વિધિમાર્ગપ્રપા અથવા સુવિહિત સામાચારી

February, 2005

વિધિમાર્ગપ્રપા અથવા સુવિહિત સામાચારી : જૈન ધર્મના વિધિ-વિધાનના પ્રાચીન ગ્રંથોમાં અતિ મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર ગ્રંથ. આ ગ્રંથના રચયિતા હતા ખરતરગચ્છ-ગગનાવભાસક, યવનસમ્રાટસુલતાનમહમ્મદપ્રતિબોધક અને મહાપ્રભાવક જિનપ્રભસૂરિ. આ મહત્વપૂર્ણ ગ્રંથનું સંપાદન કેટલાય પ્રાચીન ગ્રંથોને પ્રકાશમાં લાવનાર મુનિશ્રી જિનવિજયજી જેવા સિદ્ધહસ્ત સંપાદક દ્વારા ઉચિત રીતે જ થયું છે. પ્રકાશનની વિગતો : નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ; ઈ. સ. 1943, વિ. સં. 1997; પુસ્તક મળવાનું સ્થાન : શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, ઓસવાલ મહોલ્લો, ગોપીપુરા, સૂરત. ખરતરગચ્છના એક બહુ મોટા પ્રભાવક આચાર્યની પ્રમાણભૂત કૃતિ. એમાં ખાસ કરીને આ ગચ્છની સામાચારીને સમ્મત વિધિવિધાનોનું જ ગુંફન કરાયું છે. આ ગ્રંથનું આખું નામ છેલ્લી ગાથામાં (પૃ. 120, ગાથા 16) આપ્યું છે તેમ, ‘વિધિમાર્ગપ્રપા નામ  સામાચારી’ એવું છે, પરંતુ ‘વિધિપ્રપા’ એવું ટૂંકું નામ સર્વત્ર પ્રચલિત છે. સૌથી વધારે મહત્વની બે કૃતિઓમાંની આ એક છે. (બીજી છે ‘વિવિધતીર્થકલ્પ’). ક્રિયાકાંડના મહત્વપૂર્ણ ગ્રંથને અસાધારણ પ્રભાવશાળી જૈન આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ વિ. સં. 1363(ઈ. સ. 1306)માં વિજયાદશમીને દિવસે કોશલા અર્થાત્ અયોધ્યામાં લખીને સમાપ્ત કરેલો. આવા મહત્વના ગ્રંથની પ્રથમ પ્રતિ તેમના પ્રધાનશિષ્ય વાચનાચાર્ય ઉદયાકરગણિએ સ્વહસ્તે લખી હતી. આ કૃતિ પ્રૌઢ અવસ્થામાં રચાઈ લાગે છે. જિનદત્તસૂરિએ વિ. સં. 1326માં દીક્ષા લીધેલી. એટલે આ કૃતિની રચના સમયે તેમનો દીક્ષાપર્યાય આશરે 37 વર્ષ જેટલો થઈ ચૂક્યો હતો. ગ્રંથમાં સ્થળે સ્થળે તેમણે કેટલાય પૂર્વાચાર્યોનાં કથનોનો ઉલ્લેખ કર્યો છે અને પ્રસંગવશ કોઈક સ્થળે વળી આખાં પ્રકરણો ઉદ્ધૃત કર્યાં છે. દા.ત., ઉપધાનવિધિમાં માનદેવસૂરિકૃત 54 ગાથાઓ ધરાવતું આખું ‘ઉવરાણવિહી’ નામનું પ્રકરણ ઉદ્ધૃત કર્યું છે. એ જ રીતે અંતમાં ઉપધાનપ્રતિષ્ઠા-પ્રકરણમાં કોઈ પૂર્વાચાર્યે રચેલ 51 ગાથાઓનું ‘ઉપહાણપઇઠ્ઠા પંચાસય’ નામનું પ્રકરણ ઉતાર્યું છે. એમાં ‘મહાનિશીથ’ની પ્રામાણિકતાનું સમર્થન કરાયું છે. તે પછી તેમાં પૌષધવિધિ, પ્રતિક્રમણવિધિ, તપોવિધિ, નંદિરચનાવિધિ, લોચકરણવિધિ, ઉપયોગવિધિ, આદિમઅટનવિધિ, ઉપસ્થાપનાવિધિ, અનધ્યાયવિધિ, સ્વાધ્યાય-પ્રસ્થાનવિધિ, યોગનિક્ષેપણવિધિ આદિનું વર્ણન મળે છે. યોગનિક્ષેપણવિધિમાં કાલિક અને ઉત્કાલિકના ભેદોનું પ્રતિપાદન છે. યોગવિધિમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, દશા-કલ્પ-વ્યવહાર, ભગવતી, નાયાધમ્મકહા, ઉવાસગ, અંતગડ, અણુત્તરોવવાઇય, વિપાક, દૃષ્ટિવાદ (વ્યુચ્છિન્ન) આદિ આગમોના વિષયનું વર્ણન છે. વાચનાવિધિમાં આગમોની વાચના કરવાનો ઉલ્લેખ છે. આગમ આદિનું પૂર્ણ જ્ઞાન મેળવ્યા પછી સાધુ, ઉપાધ્યાય અને આચાર્યની પદવી તેમજ સાધ્વી, પ્રવ્રજિની અને મહત્તરાની પદવી મેળવે છે. તે પછી અનશનવિધિ, મહાપારિષ્ઠાપનિકાવિધિ (શરીરના અંત્ય સંસ્કાર કરવાનો વિધિ), પ્રાયશ્ચિત્તવિધિ આદિનું વર્ણન છે. પ્રતિષ્ઠાવિધિ સંસ્કૃતમાં છે, જેમાં જિનબિમ્બપ્રતિષ્ઠા ધ્વજારોપ કૂર્મપ્રતિષ્ઠા, યંત્રપ્રતિષ્ઠા અને સ્થાપનાચાર્ય પ્રતિષ્ઠાનું વર્ણન છે. મુદ્રાવિધિ પણ સંસ્કૃતમાં છે. તેમાં ભિન્ન ભિન્ન મુદ્દાઓનો ઉલ્લેખ છે. પછી 64 યોગિનીઓનાં નામોનો ઉલ્લેખ છે. પછી તીર્થયાત્રાવિધિ, તિથિવિધિ અને અંગવિજ્જાસિદ્ધિવિહી બતાવેલ છે. તેમાં અંગવિજ્જાની સાધનાવિધિ પ્રતિપાદિત કરવામાં આવી છે.

આ પ્રકાશિત ગ્રંથમાં જિનદત્તસૂરિની સંક્ષિપ્ત જીવનરેખા અને સાહિત્યસમ્પત્તિ પણ આપી છે, જેની સાથે સ્તુતિ-સ્તોત્રાદિની સૂચિ પણ છે.

જયન્ત પ્રે. ઠાકર