનો ફેલાવો થયો. ત્યાં પણ તેનો કલ્યાણકારી પ્રભાવ રહ્યો. બુદ્ધથી શરૂ કરીને 500 વર્ષ સુધી વિપશ્યના-સાધના તેના શુદ્ધ સ્વરૂપમાં જળવાયેલી રહી, ભારત તેમજ ભારત બહાર કલ્યાણકારી રહી. ત્યારબાદ વિપશ્યનાની શુદ્ધતા ન જળવાતાં ભારત તેમજ અન્ય દેશોમાંથી પણ તે લુપ્ત થઈ ગઈ. પરંતુ મ્યાનમારમાં થોડાક આચાર્યોની પરંપરા દ્વારા વિપશ્યના તેના શુદ્ધ સ્વરૂપમાં સદીઓ સુધી સચવાઈ રહી.

વર્તમાન સમયમાં મ્યાનમારના માંડલેમાં જન્મેલા એક નિવૃત્ત ભારતીય ઉદ્યોગપતિ સત્યનારાયણ ગોયન્કા વિપશ્યનાનો વિશાળ સ્વરૂપે અભ્યાસ કરાવી રહ્યા છે. સ્વતંત્ર બર્મા(મ્યાનમાર)ના પ્રથમ એકાઉન્ટન્ટ જનરલ, વિખ્યાત બર્મિઝ વિપશ્યના-આચાર્ય સયાજી-ઉ બા ખીને તેમને વિપશ્યના શીખવવા પ્રમાણિત કર્યા હતા.

તેઓ એસ. એન. ગોયન્કા કે ગોયન્કાજી તરીકે વિશ્વમાં જાણીતા છે. તેમણે 1969માં ભારતમાં વિપશ્યના-શિબિરોનું સંચાલન શરૂ કર્યું. 10 વર્ષ પછી તેમણે વિદેશોમાં વિપશ્યના શીખવવાનું શરૂ કર્યું. અત્યારે લગભગ 900 પ્રશિક્ષિત થયેલા આચાર્યો અને સહાયક આચાર્યો ઑડિયો વીડિયોમાં સંચિત થયેલી તેમની સૂચનાઓનો ઉપયોગ કરી તેમના વતી વિપશ્યના-શિબિરોનું સંચાલન કરી રહ્યા છે. ભારતમાં તેમજ પૅસિફિક, એશિયા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને આફ્રિકાનાં 110 કરતાં વધારે વિપશ્યના-કેન્દ્રોમાં શિબિરોનું સંચાલન કરવામાં આવે છે. વિપશ્યના-કેન્દ્રો સિવાય પણ બીજા અનેક કાળજીપૂર્વક નક્કી કરેલાં સ્થળોએ પણ શિબિરોની વ્યવસ્થા થાય છે.

વિપશ્યના કોઈ પણ પ્રકારની જડ માન્યતા, સંપ્રદાય, અંધવિશ્વાસ અને વ્યક્તિપૂજાથી વિમુક્ત છે. સાધકને પોતે જ પોતાના માલિક બનાવી સ્વનિર્ભર બનવાનું અને સખત પરિશ્રમ દ્વારા બધાં જ દુ:ખોમાંથી પોતાને મુક્ત કરવાનું શીખવવામાં આવે છે.

વિપશ્યનાનો વિશ્વભરમાં વધુ ને વધુ સ્વીકાર થઈ રહ્યો હોવાથી ગોયન્કાજીને વિપશ્યના ઉપર વાર્તાલાપ આપવા માટે યુનો તથા દાઓસમાં વિશ્વ આર્થિક ફોરમ, બિઝનેસ ક્લબ, મૅસેચૂસેટ્સ, સ્મિથ- સોનિયન ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, ભારતીય સાંસદો વગેરે દ્વારા નિમંત્રણ અપાતાં રહેલાં.

અભ્યાસ : વિપશ્યના શીખવા માટે અનુભવી આચાર્યના માર્ગદર્શન હેઠળ 10 દિવસની આવાસીય શિબિરમાં જોડાવાનું રહે છે.

શિબિરના સમય દરમિયાન સાધકે બાહ્ય જગતના સંપર્ક સિવાય શિબિરસ્થળે જ રહેવાનું હોય છે. સાથી સાધકનો સંપર્ક કર્યા વગર તેઓ મૌનનું પાલન કરે છે. પોતાના આંતરજગતને જાણવા અંતર્મુખી બનવામાં આ તેમને સહાયભૂત થાય છે. જરૂર જણાય ત્યારે તેઓ આચાર્યને અથવા વ્યવસ્થાપકને તેમની મદદ માટે મળી શકે છે.

દૈનિક સમયસારણી મુજબ લગભગ 10 કલાક બેસીને ધ્યાન કરવાનું આવશ્યક હોય છે.

આ અભ્યાસનાં ત્રણ સોપાન-પગથિયાં છે. સૌપ્રથમ જેનાથી હાનિ થાય તેવાં કાર્યોથી સાધક વિરક્ત રહે છે. તેઓએ 5 શીલ-પાલન કરવાનાં હોય છે; જેમાં (1) જીવહિંસા, (2) ચોરી, (3) કામસંબંધી મિથ્યા આચાર, (4) અસત્ય ભાષણ અને (5) નશીલા અને માદક પદાર્થોનું સેવન કરવાથી દૂર રહેવાની બાબતોનો સમાવેશ થાય છે. વિપશ્યનામાં આધારભૂત એવા પંચશીલનું પાલન આગળના અભ્યાસ માટે મનને આવશ્યક પ્રમાણમાં શાંત કરે છે.

પછી સાધક પ્રથમ 3 1/2 દિવસ સુધી આવતા-જતા સ્વાભાવિક શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી આનાપાન સાધનાનો અભ્યાસ કરે છે. યથાભૂત શ્વાસના સત્યને જોવાનો અભ્યાસ, જંગલી મનને વશ કરવામાં સહાયભૂત થાય છે.

ઉપરનાં બે સોપાન કુશળ જીવન જીવવા માટે અને મન ઉપર કાબૂ રાખવા જરૂરી અને લાભદાયી છે. પણ જ્યાં સુધી સુષુપ્ત વિકારોથી મનને નિર્મળ કરવાના ત્રીજા સોપાનનો અભ્યાસ કરવામાં ન આવે ત્યાં સુધી વિપશ્યના અપૂર્ણ રહે છે.

બાકીના 61 દિવસ ત્રીજા સોપાનનો – વિપશ્યનાનો અભ્યાસ કરવામાં આવે છે. સમગ્ર શરીર અને મનના તલસ્પર્શી ઊંડાણ સુધી પ્રજ્ઞાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે છે.

પ્રથમ 9 દિવસ સંપૂર્ણ મૌનનું પાલન કરવામાં આવે છે. 10મા દિવસે સવારે સાધક મૈત્રીભાવના(નિ:સ્વાર્થ પ્રેમ અને સર્વ સત્વો પ્રત્યે કરુણા)નો અભ્યાસ કરવાનું શીખે છે. શિબિર દરમિયાન જે નિર્મળતા પ્રાપ્ત થઈ હોય છે તેમાં બધાં સત્વોને યથાશક્તિ ભાગીદાર બનાવવામાં આવે છે.

મૈત્રીભાવનાના અભ્યાસ પછી સાધક બોલવાનું શરૂ કરી બહિર્મુખી જીવન તરફ વળે છે. 11મા દિવસે સવારે શિબિરનું સમાપન થાય છે.

શિબિરો : સાધનામાં આગળ વધેલા પરિપક્વ સાધકો માટે 10 દિવસ ઉપરાંત 10, 20, 30, 45 દિવસની વિશિષ્ટ શિબિરો અને 60 દિવસની દીર્ઘ-શિબિરોનું પણ સમયે સમયે આયોજન કરવામાં આવે છે.

એપ્રિલ 2004થી તરુણ યુવક-યુવતીઓ માટે 7 દિવસની વિશિષ્ટ શિબિર શરૂ કરવામાં આવેલ છે.

વિપશ્યના સાધનાના પ્રારંભિક ભાગરૂપ 3 દિવસની આનાપાનની લઘુશિબિરોનું બાળકો માટે નિયમિત રૂપે આયોજન કરવામાં આવે છે. આ શિબિરો 1થી 3 દિવસની હોય છે; જેમાં બાળકોનાં 8થી 11 અને 12થી 15 વર્ષનાં  – એવાં બે વયજૂથો માટે શિબિરોનું આયોજન કરવામાં આવે છે.

ભારતની કેટલીક શાળાઓમાં તેમના દૈનિક કાર્યક્રમમાં થોડી મિનિટો માટે આનાપાનના અભ્યાસનો સમાવેશ કરેલ છે.

સદીઓ જૂની પરંપરા પ્રમાણે શિબિરો માટે કોઈ પણ જાતનું શુલ્ક લેવામાં આવતું નથી. રહેવા અને જમવા માટે પણ નહિ.

અગાઉ શિબિર કરી હોય અને જેઓ પોતાને થયેલા લાભ બીજાંને પણ મળે તેવી ભાવના રાખતા હોય તેવા સાધકોના સ્વૈચ્છિક દાન અને સેવા દ્વારા શિબિરનો ખર્ચ નીકળે છે.

આચાર્ય કે સહાયક આચાર્ય કોઈને વળતર મળતું નથી તેઓ તેમજ અન્ય સાથી સેવકો તેમનો સમય સ્વૈચ્છિક રીતે આપે છે.

બધા મનુષ્યોની સમસ્યા એકસરખી હોય છે. આ આધાર ઉપર વિપશ્યના કામ કરે છે. આ વ્યાવહારિક પ્રશિક્ષણ છે કે જે આવી સમસ્યાઓ દૂર કરી શકે છે. તેનો અભ્યાસ સાર્વત્રિક થઈ શકે છે. કારણ દુ:ખ સાર્વત્રિક છે તેથી તેનો ઉપાય પણ સાર્વત્રિક જ હોય.

વિપશ્યના વિશોધન વિન્યાસ – ધમ્મગિરિ – ઇગતપુરી-422403