વિધ્વંસ-ઇમારતોનો
February, 2005
વિધ્વંસ-ઇમારતોનો (demolition of structures) : જર્જરિત, બિનઉપયોગી કે બિનસલામત ઇમારતોનો ઇરાદાપૂર્વક નાશ-ધ્વંસ કરવો તે. કુદરતી ક્રમમાં સર્જન, સંવર્ધન અને વિનાશ કે વિધ્વંસ(વિસર્જન)ની ક્રિયાઓ બને જ છે. હિન્દુ પુરાણોમાં ત્રિ-મૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ – એ આ ત્રણ પ્રક્રિયાઓના નિયામક મનાયા છે. બધી સજીવ અને નિર્જીવ વસ્તુઓમાં ત્રણેય ક્રિયાઓ કાળક્રમે બને છે. કુદરત આ ત્રણેય પ્રક્રિયાઓ વચ્ચે સંવાદિતા જાળવે છે. નવા સર્જન માટે સંવર્ધન જરૂરી છે અને જેનું સંવર્ધન થયું તેનું વિસર્જન થતું રહે છે. ઇમારતો-મકાનોનો અમુક સંજોગોમાં નાશ કરવો અનિવાર્ય બને છે. નીચેની બાબતો ઇમારતોના વિધ્વંસ માટે કારણભૂત હોય છે :
(1) ભૂકંપ પછી જે ઇમારતો સલામતીની દૃષ્ટિએ જોખમકારક બની હોય;
(2) સમય જતાં જે ઇમારતો જર્જરિત બની ગઈ હોય અથવા તો નિમ્ન સ્તરના બાંધકામને લીધે જાનમાલની સલામતી જોખમાતી હોય;
(3) વિકાસ માટે અથવા અન્ય ખાસ જરૂરિયાત માટે, ચાલુ ઇમારતની જગ્યા ખૂબ જરૂરી હોય.
(4) વહીવટકર્તા (મ્યુનિસિપાલિટી, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર) દ્વારા કોઈ ઇમારત ગેરકાનૂની જાહેર કરાઈ હોય કે બિન અધિકૃત રીતે બાંધવામાં આવી હોય.
છેલ્લાં બે કારણોને લીધે ઇમારતોની વિધ્વંસ કરવાની પ્રક્રિયા વધતી ચાલી છે. જેમનો ધ્વંસ કરવામાં આવે છે તે ઇમારતોમાં મકાનો, ટાંકીઓ, મોટી ચીમનીઓ વગેરેનો સમાવેશ થાય છે. જે કોઈ ઇમારતનો ધ્વંસ જરૂરી બન્યો હોય ત્યારે તે જાનમાલના જોખમ વિના કેવી રીતે કરવો તે અનેક બાબતો પર આધાર રાખે છે; જેવી કે ઇમારતની સ્થિતિ, તેની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ, કાટમાળમાંથી મળતી વસ્તુઓનો ફરી ઉપયોગ કરવો છે કે નહિ, અથવા કેટલા સમયમાં વિધ્વંસ કરવો અનિવાર્ય છે, જાનમાલની સલામતી ઉપર કેટલો ભાર મુકાય છે વગેરે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ વિધ્વંસનું આયોજન કરાય છે. મોટી ઇમારતોનો સલામતીપૂર્વક વિધ્વંસ કરવો તે ખાસ પ્રકારની કુનેહ, આવડત અને અભ્યાસ માગી લે છે, જેમ ઇમારતના ચણતર માટે ઇજનેરી જ્ઞાન જરૂરી છે તેમ વિધ્વંસ માટે પણ તે જરૂરી છે. તે માટેના નિષ્ણાતો તેમજ એજન્સીઓ હોય છે. ભૂકંપ પછી મોટી ઇમારતોના વિધ્વંસના કાર્યમાં આ બાબત ખાસ ધ્યાન ખેંચતી હતી. વિધ્વંસ કાર્ય જુદી જુદી રીતે કરાય છે, જેમાં નીચેના પ્રકારો ખાસ છે :
(i) ઇમારતને આડી પાડી દેવાને બદલે થોડા ખૂણે લંબ દિશા(vertical fall angle throw)માં ક્રમશ: તોડીને ધ્વંસ કરવો. જેમ નાની નાની ગડીઓ કરી, કરચલીઓ પાડીએ તેમ. આ રીતમાં જુદી ઊંચાઈએ જે ભાગ તોડી પાડવાનો હોય ત્યાં ચોક્કસ ક્રમમાં અને ચોક્કસ વ્યાસનાં છિદ્રો પાડવામાં આવે છે એટલે કે ડ્રિલિંગ કરવામાં આવે છે અને ત્યારપછી ન્યૂનતમ માત્રામાં તેમાં વિસ્ફોટકો(dynamites)નો ઉપયોગ કરી ક્રમશ: તોડી પાડવામાં આવે છે. કઈ ઊંચાઈએ, કેટલાં અને કેવડાં છિદ્રો પાડવાં તેમજ તે છિદ્રો કેટલા ખૂણામાં પાડવાં વગેરેની ખાસ ગણતરી કરવામાં આવે છે. ઘણી વાર એવું બને છે કે આખી ઇમારતને તોડી પાડવાની ન હોય; પરંતુ અમુક ભાગનો વિધ્વંસ કરવાનો હોય – ખાસ કરીને અમુક બહુમાળી મકાનોમાં – ત્યારે ઇમારતના બાકીના સારા ભાગને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જ્યાં જરૂર લાગે ત્યાં સારા ભાગમાં ટેકા કે પાતળી ટેકા-દીવાલો ઊભી કરવામાં આવે છે. વિધ્વંસની આ પ્રકારની રીતમાં વિધ્વંસને લીધે તૂટી પડતો કાટમાળ નક્કી કરેલ મર્યાદિત જગ્યામાં જ પડે. જ્યાં આસપાસની જગ્યા ઓછી હોય તેમજ આસપાસની અન્ય ઇમારતો કે સ્થળોની સલામતી જાળવવાની હોય ત્યાં આ રીત વપરાય છે. ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલ ભૂકંપમાં કચ્છ-ભુજ, અમદાવાદ તેમજ અન્ય ઠેકાણાંઓની ઘણી મોટી ઇમારતોને નુકસાન થયું હતું; જેમાં ખાસ કુનેહપૂર્વક વિધ્વંસ કરવામાં આવેલ, જેનો એક નમૂનો જોઈએ :
અમદાવાદમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 6 માળનું ‘વિશ્રામ એપાર્ટમેન્ટ’ નામનું બહુમાળી મકાન ભૂકંપનો ભોગ બનેલું. આ મકાનને ત્રણ પાંખો (wings) હતી તેમજ એક તરફ મોટો જાહેર રસ્તો અને રેલવે ટ્રૅક હતા. આ મકાનના એક ભાગે ચાર માળ સુધીનો ભાગ તદ્દન સારી સ્થિતિમાં હતો.
ભૂકંપને લીધે બે પાંખોને ખૂબ નુકસાન થયું હતું તે પાંખોના ઉપલા બે માળમાં ડ્રિલિંગ કરવામાં આવ્યું અને ‘કૉમન બાઉન્ડ્રી’ના ‘કૉલમ’(ઊભા થાંભલા)ને એમ ને એમ રાખી ખુલ્લી બાજુના થાંભલાને ડ્રિલિંગ અને વિસ્ફોટન(blasting)થી તોડી પાડ્યા. ત્રીજા માળના ધાબા ઉપર ટેકાઈ રહ્યા અને એ રીતે મકાનની ઊંચાઈ ઘટાડવામાં આવી. ત્યારબાદ જમીન પરના મજલાના થાંભલાનું ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ કરાયું. આમ કરવાથી પહેલી પાંખ (wing) જે સારી હતી તેને કંઈ પણ નુકસાન કર્યા વગર બીજી અને ત્રીજી પાંખ ધીરે ધીરે તૂટી પડી. આ રીતે ધરતીકંપને લીધે નુકસાન થયેલ મોટી ઇમારતનો ભાગ તોડી પાડવામાં આવ્યો અને જે ભાગ સારો હતો તેને સહીસલામત રીતે બચાવી લેવાયો. પાસે આવેલ રસ્તો, રેલવે ટ્રૅક અને પસાર થતા મોટા વિદ્યુત તારોને નુકસાન કર્યા વગર આ આખું કાર્ય બે દિવસમાં પૂરું કરવામાં આવ્યું.
(ii) જે ઇમારતો પાયાની લંબાઈ-પહોળાઈમાં ખૂબ સાંકડી હોય, પરંતુ ઊંચાઈ ખૂબ વધારે હોય તેવી ઇમારતો(જેવી કે ધુમાડો બહાર ફેંકવા માટેના ઊંચાં ભૂંગળાં(ચીમનીઓ તેમજ ઊંચી ટાંકીઓ)ના ધ્વંસ માટે ખાસ રીત વપરાય છે. આસપાસ પૂરતી જગ્યા હોય તો આખી ઇમારત એક ચોક્કસ દિશામાં ઢળી પડે તેવી રીતે તેનો ધ્વંસ કરાય છે. મોટી ચીમનીનું ઉદાહરણ લઈએ તો પ્રથમ તેની દીવાલોની જાડાઈ અને મજબૂતાઈનો અભ્યાસ કરી, કઈ દિશામાં ઢાળવી છે તે નક્કી કરી તેના પાયાના બે તૃતીયાંશ ભાગમાં ફરતે મોટાં કાણાં પાડી પાયો નબળો કરવામાં આવે છે અને ત્યારબાદ બ્લાસ્ટિંગ કરાતાં ઇમારત જે દિશામાં પાયો નબળો કરાયો હોય તે તરફ ઢળી પડે છે.
ઇમારતના વિધ્વંસ માટે લાગતો સમય કુલ કેટલું ડ્રિલિંગ કરવાનું છે, ડ્રિલિંગ માટે જરૂરી મશીનરી કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે, કુલ કેટલા વિસ્ફોટો કરવાના થાય છે તે બધા ઉપર આધાર રાખે છે.
વિધ્વંસ માટેની જૂની પદ્ધતિ (જેમાં માણસો ઘણ, હથોડા, ત્રિકમ કે કોશ વડે જરૂરી ઊંચાઈએ રહીને કરતા તે રીત) હવે મોટી ઇમારતો માટે વપરાતી નથી. જૂની પદ્ધતિમાં ખૂબ સમય લાગે છે અને તે ખર્ચાળ બની રહે છે. વળી, તેમાં માણસોની સલામતીનો પણ મોટો પ્રશ્ર્ન ઊભો થાય છે. તેમાં અકસ્માતની શક્યતા વધુ રહે છે. અલબત્ત ડ્રિલિંગ અને વિસ્ફોટની આધુનિક રીતમાં પણ ખૂબ કાળજી રાખવાની થાય છે અને અમુક નીતિનિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે.
શરદચંદ્ર બાળકૃષ્ણ સરવટે
અનુ. ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ