વિનેસ ઇલ્સવર્થ

February, 2005

વિનેસ ઇલ્સવર્થ (. 28 સપ્ટેમ્બર 1911, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકાના 1930ના દાયકાના પ્રભાવક ટેનિસ ખેલાડી. તેઓ ટેનિસ-બૉલને અત્યંત જોશથી ફટકારવા માટે જાણીતા બન્યા. તેમની સર્વિસ તથા ફોરહૅન્ડ ખતરનાક હતાં. તેઓ કેવળ 19 વર્ષના હતા ત્યારે તેઓ 1931 યુ.એસ. સિંગલ્સમાં વિજેતા બન્યા. પછીના વર્ષે યુ.એસ. વિજયપદક જાળવી રાખવા ઉપરાંત પ્રથમ પ્રયત્ને જ વિમ્બલ્ડનના વિજેતા બન્યા. 1933માં તેઓ ફરીથી વિમ્બલ્ડન ફાઇનલ સુધી પહોંચ્યા પણ 5 સેટમાં હારી ગયા. મેન્સ ડબલ્સમાં 1932માં તેઓ યુ.એસ. અને 1933માં ઑસ્ટ્રેલિયન વિજયપદક જીત્યા. તેને પગલે 1933માં જ તેઓ મિક્સ્ડ યુ.એસ. ડબલ્સમાં પણ વિજેતા બન્યા. યુ.એસ. ડૅવિસ કપમાં તેઓ 193233માં 16 સિંગલ્સમાંથી 13માં વિજેતા બન્યા હતા.

ઑક્ટોબર 1933માં તેઓ 5 વર્ષ સુધી ઉત્તમ ખેલાડી તરીકે અપરાજિત રહ્યા. 1939માં યુ.એસ. પ્રો. સિંગલ્સ વિજયપદક જીત્યા પછી તેમણે ટેનિસ છોડી દીધું.

મહેશ ચોકસી