વિન્ડરમિયર (સરોવર) (Windermere) : ઇંગ્લૅન્ડમાં આવેલું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : 54° 22´ ઉ. અ. અને 2° 53´ પ. રે.. તે વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં વિપુલ જળરાશિ ધરાવે છે.
વિન્ડરમિયરનાં તેમજ તેની આજુબાજુનાં રમણીય કુદરતી દૃશ્યોએ વિલિયમ વર્ડ્ઝવર્થ રૉબટ સધે અને સૅમ્યુઅલ કૉલરિજ જેવા ખ્યાતનામ અંગ્રેજ કવિઓને લખવાની પ્રેરણા પૂરી પાડેલી. તેની આજુબાજુ 300 મીટર ઊંચી વૃક્ષાચ્છાદિત ટેકરીઓ તથા તેની મધ્યમાં આવેલા નાના ટાપુઓ પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલાં છે. તેનો વિસ્તાર 14.7 ચોકિમી. જેટલો છે તથા તેની ઊંડાઈ સ્થાનભેદે 9થી 60 મીટર જેટલી છે. તેની મહત્તમ પહોળાઈ 1.6 કિમી.ની છે અને લંબાઈ 16.9 કિમી.ની છે. આ સરોવરમાંથી લેવેન (Leven) નદી નીકળે છે અને મોરકામ્બે ઉપસાગરમાં મળે છે.
ગિરીશભાઈ પંડ્યા