વિન્ડવર્ડ અને લીવર્ડ ટાપુઓ : કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓનાં બે જૂથો પૈકીનું પૂર્વ તરફનું ઉત્તર-દક્ષિણ દિશામાં ચાપ આકારે પથરાયેલું નાના ટાપુઓનું જૂથ. તે ‘લઘુ ઍન્ટિલ્સ’ (Lesser Antilles) તરીકે ઓળખાય છે. આ ચાપનો દક્ષિણ છેડો છેક વેનેઝુએલાના ઉત્તર કિનારા સુધી લંબાયેલો છે. ભૌગોલિક સ્થાન : આ ટાપુઓ આશરે 12° 00´થી 18° 30´ ઉ. અ. અને 60° 30´થી 63° 00´ પ. રે. વચ્ચે આવેલા છે. આ ટાપુસમૂહનો કુલ વિસ્તાર 6,454 ચોકિમી. જેટલો છે.
આ ટાપુઓની ઉત્પત્તિ મુખ્યત્વે જ્વાળામુખી-પ્રક્રિયાથી થયેલી હોવાનું મનાય છે. અહીંના કેટલાક ટાપુઓ આજે પણ સક્રિય કે સુષુપ્ત જ્વાળામુખીવાળી સ્થિતિ ધરાવે છે. આ ટાપુઓની ખાસિયત એ છે કે તેમના ચાપની અંતર્ગોળ બાજુએ એટલે કે બધા જ ટાપુઓના પશ્ચિમ ભાગોમાં સંપૂર્ણપણે કે અંશત: જ્વાળામુખીજન્ય રચના જોવા મળે છે; જ્યારે તેમની બહિર્ગોળ બાજુએ એટલે કે ટાપુઓના પૂર્વભાગોમાં સંપૂર્ણપણે કે અંશત: પરવાળાના ખરાબાની રચના જોઈ શકાય છે. રાજકીય દૃષ્ટિકોણથી જોતાં, અગાઉ આ ટાપુઓ સ્પૅનિશ સત્તા હેઠળ હતા, પરંતુ સમય જતાં સ્પૅનિશ સત્તા નબળી પડતાં આજે આ ટાપુઓ સંસ્થાનોના રૂપે બ્રિટન, ફ્રાન્સ અને નેધરલૅન્ડ્ઝના કબજા હેઠળ છે.
વિન્ડવર્ડ આઇલૅન્ડ્ઝ : વેસ્ટ ઇન્ડિઝના અગ્નિ ભાગમાં આવેલું વાતાભિમુખી ટાપુઓનું જૂથ. તે 14° 00´ ઉ. અ. અને 62° 00´ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલું છે, તથા કૅરિબિયન સમુદ્રના પૂર્વ છેડા નજીકથી દક્ષિણ અમેરિકા તરફ પથરાયેલું છે. ઈશાનકોણી વ્યાપારી પવનો અહીં વાતા રહેતા હોવાથી તેમને આ પ્રમાણેનું નામ અપાયેલું છે. આ ટાપુઓ પવનોની વાતાભિમુખ બાજુ પર આવેલા હોવાને કારણે તે વધુ વરસાદ મેળવે છે અને તેથી તેમનું વિન્ડવર્ડ ટાપુઓ નામ યથાર્થ ઠરે છે.
આ ટાપુસમૂહમાં માર્ટિનિક, સેન્ટ લુસિયા, ગ્રેનેડા, સેન્ટ વિન્સેન્ટ તથા ગ્રેનેડાઇન્સ ટાપુ-શ્રેણીનો સમાવેશ થાય છે. માર્ટિનિક ફ્રેન્ચ માલિકીનો છે, સેન્ટ લુસિયા સ્વતંત્ર દેશ છે. ગ્રેનેડા અને ગ્રેનેડાઇન્સ શ્રેણીનો કેટલોક ભાગ ગ્રેનેડા દેશ હેઠળ છે, જ્યારે સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ શ્રેણીનો બાકીનો ભાગ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ દેશ તરીકે ઓળખાય છે. અહીંની મોટાભાગની વસ્તી અશ્વેત આફ્રિકી વંશની છે. અહીં પેદા થતી ચીજવસ્તુઓમાં આરારુટ, કેળાં, કોકો, કપાસ, જાયફળ, જાવંત્રી અને ખાંડનો સમાવેશ થાય છે.
અહીંના મૂળ નિવાસીઓ આરાવાક ઇન્ડિયનો હતા. યુરોપિયનો અહીં સત્તરમી સદીમાં આવ્યા. 1763 અને 1814 વચ્ચેના ગાળામાં માર્ટિનિક સિવાયના ટાપુઓ બ્રિટિશ સંસ્થાનો બન્યાં. ગ્રેનેડા 1974માં અને સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ તેમજ ગ્રેનેડાઇન્સ 1979માં સ્વતંત્ર દેશો બનેલા છે.
લીવર્ડ આઇલૅન્ડ્ઝ : વેસ્ટ ઇન્ડિઝમાં 16° ઉ. અક્ષાંશથી ઉત્તર તરફ 17° ઉ. અ. અને 63° પ. રે.ની આજુબાજુ તેમજ પ્યુર્ટોરિકોથી વિન્ડવર્ડ આઇલૅન્ડ્ઝ વચ્ચેના ભાગમાં પથરાયેલા ટાપુઓ. આ ટાપુજૂથ ઈશાનકોણીય વ્યાપારી પવનોના મુખ્ય માર્ગથી દૂર એટલે કે ‘વાતવિમુખ’ (Leeward) બાજુ પર આવેલું છે, તે વ્યાપારી પવનોથી રક્ષિત રહેતા હોવાથી તેમને આવું નામ અપાયેલું છે. આ ટાપુઓ ઈશાનકોણીય વ્યાપારી પવનોના સીધા પ્રભાવ હેઠળ આવતા ન હોવાથી તે એકંદરે ઓછો વરસાદ મેળવે છે.
આ ટાપુસમૂહમાં આશરે 15 જેટલા મુખ્ય ટાપુઓ તેમજ અન્ય ઘણા નાના નાના ટાપુઓનો સમાવેશ થાય છે. વાતવિમુખ બાજુ પરના જૂથમાં ઍન્ટિગુઆ-બાર્બુડા, ડોમિનિકા તથા સેન્ટ ક્રિસ્ટૉફરનેવિસ જેવા ત્રણ સ્વતંત્ર દેશો છે. આ જૂથમાં એંગ્વિલા, બ્રિટિશ વર્જિન આઇલૅન્ડ્ઝ અને મોન્ટસીરાટ પણ આવી જાય છે. તે બધા બ્રિટિશ હકૂમત હેઠળ છે. વળી અહીં સિન્ટ યુસ્ટેસિયસ, સાબૅ અને સેન્ટ માર્ટિન, ડચ ટેરિટરીઝ, ગ્વાડેલૂપ (દરિયાપારનું ફ્રેન્ચ સંસ્થાન) અને યુ.એસ.ના વર્જિન આઇલૅન્ડ્ઝ (યુ. એસ. ટેરિટરી) પણ છે.
આ ટાપુસમૂહની આબોહવા બદલાતી રહે છે, પરંતુ સામાન્ય રીતે તે સૂકી અને ખુશનુમા રહે છે. અહીંના મોટાભાગના લોકોમાં ખેડૂતો અને ફળ ઉગાડનારાઓનો સમાવેશ થાય છે. અહીં મુખ્ય પેદાશોમાં તમાકુ, કપાસ, ડુંગળી, નાળિયેરી, ટમેટાં, લીંબુ, પાઇનૅપલ અને ખાંડનો તેમજ ડેરીની પેદાશોનો સમાવેશ થાય છે.
વિન્ડવર્ડ અને લીવર્ડ ટાપુસમૂહોનો કુલ વિસ્તાર આશરે 6,454 ચોકિમી. છે તથા બંને ટાપુસમૂહોની કુલ વસ્તી 7,15,000 (1996) જેટલી છે.
બિજલ પરમાર