વિધેરાઇટ : ઍરેગોનાઇટ જૂથનું ખનિજ. રાસા. બં. : BaCO3. સ્ફટિક-વર્ગ : ઑર્થોર્હૉમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે (110) ફલક પર યુગ્મસ્વરૂપે મળે; જે સ્યુડોહેક્ઝાગોનલ ડાયપિરામિડ સ્વરૂપમાં હોય; મેજઆકારના કે બહિર્ગોળ તળવાળાં ટૂંકાં પ્રિઝમ સ્વરૂપોમાં પણ હોય. ફલકો ક્ષૈતિજ સળવાળા હોય તો તે અનિયમિત કે બરછટ દેખાય. આ ઉપરાંત દળદાર, દાણાદાર, સ્થૂળ રેસાદાર કે સ્તંભાકાર પણ મળે. કઠિનતા : 3થી 3.5. વિ. ઘનતા : 4.29. રંગ : રંગવિહીન, રાખોડી; ક્યારેક તે આછી પીળી, લીલી કે કથ્થાઈ ઝાંય બતાવે. પારદર્શકથી પારભાસક. ચમક : કાચમયથી રાળમય. ટૂંકી તરંગગતિનાં પારજાંબલી પ્રકાશકિરણોમાં તે ભૂરા-શ્વેત પ્રસ્ફુરણ અને પશ્ર્ચાત્ સ્ફુરણની ઘટના દર્શાવે છે.

પ્રાપ્તિસ્થિતિ : ઉષ્ણજળજન્ય શિરા-નિક્ષેપોમાં તે ઓછા તાપમાને તૈયાર થયેલા ખનિજ તરીકે મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ.નાં ઇલિનૉઇસ, કેન્ટકી, મોન્ટાના, ઍરિઝોના અને કૅલિફૉર્નિયા રાજ્યોમાં (ક્યાંક કૅલ્સાઇટ અને ફ્લોરાઇટના સહયોગમાં) મોટા સ્ફટિકો તરીકે મળે છે. વેપારી ધોરણે મળતા નિક્ષેપો ઇંગ્લૅન્ડમાં રહેલા છે. આ ઉપરાંત તે ઑસ્ટ્રિયા, જર્મની, ચેકોસ્લોવૅકિયા, ફ્રાન્સ, રશિયા અને જાપાનમાં પણ મળે છે.

ગિરીશભાઈ પંડ્યા